10 March, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે દરેક સંસ્થામાં ઉપલા સ્તરે વ્યક્તિઓ વધુ ઝડપથી કાર્ય કરનારી જોવા મળે છે. જેમ-જેમ નીચલા સ્તર તરફ જાઓ એમ કર્મચારીઓની નિર્ણયશક્તિ અને કાર્યશક્તિ ઓછી અને ધીમી જોવા મળે છે. એનું કારણ આ સ્તરની વ્યક્તિઓમાં રહેલી સાન અને અનુભવની ઊણપ છે. ઉપલા સ્તરે કાર્યરત વ્યક્તિઓ બહોળો અનુભવ અને વિપુલ જાણકારી ધરાવતી હોવાથી તેઓ કાર્ય કરવામાં ઝડપી જોવા મળે છે.
આ જ કારણે ‘ધ 360 ડિગ્રી લીડર’ પુસ્તકમાં સરસ રીતે લખ્યું છે કે ‘જે નેતૃત્વ કરવા માગે છે એ મોટા ભાગના લોકો કુદરતી રીતે જ ઝડપી હોય છે, પરંતુ જો તમે વધુ સારા લીડર બનવા માગતા હો તો તમારે ખરેખર કામ ધીમું કરવાની અને ઝડપ ઘટાડવાની જરૂર છે. તમે એકલા ઝડપથી આગળ વધી શકો, તમે એકલા વ્યક્તિગત વધુ સન્માન મેળવી શકો; પરંતુ અન્ય લોકોનું નેતૃત્વ કરવા માટે, તમારી સાથે તેમને જોડવા માટે, તેમની સાથે તમારી જાતને જોડવા માટે અને સૌને તમારી સાથે લઈ આગળ વધવા માટે પૂરતા પ્રમાણમાં ધીમા હોવું જરૂરી છે. દરેક વખતે જરૂરી નથી કે તમે ઝડપી રહો. જો તમે એવું કરતા હો તો વહેલી તકે સુધારો કરો અને શ્રેષ્ઠ લીડર બનો.’
કહેવાનો ભાવાર્થ એ છે કે તમે એકલા ઝડપથી આગળ વધી શકો, પણ જો બીજાને પણ સાથે લઈને આગળ વધવું હોય તો તેઓ તમારી સાથે સંલગ્ન થઈ શકે એ રીતે તમારે ધીરા પડવું જોઈએ.
જેમ કોઈ શિક્ષક સ્વતંત્ર રીતે મોટા આંકડાઓની ગણતરી માંડી શકે, પણ જો તેમણે પ્રથમ ધોરણના વિદ્યાર્થીને આગળ વધારવો હશે તો તે બાળકને એકડો ઘૂંટાવવા જેટલા ધીરા પડવું જોઈશે. આ બાબત કોઈ પણ મૅનેજર કે નેતા માટે કઠણ સાબિત થાય એમ છે; કારણ કે ધીરા પડવાની પ્રક્રિયા શ્રદ્ધા, ધીરજ, સમયનું સમર્પણ જેવા અનેક ગુણોની અપેક્ષા રાખે છે. પોતાનો કાર્યભાર જોતાં કોઈ પણ નેતા માટે આ અઘરું પડી જાય, પરંતુ જે શાણો નેતા છે તે અનુયાયીઓ નહીં પણ નેતા સર્જનારો હોય છે એથી તે પોતાની ગતિને મંદ કરીને પોતાના અનુયાયીઓને તૈયાર કરે છે.
જો તમે બૉસ હો તો તમે ધીમા પડ્યા વિના ભાગ્યા કરો તો ચાલે, કારણ કે પાછળ આવનારાઓની હાલત કેવી છે એ જોવાની ચિંતા તમારી રહેતી નથી; પણ જો તમે લીડર હો કે લીડર બનવા માગતા હો તો તમારે એ ક્યારેય ભૂલવું ન જોઈએ કે ભલે તમારી ઝડપ બહુ સારી હોય, પણ તમારે ધીમેકથી આગળ વધવાનું છે. તમે જુઓ એ સૌ લીડરને જેમણે દુનિયાને પોતાની સાથે લઈને ચાલવાનું કામ કર્યું છે. સૌકોઈને ઉપર લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. -પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા