સત્સંગને કારણે થતી ઉન્નતિ માણસને પ્રભુમાન્ય તેમ જ લોકમાન્ય બનાવે છે

25 July, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્સંગ માણસની વાણીમાં સત્યનો પ્રકાશ પાથરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેવો અને દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી જે ૧૪ રત્નો પ્રાપ્ત થયાં એમાં એક કામધેનુ પણ હતી. કામ એટલે ઇચ્છા અને ધેનુ એટલે ગાય. એ રીતે કામધેનુ એટલે ‘ઇચ્છા પૂરી કરનાર ગાય’. દંતકથાનો વિષય બનેલી એ સ્વર્ગની ગાયને શોધવા ક્યાં જવી? પરંતુ સત્સંગતિમાં એ કામધેનુના બધા જ ગુણો વિદ્યમાન છે. મોકળા મને સત્સંગ કરનારનો જીવનપ્રવાહ સદા નિર્મલ અને પાવન થઈને વહ્યા કરે છે.

સત્સંગ માણસની વાણીમાં સત્યનો પ્રકાશ પાથરે છે. સત્ય એટલે આચાર, વિચાર અને ઉચ્ચારની એકવાક્યતા. સાચો સત્સંગી ખરાબ વિચારતો નથી, કોઈને આઘાત પહોંચાડવા મર્મવાક્ય ઉચ્ચારતો નથી તેમ જ કોઈને નુકસાન થાય એવું આચરણ કરતો નથી. અસત્ય ઉચ્ચારનાર ધર્મરાજા યુધિષ્ઠિરનો રથ પણ જમીનને અડી ગયો તો સામાન્ય માણસનું શું ગજું?

સત્સંગ માણસને સત્યના પંથે જ લઈ જાય છે. વર્ષો સુધી સત્ય જ બોલવાની સાધના જે માણસ કરે તેને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સત્સંગી સદા સાચું બોલે છે અને પછી ધીરે-ધીરે એવી અવસ્થા પર પહોંચે છે કે તે જે બોલે એ જ સાચું થાય છે. શત્રુ પણ જેના હેતુ વિશે નિઃશંક રહી શકે એવું સાચું જીવન જીવતાં સત્સંગ સૌને શીખવે છે.

સત્સંગથી થતી ઉન્નતિ માણસને પ્રભુમાન્ય તેમ જ લોકમાન્ય બનાવે છે. આત્મનિરીક્ષણ પ્રેરતો સત્સંગ માનવને તેના આત્મવિકાસ માટે સદા સજાગ રાખે છે. તેને સારા દેખાવામાં નહીં પરંતુ સારા થવામાં રસ જાગે છે. અંતઃકરણના નિર્મળ સાદને અનુસરતો માનવ કદી પોતાની જાતથી શરમિંદો બનતો નથી. આત્મસન્માનથી સભર એવો તે માનવ સમગ્ર વિશ્વના આદરનું પાત્ર બની રહે એમાં શું આશ્ચર્ય!

સત્સંગ માણસને પાપવિમુખ બનાવે છે. બીજાના હક્કનું પચાવી પાડવું કે હરામનું ખાવું એ સાચા સત્સંગીને રુચતું નથી. કાયદેસર રીતે પણ કોઈની માલમિલકત કે મહત્તા પચાવી શકાતાં હોય તો પણ એ હજમ કરવામાં તેને રસ નથી હોતો, કારણ કે એનાથી તેનો આધ્યાત્મિક આનંદ ડહોળાઈ જવાનો તેને ભય હોય છે. ‘આત્માર્થે પૃથ્વીં ત્યજેત’ આત્માનંદને માટે સમગ્ર સૃષ્ટિનો પણ ત્યાગ કરવાની તત્પરતા રાખનાર માનવને પોતાના આત્માને દુભાવીને પ્રાપ્ત થતા ભોગો શી રીતે ગ્રાહ્ય બને! નિષ્ઠાપૂર્વક સત્સંગ કરનાર માણસને ખોટાં કામોને સાચાં કરવામાં નહીં, પરંતુ એવાં કામોથી દૂર રહેવામાં રસ હોય છે.

જે મનનશીલ હોય તેને જ મનુષ્ય કહેવાય અને ચિંતનશીલ તેમ જ પ્રજ્ઞાવાન મનુષ્યોથી જ રાષ્ટ્ર ઉન્નત બની શકે છે. આ કામ સત્સંગથી બહુ જ સરસ રીતે થાય છે. 

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)

culture news life and style columnists