08 April, 2025 11:11 AM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર
‘ઇન્ડેક્સ’ શબ્દનું ચલણ બહુ વ્યાપક રીતે વધ્યું છે. નાના હતા ને ભણતા હતા ત્યારે તો દરેક બુકના પ્રારંભે રહેલી વિષય અનુક્રમણિકાને અંગ્રેજીમાં ઇન્ડેક્સ તરીકે ઓળખતા. તાજેતરમાં વૈશ્વિક હેપીનેસ ઇન્ડેક્સ રજૂ થયો. વિવિધ દેશોની પ્રજાના સુખનો આ એક સરેરાશ માપદંડ કહેવાય છે. આમ તો સુખ એ પામવાની ચીજ છે, માપવાની નહીં. છતાં, હવે તેનું પણ માપ લેવાય છે. ફિનલેન્ડ સતત છેલ્લા આઠેક વર્ષોથી હેપીનેસ ઇન્ડેક્સમાં ટોચના સ્થાને દર્શાવાય છે. ભારત આઠેક સ્થાનના સુધારા પછી પણ ક્રમાંકમાં ૧૧૦ની બહાર છે. સામગ્રીઓના ઢગલા પર બેસીને પણ ટોચના સ્થાનને નહીં પામી શકનારા આ ઇન્ડેક્સમાં વર્તાયા છે. તો પછી સામગ્રી અને સુખ વચ્ચે કોઈ ચોક્કસ લિંક નહીં હોવાનું ફલિત થઈ જાય છે. પર કેપિટા ઇન્કમ પણ આ રેટિંગ નક્કી કરવામાં એકાંતે કામ નથી કરતી.
પઝેશન અને પોઝીશનના આધારે શ્રીમંત અને ગરીબના ભેદ પાડવા ટેવાયેલા આપણને આ પ્રક્રિયામાં સુખનો નવો નકશો જોવા મળી શકે. એક સમય હતો જ્યારે આવું કાંઈ મપાતું નહોતું. સુખી એટલે ખાધે-પીધે સુખી અને પેટમાં ખાડો હોય તે દુઃખી. સુખ અને દુઃખની આ સરળ વ્યાખ્યા હતી.
પેટના ખાડા ઉપરથી ગરીબીનો આંક કાઢવાનો હવે જમાનો નથી. ઘરમાં કેટલા ખૂણા ખાલી છે તેના પરથી આજે ગરીબીનો કયાસ કઢાય છે. ટીવીનો ખૂણો ભરાયો પણ ફ્રીઝનો ખૂણો ખાલી છે તો માણસ ગરીબ ગણાય છે. હવે એ દિવસો દૂર નથી કે વોશરૂમનો ખૂણો ટોયલેટ પેપર વગરનો હોવાથી કોઈ ગરીબીની લઘુતાથી પીડાય! હકીકતમાં, માનવીની તૃષ્ણાનો ખૂણો ભરાય નહીં ત્યાં સુધી માણસ દરિદ્ર જ રહેવાનો. સુખી દેખાવાનું હંમેશા સુખી થવા કરતા વધારે અઘરું છે. હેપીનેસ ઇન્ડેક્સ હજી થોડો મોડીફાય થશે ત્યારે ખરા સુખની દિશા બતાવતા હોકાયંત્ર જેવો ફંડા સમજાશે કે કેટલું છે તેના આધારે ક્યારેય કોઈની સુખની માત્રા માપી શકાતી નથી. કેટલા વગર માણસ ચલાવી શકે છે તેના આધારે જ તેના સુખનું પ્રમાણ માપી શકાય. આવનાર વર્ષોમાં જીડીપી નહીં પણ જી.એન.સી એટલે કે ગ્રોસ નેશનલ કન્ટેન્ટનેસ પ્રગતિનો માપદંડ ગણાશે. વારસામાં મળેલા વિચારોને પણ વૈજ્ઞાનિક ઢબે સમજવા ટેવાયેલા છીએ એટલે એટલી ધીરજ પણ રાખવી પડશે. અશોક જાની ઉર્ફે આનંદના શબ્દો ટાંકું છું.
આપણા એવા નસીબ....કે ગામમાં મોભો પડે!
જોરથી પથ્થર ઉછાળું, આભમાં ગોબો પડે !
આમ તો ‘આનંદ’નો કુરતો બધાને બહુ ગમે,
પહેરવા જો જાય તો સૌને મોટો પડે.