29 August, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ પ્રકારની ગુણવત્તાની જરૂર હોતી નથી. ગમે તે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી શકે છે. જરૂર છે માત્ર પોતાની જાતને ભૂલીને ભગવાનમય થઈ જવાની. ભગવાન કદી ભક્તની જાતિ, વય, આર્થિક સ્થિતિ, રૂપ, ક્ષમતા નથી જોતા.
કવિ દયારામભાઈ કહે છે -
ધ્રુવજીને ક્યાં વય હતી? ક્યાં હતું સુદામાને ધન?
કુબ્જાને ક્યાં રૂપ હતું? ઉગ્રસેનમાં શું પુરુષાતન?
પુરુષાતન નહોતું ઉગ્રરાય ગજને ક્યાં હતી બ્રહ્મવિદ્યાય?
પારધિમાં ક્યાંથી શુભ આચરણ કેવળ ભક્તિ પામ્યા ગિરિધરણ
અર્થાત્ : જો પુત્ર ઉંમરવાળાને જ પ્રભુ પ્રાપ્ત થતા હોય તો ધ્રુવજીને ઉંમર ક્યાં હતી? ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં જ પ્રભુએ પ્રગટ થઈને દર્શન આપ્યાં. જો ધનથી પ્રભુ પ્રસન્ન થયાં હોત તો સુદામાની પાસે ક્યાં ધન હતું? કેવળ કૃપા કરી તેના મુઠ્ઠી ચોખા સ્વીકારી બદલામાં તેને મહેલ કરી આપી અંતે પોતાની પ્રાપ્તિ કરાવી હતી. રૂપવાળાને જો પ્રભુ પ્રાપ્ત થતા હોત તો કુબ્જા ત્રણ જગ્યાએથી વાંકી હતી, તેનામાં શું રૂપ હતું? છતાં તેને ભગવાન પ્રાપ્ત થયા હતા. જો પુરુષાતન યા પરાક્રમથી પ્રભુ પ્રાપ્ત થતા હોત તો ઉગ્રસેન રાજામાં શું પુરુષાતન હતું? છતાં ભગવાન તેમના આજ્ઞાકારી બન્યા હતા. જો બ્રહ્મવિદ્યાથી પ્રભુ પ્રાપ્ત થતા હોત તો ગજેન્દ્ર હાથીમાં ક્યાં બ્રહ્મવિદ્યા હતી? કેવળ ભક્તિથી ભગવાન ગજેન્દ્ર પર સંતુષ્ટ થયા હતા અને પ્રત્યક્ષ પ્રગટ થઈ મગરથી છોડાવ્યા હતા.
જો શુભ આચરણથી જ ભગવાન પ્રસન્ન થતા હોત તો રાજા જનકની નગરીમાં ધર્મવ્યાધ રહેતો હતો. તે કસાઈનો ધંધો કરતો હતો. તથાપિ મહાજ્ઞાની ભક્ત હતો. તેનામાં સદાચાર ક્યાં હતો? સદાચાર ન હોવા છતાં ભગવદ્ પ્રાપ્તિ થઈ હતી.
જાતિની વાત કરો તો વિદુરજી ક્યાં ઉચ્ચ જાતિના હતા? શૂદ્ર હોવા છતાં પ્રભુ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દુર્યોધન જેવા છત્રપતિને ત્યજી વિદુરજીને ત્યાં જઈ તેમના અતિથિ બન્યા હતા. આ દૃષ્ટાંતો ઉપરથી સિદ્ધ થાય છે કે આ તમામ ભક્તોમાં કોઈ પણ સાધન ન હોવા છતાં કેવળ ભક્તિથી જ પ્રભુ સૌને પ્રાપ્ત થયા હતા.
કોઈ પણ સાધન વિનાનો માણસ કેવળ ભક્તિથી ભગવાનને મેળવે છે, જ્યારે ભક્તિ વગરનાં સર્વ સાધનો વ્યર્થ છે. માણસ ગમે તે સાધનો કરે, ગમે તે શિખરો સર કરે, જ્ઞાન, કર્મ, સમૃદ્ધિ બ્રહ્મજ્ઞાન ઇત્યાદિ છતાં દરેક ક્ષેત્રમાં પ્રભુ મેળવવા ભક્તિ પ્રથમ આવશ્યક છે. આ વિષયમાં એક દૃષ્ટાંત સમજવા જેવું છે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી