૨૦ ઑક્ટોબર કે ૨૧? કબ હૈ દિવાલી?

09 October, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના એક આખા દિવસને કારણે ઘણા લોકો મૂંઝવણમાં : ખરેખર તો જ્યોતિષ પ્રમાણે ૨૦ ઑક્ટોબરે બપોરે ૩.૪૪ વાગ્યાથી ૨૧ આ‍ૅક્ટોબરની સાંજે ૫.૫૫ વાગ્યા સુધી દિવાળી હોવાથી આ કન્ફ્યુઝન સર્જાયું છે

પ્રતીકાત્મક તસવીર

સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દિવાળીના લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજનનું મહત્ત્વ હોય છે. આપણાં કૅલૅન્ડર ચંદ્રની કળા અનુસાર બહુ જ ચોકસાઈપૂર્વક બનાવવામાં આવતાં હોવાથી ‘ભાગી તિથિ’ અને ‘તિથિના ક્ષય’ જેવી બાબતોને કારણે સામાન્ય લોકોમાં સવાલ રહેતો હોય છે કે દિવાળી ખરેખર કયા દિવસે ઊજવવી અને પૂજન ક્યારે કરવું.

આ બાબતે જ્યોતિષ અને કર્મકાંડના અભ્યાસી સંતોષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘દિવાળી આ વર્ષે ૨૦ ઑક્ટોબરે બપોરે ૩.૪૪ વાગ્યાથી શરૂ થાય છે, જે ૨૧ ઑક્ટોબરની સાંજે ૫.૫૫ વાગ્યા સુધી રહેશે. આ પ્રદોષ વ્યાપ્તિની અમાવ્સ્યા છે, એથી ભારતીય સંસ્કૃતિના આ સંદર્ભેના બે આધારભૂત ગ્રંથો ધર્મસિંધુ અને નિર્ણયસિંધુ અનુસાર ૨૦ ઑક્ટોબરના બપોર પછી દિવાળીની ઉજવણી કરી શકાશે. સામાન્યપણે આપણી પરંપરામાં લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન રાતના સમયે કરવામાં આવતું હોય છે. એથી ૨૦ ઑક્ટોબરે રાતે એ પૂજન કરી શકાશે. જે લોકો ઑફિસમાં દિવસ દરમિયાન પૂજન કરતા હોય એ લોકો ૨૧ ઑક્ટોબરે પણ આખો દિવસ દિવાળી હોવાથી પૂજન કરી શકશે. બેસતું વર્ષ ૨૨મીએ અને ભાઈબીજ ૨૩ ઑક્ટોબરે રહેશે.’

life and style lifestyle news culture news diwali astrology exclusive hinduism