12 July, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
આજકાલ લોકો કહે છે કે આપણા જેવા ૭ લોકો આ જગતમાં છે. જોકે આપણે તેમને ક્યાંય જોયા નથી, આપણને કોઈ મળ્યા નથી કે આપણે કોઈની તસવીરો કે ફોટો પણ જોયાં નથી; પરંતુ મૉડર્ન સમયમાં લોકો એમ માને છે કે આપણા જેવા ૭ લોકો આ દુનિયામાં છે, હોઈ પણ શકે. તેમના કદાચ ચહેરા સરખા હોઈ શકે; પણ સ્વભાવ, ગુણદોષ, પરિસ્થિતિ, સિદ્ધિ આ બધું તો અલગ જ રહેવાનું, કારણ કે પરમાત્માની સૃષ્ટિમાં રિપીટેશન નથી.
પરમાત્મા જે કંઈ પણ બનાવે છે એ એક જ વાર બનાવે છે, ફરી વાર એને રિપીટ કરતા નથી. જેવી રીતે આપણો ચહેરો પરમાત્માએ એક જ વાર બનાવ્યો છે. આપણો સ્વભાવ, આપણી સ્થિતિ, આપણી સાથે ઘટતી ઘટનાઓ આ બધું બીજા સાથે સમાન ન હોઈ શકે. કોઈ ઘટનાઓને વિચારવાની પદ્ધતિ, જોવાની દૃષ્ટિ પ્રત્યેક વ્યક્તિની અલગ છે તો આપણે આપણી સરખામણી કોની સાથે કરીએ.
સહી કરતાં ન આવડતું હોય તો સરકાર એમ કહે કે અંગૂઠો મારો. સરકારને પણ ખબર છે કે આના જેવા અંગૂઠાની છાપ આ જગતમાં બીજા કોઈની નથી. જો આપણા અંગૂઠાની સરખામણી પણ કોઈ સાથે ન થઈ શકતી હોય તો આપણી સરખામણી કેવી રીતે થઈ શકે?
માનવ જે કંઈ પણ બનાવે એ રિપીટેશનના સિદ્ધાંતથી બનાવે. મોબાઇલ બનાવે તો એવા મોબાઇલ ઘણાબધા હોય, ગાડી બનાવે તો એવી ગાડી ઘણીબધી હોય; પણ માણસને તો પરમાત્માએ એક જ વાર બનાવ્યો છે. સંસારનાં સંસાધનો વચ્ચે સરખામણી હોઈ શકે, પરંતુ આપણી વચ્ચે કોઈ જગ્યાએ સમાનતા એટલે કે સરખામણી કેવી રીતે થાય?
હવે પ્રશ્ન એ છે કે જો આપણી સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં તો કોઈની સરખામણી આપણે આપણી સાથે પણ ન કરી શકીએ. તો પછી સુખ અને દુઃખની સરખામણી શું કામ? ઈર્ષા દ્વારા, પ્રગતિ અને દુર્ગતિ દ્વારા શું કામ? આપણે સુખદુઃખ ભોગવી રહ્યા છીએ તે સુખ અને દુઃખ તો માત્ર આપણા મનના વિચારો જ છે. તો એ સુખ-દુઃખ હકીકતમાં એ સુખ-દુઃખ તો નથી! તો પછી આપણે દુઃખી શું કામ થઈએ છીએ બીજાની પ્રગતિ જોઈને? તો આપણે દુખી શું કામ થઈએ છીએ બીજાના સુખને જોઈને?
સુખી માણસની એ જ નિશાની છે કે તે પોતાના દુઃખની ક્યાંય ફરિયાદ ન કરે અને બીજાના સુખને યાદ ન કરે.
આ સૂત્ર જો જીવનસૂત્ર બની જાય તો આ જગતમાં આપણને કોઈ દુઃખી ન કરી શકે.
આવાં જ જીવનસૂત્રો આપણને મળે સત્સંગથી. સત્સંગ એટલે સારાનો સંગ.
-આશિષ વ્યાસ