27 August, 2025 10:54 AM IST | Mumbai | Kajal Rampariya
ગણપતિને અર્પણ થતા જાસૂદના ફૂલને નવા દૃષ્ટિકોણથી જાણી લો
ઘેર-ઘેર દુંદાળા દેવ ગણપતિબાપ્પાનું આગમન થયું છે ત્યારે પરંપરા મુજબ વિઘ્નહર્તાને તેમના પ્રિય ઉકડી ચે મોદક અને દૂર્વાની સાથે જાસૂદનું ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. લાલચટક રંગના દેખાતા જાસૂદને માત્ર બાપ્પાની પૂજામાં સામેલ કરવા પાછળનું કારણ રસપ્રદ છે એટલું જ નહીં, આયુર્વેદમાં પણ આ ફૂલને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. એની શીતળતા અને રક્તશોધક ગુણધર્મો સ્વાસ્થ્યને અઢળક ફાયદા આપે છે. અત્યારની જીવનશૈલીમાં તાજગીભર્યા કૂલ ડ્રિન્ક્સ, ડીટૉક્સ ડ્રિન્ક્સ અને શરબતમાં જાસૂદનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ગણેશચતુર્થીના પ્રસંગે આપણે આ ફૂલના મહત્ત્વ અને મહિમા વિશે વાત કરીએ.
આયુર્વેદિક મહત્ત્વ
જાસૂદના ફૂલનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે એટલું જ આયુર્વેદિક દૃષ્ટિકોણથી પણ છે એમ જણાવતાં આયુર્વેદ એક્સપર્ટ નિયતિ ચિતલિયા જણાવે છે, ‘જાસૂદના ફૂલને અંગ્રેજીમાં હિબિસ્કસ અને સંસ્કૃતમાં જપાકુસુમ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં જાસૂદના ફૂલને વાળ માટે સર્વોત્તમ માનવામાં આવ્યું છે. એનો આંતરિક કરતાં બાહ્ય પ્રયોગમાં વધુ યુઝ થાય છે. દેવી-દેવતાઓની પૂજા તો મહાભારત પછી થવા લાગી પણ એ પહેલાં તેમનું અસ્તિત્વ નહોતું ત્યારે પંચતત્ત્વો પુજાતાં હતાં. આયુર્વેદમાં જાસૂદનું મહત્ત્વ એ સમયથી છે. જાસૂદના ફૂલને શંખપુષ્પી, મેંદી અને બ્રાહ્મી જેવી જડીબુટ્ટીને એક પોટલીમાં બાંધીને એને તેલમાં ધીમા તાપે ઉકાળો. ફૂલ બહુ નાજુક હોય છે તો બહુ જ ધ્યાનપૂર્વક આ પ્રોસેસ કરવી જોઈએ, નહીં તો ફૂલમાં રહેલું પોષણ બળી જશે અને એનો ફાયદો નહીં થાય. આયુર્વેદના જાણકારની નિગરાની હેઠળ આ ખાસ પ્રકારનું સિદ્ધ તેલ બનાવડાવવું જોઈએ. જાસૂદના સિદ્ધ તેલને આયુર્વેદમાં શ્રેષ્ઠ કેશ્ય દ્રવ્ય એટલે વાળ માટે પોષક ઔષધિ માનવામાં આવે છે. આ તેલને નિયમિત રીતે વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે અને મૂળ મજબૂત કરે છે. વાળ તૂટવાની સમસ્યા પણ ધીરે-ધીરે ઓછી થાય છે. આ તેલથી નિયમિત હેર-મસાજ કરવાથી નવા વાળની વૃદ્ધિ થાય છે અને સમય પહેલાં વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે એ પ્રક્રિયા પણ ધીમી પડે છે. એ માથાના રક્તસંચારને સુધારીને ઠંડક આપે છે અને વાળમાં કુદરતી ચમક આવે છે. અત્યારે ઘણા લોકોને હેર ફ્રિઝ થવાની પણ સમસ્યા હોય છે એને પણ ઓછી કરે છે. સ્કૅલ્પમાં ઉદ્ભવતી સમસ્યા દૂર કરીને વાળની ઓવરઑલ હેલ્થને હેલ્ધી રાખે છે. વાળ ઉપરાંત જાસૂદનો ઉપયોગ બ્લડ-થિનર તરીકે પણ થાય છે. ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરના દરદીઓનું લોહી જાડું થતું હોય છે તો એને પાતળું રાખવા માટે જાસૂદનું તેલ બહુ ફાયદાકારક છે. એને માથા અથવા પગના તળિયે ઘસવાથી રક્ત-પરિભ્રમણ સુધારે છે અને સાથે લોહીને જાડું થવા દેતું નથી. ઘણી સ્ત્રીઓને માસિક ધર્મમાં અતિસ્રાવની સમસ્યા હોય તે આ પ્રયોગ કરે તો તેમની તકલીફ વધી શકે છે. હેલ્થ-કૉન્શિયસ લોકો જાસૂદના ફૂલનો ઉપયોગ આડેધડ કરી રહ્યા છે. અત્યારે તો ઘણા લોકો જાસૂદના ફૂલનો ઉપયોગ ડીટૉક્સ વૉટર અને સ્વાસ્થ્યવર્ધક પીણામાં કરી રહ્યા છે. જાસૂદના ફૂલને પાણીમાં પલાળીને એનું શરબત અથવા ચા બનાવીને આરોગતા લોકોને એ નથી ખબર કે એમાં સાકર મિક્સ કરશો તો એ પીણાનો ટેસ્ટ વધશે પણ એના ફાયદા નહીં મળે. અહીં યોગ્ય કૉમ્બિનેશનમાં લેવામાં આવે તો જ ફાયદો છે. એટલે જાસૂદના ફૂલને કોકમ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો એ શરીરને ઠંડક આપવાની સાથે રક્તપ્રવાહને સુધારે છે અને બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં લાવે છે. આ સાથે ચયાપચયની ક્રિયાને પણ સુધારીને ગટ-હેલ્થ સંબંધિત સમસ્યાઓને ઓછી કરવામાં સહાય કરે છે. આયુર્વેદમાં પણ એને યોગ્ય કૉમ્બિનેશન સાથે લેવાથી જ ફાયદો થાય છે. જેમ કે વાળની હેલ્થ માટે એકલા જાસૂદના ફૂલને બદલે એની સાથે અન્ય જડીબુટ્ટી ઉમેરશો તો એના ગુણ વધશે.’
શું કહે છે મૉડર્ન સાયન્સ?
આયુર્વેદમાં જાસૂદના ફૂલનું મહત્ત્વ છે ત્યારે મૉડર્ન સાયન્સ મુજબ આ ફૂલના કેટલાક મુખ્ય ફાયદાઓ છે. ક્લિનિકલ ટ્રાયલ મુજબ હિબિસ્કસ ટી એટલે કે જાસૂદના ફૂલની ચા પીવાથી રક્તવાહિનીઓ રિલૅક્સ થાય છે અને બ્લડપ્રેશર અને બ્લડ-શુગરની સાથે બૅડ કૉલેસ્ટરોલને ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલલને વધારે છે જેથી હૃદયરોગનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. એમાં રહેલા ગુણધર્મો એજિંગની પ્રક્રિયાને ધીમી કરીને ત્વચાને યંગ રાખે છે અને મહિલાઓમાં ઇમ્બૅલૅન્સ થયેલાં હૉર્મોન્સને બૅલૅન્સ કરવાનું કામ કરે છે. જોકે મૉડર્ન સાયન્સ ડાયરેક્ટ જાસૂદના ફૂલનો ઉપયોગ કરવા કરતાં નિષ્ણાતની સલાહ લઈને એનો વપરાશ કરવાની ભલામણ કરે છે.
ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર ગણેશપ્રિય જાસૂદના ફૂલનો ઉલ્લેખ ગણપતિ ઉપનિષદ અને ગણેશતંત્ર જેવાં પુરાણોમાં જોવા મળે છે. લાલ રંગનું પાંચ પાંખડીવાળું જાસૂદનું ફૂલ દેવી શક્તિ સાથે જોડાયેલું છે અને ગણપતિબાપ્પાને દેવીના પ્રિય પુત્ર માનવામાં આવે છે. તેથી આ ફૂલ તેમને અર્પણ કરવાથી શક્તિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે.
પ્રાચીન માન્યતા એવી પણ છે કે જાસૂદનું ફૂલ અને આકાર ગણેશના સ્વરૂપ સાથે જોડાયેલા છે. એની પાંચ પાંખડી પંચપ્રાણ, પંચતત્ત્વ અને પંચ ઇન્દ્રિયોને દર્શાવે છે અને ભગવાન આ સર્વ પરિપૂર્ણ તત્ત્વોના સ્વામી છે.
લોકમાન્યતા મુજબ બાપ્પા જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે તેથી ગણપતિપૂજામાં અનિવાર્ય જાસૂદ અર્પણ કરવાથી બૌદ્ધિક તેજ, સુખ-સમૃદ્ધિ અને સારા આરોગ્યના આશીર્વાદ મળે છે.