24 August, 2025 03:35 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
‘હર ઘર તિરંગા’ સૂત્ર દેશપ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરવા માટે બહુ સારું અને પ્રેરક છે. આવો જ ભાવ, આવો જ પ્રેમ અને આવી જ ભક્તિ માતૃભાષા માટે કેમ નહીં? આમ તો ૨૪ ઑગસ્ટ માતૃભાષા ગુજરાતી દિવસ આપણા લાડીલા અને લડવૈયા કવિ નર્મદના જન્મદિવસ નિમિત્તે ઊજવાય છે, પરંતુ હવે ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આપણી માતૃભાષા ગુજરાતી છે એ આપણને યાદ રહે એ માટે આ દિવસ ઊજવાતો હશે.
ક્યારેક સવાલ થાય કે દેશપ્રેમ છે તો માતૃભાષાપ્રેમ કેમ નથી? આપણી માતૃભાષા ગુજરાતીને કોણ વિસરી રહ્યું છે? કોણ એની સદંતર ઉપેક્ષા કરી રહ્યું છે? આપણે ગુજરાતીઓ જ વળી. આપણે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ કારણ કે સમયની ડિમાન્ડ છે, પરંતુ માતૃભાષા આવડે-ફાવે જ નહીં એ હદે અંગ્રેજી ભાષા શીખવવાની?
આપણે માતૃભાષા માટે શું અને કેટલું કરીએ છીએ? આ શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ એમાં પણ માત્ર આપણા ઘર-પરિવારમાં જ ડોકિયું કરીએ. આપણા પરિવારનાં સંતાનો અંગ્રેજીમાં ભણવા સાથે કે ભણ્યા બાદ માતૃભાષા ગુજરાતી પણ કેમ શીખતાં નથી? તેમને કેમ ગુજરાતી લખતાં-વાંચતાં અને હવે તો બોલતાં પણ આવડતું નથી? શું આનું આપણને ગૌરવ છે કે રંજ છે? જો રંજ હોય તો આપણો દરેક ગુજરાતી પરિવાર પોતાના પરિવાર પૂરતી પણ માતૃભાષાને સાચવી લે (ખરેખર તો એ આપણને સાચવે છે) તોય ગુજરાતીનો જયજયકાર રહે. આપણે આ માટે હર ઘર માતૃભાષા ગુજરાતીના સૂત્રને અપનાવીને અમલમાં મૂકવું પડે. આ કામ માત્ર ગુજરાતી જ શા માટે, દરેક ભાષાપ્રેમી પોતાની માતૃભાષા માટે કરી શકે.
ગુજરાતી ભાષા માટે સાહિત્યકારો, સ્કૂલો, શિક્ષકો ભાષાપ્રેમીઓ, સાહિત્યલક્ષી સંગઠનો-પરિષદો-અકાદમીઓ, વિદ્યાપીઠો, પુસ્તકાલયો, સામાજિક સંસ્થાઓ વગેરે પોતાના તરફથી સતત પ્રયાસ કરતાં રહે છે એ વાત સાચી; પણ પરિણામ કેટલા ટકા આવે છે? પ્રગતિપત્રક શું કહે છે? દર વરસે કેટલી અને કેવી પ્રગતિ થાય છે? કરુણતા એ છે કે દર વરસે ગુજરાતી ભાષાની સ્કૂલો બંધ થતી જાય છે અથવા એમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાતી પુસ્તકો વેચાય છે ખરાં, પણ કેટલાં વંચાય છે? ગુજરાતી અખબારોની સ્થિતિ શું છે? એના વાચકો પણ ઘટતા જાય છે.
ચાલો, હવે ગુજરાતી ભાષા દિવસ ઊજવવા સાથે કંઈક એવું કરીએ કે આપણા દરેક ગુજરાતીના પરિવારમાં બધા સભ્યો વચ્ચે ગુજરાતી બોલાય, લખાય, વંચાય. યાદ રહે કે માતૃભાષા એ માત્ર ભાષા નથી; બલકે આપણાં મૂળ છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે. માત્ર નવી પેઢીને દોષ આપવાનો કોઈ અર્થ નથી, જૂની પેઢીએ પણ ચોક્કસ જવાબદારી લેવી પડશે અને નવી પેઢીને માતૃભાષાનું સત્ય સમજાવવા સજ્જ થવું પડશે. નવી પેઢી માતૃભાષાના મહત્ત્વને સમજી લેશે તો ગુજરાતી ભાષાનું ગૌરવ અકબંધ રહેશે.