આજના સમયની જરૂરિયાતને સમજીને દીર્ધ આયુષ્યને પ્રોડક્ટિવ બનાવીએ

26 June, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંસ્કૃતિક ટૉક-શો દ્વારા આ વડીલો પાસેથી આપણા ગામ, પ્રદેશની ખૂબી જાણવી, તેમના સમયના લોકપ્રિય લોકસાંસ્કૃતિક તહેવારો, ગીતો, વિધિઓ વિશે જાણીને આર્કાઇવ નિર્માણ કરવો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

વર્તમાન સમયમાં મેડિકલ અને અન્ય સુવિધાના વિકાસને કારણે મનુષ્યનું આયુષ્ય લંબાઈ રહ્યું છે. સ્વસ્થ દીર્ઘાયુ અત્યારનો એક વિચાર માગી લેતો પડકાર છે. નોકરી કરતો માણસ સામાન્ય રીતે ૬૦ વર્ષે રિટાયર થતો હોય છે. પછી તેની આર્થિક ઉપાર્જનની પ્રક્રિયા ઓછી કે બંધ થાય છે. બીજી તરફ બિઝનેસ કરતા લોકો પણ લાંબો સમય સુધી પ્રવૃત્ત રહે છે પણ મોટા ભાગે ૭૦/૭૫ વર્ષની આસપાસ આર્થિક ઉપાર્જન કરતાં વધુ સ્વીકાર ઉપાર્જન અર્થાત સમાજમાં નામ થાય કે પોતાના કુટુંબમાં પોતાને સન્માન કે સ્વીકાર મળે એ તરફ વળી જતા હોય છે. સ્વસ્થ અને સારું જીવતા વડીલો સમાજનાં અનેક કાર્યોમાં પોતાની સેવા આપી શકે.  ભારતમાં અનેક સામાજિક સંસ્થાઓ છે, સ્થાનિક ભાષાના પડકારો છે, દેશમાં સમાજ, જ્ઞાતિ-જાતિમાં એટલી બધી વિવિધતા છે કે ન પૂછો વાત! આ સમયમાં વયોવૃદ્ધ શક્તિને એ દિશામાં વાળવી જોઈએ કે સમાજને ફાયદો થાય અને આગળ જતાં એક પરંપરા નિર્માણ થાય. ભારત સાંસ્કૃતિક દેશ છે અને અત્યારે ડિજિટલ ટેક્નૉલૉજીમાં રત યુવાધન કેટલીક સાંસ્કૃતિક બાબતોથી છેડો ફાડી રહ્યું છે ત્યારે આપણા આ વડીલો દ્વારા ફરી સાંસ્કૃતિક જાગૃતિ લવાય, એનો પરિચય કેળવાય એમ કરવા માટે એક રૂપરેખા બનાવવી જોઈએ. આનંદ અને મનોરંજન સાથે અસ્તિત્વનો ઉત્સવ ઊજવાય તો મનુષ્યને પોતાનું જીવન વધુ સાર્થક લાગતું હોય છે. જેમ કે સાંસ્કૃતિક ટૉક-શો દ્વારા આ વડીલો પાસેથી આપણા ગામ, પ્રદેશની ખૂબી જાણવી, તેમના સમયના લોકપ્રિય લોકસાંસ્કૃતિક તહેવારો, ગીતો, વિધિઓ વિશે જાણીને આર્કાઇવ નિર્માણ કરવો.

માતૃભાષાના પ્રચાર માટે અને શીખવવા માટે તેમની મદદ લેવી. બગીચો કે એવાં સાંસ્કૃતિક કેન્દ્રો બનાવવાં જ્યાં વાર્તા કહેવાય, બાળગીતો ગવાય અને વડીલોની એ સભામાં સ્કૂલનાં બાળકો જાય કે સાંજે બીજાં નાનાં બાળકો જાય તો બે પેઢી વચ્ચે સરસ સેતુ રચાય અને પરસ્પર આદર કેળવાય. વડીલોની સેવા NGO કે અન્ય એ પ્રકારની સંસ્થાઓ માટે લેવાવી જોઈએ જેથી સંસ્થામાં પ્રવેશેલો સડો દૂર થઈ શકે.

આ અનુભવી શક્તિ આપણને સમૃદ્ધ કરી શકે એમ છે અને જીવનના આ તબક્કે તેમને કમાણી કરતાં વધુ આદર અને પ્રેમ જોઈએ છે ત્યારે આપણે આપણા સમાજમાં પડેલાં કેટલાંક ગાબડાં પૂરવા તેમના દરવાજે જવાની જરૂર છે. જો એક રૂપરેખા નિર્માણ થઈ હશે તો આવતાં પચાસ વર્ષ પછી આજના યુવાનો વયોવૃદ્ધ થશે ત્યારે તેમના માટે ઉપયોગી રસ્તાઓ અને સાર્થક કામો તૈયાર હશે. સૌથી મહત્ત્વનું રાષ્ટ્રપ્રેમ, સમાજપ્રેમ અને કુટુંબપ્રેમના ધડા આ વડીલો દ્વારા જ મળી શકે, તેમના અનુભવોનો ફાયદો લઈને સમાજને સમૃદ્ધ કરવો અને તેમને તેમના વિશેષ હોવાની અનુભૂતિ આપવી જેથી સમાજ સાર્થક બનશે.

-પ્રા. સેજલ શાહ

culture news festivals columnists life and style gujarati mid day mumbai technology news Sociology