08 August, 2025 03:13 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન વખતે જ્યારે દરિયામાંથી વિષ નીકળ્યું ત્યારે સૃષ્ટિને બચાવવા એ વિષનું પાન મહાદેવે કર્યું અને એટલા માટે જ તેઓ નીલકંઠ કહેવાયા. આ ઘટના શ્રાવણ માસમાં બની હોવાથી આ મહિનાને મહાદેવનો મહિનો પણ કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શ્રાવણમાં મહાદેવની વિશેષ ભક્તિ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મનની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. ફક્ત બીલીપત્ર ચડાવવાથી પણ ખુશ થઈને મન માગ્યું વરદાન આપે એવા ભોળેનાથના એવા ભક્તો છે જે શ્રાવણ દરમિયાન આકરી તપસ્યા કરીને તેમને ભજે છે. ચાલો મળીએ મુંબઈના એવા શિવભક્તોને
૪૭ વર્ષનાં હેમાલી ભણસાલી છેલ્લાં ૧૬ વર્ષથી દિવસમાં એક ફ્રૂટ ખાઈને આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. આ આકરા ઉપવાસ શરૂ કરવા પાછળનું કારણ અને રૂટીન જણાવતાં તેઓ કહે છે, ‘૨૦૦૯માં મારા પતિની તબિયત બહુ ખરાબ હતી અને તેમના સર્વાઇવલના ચાન્સિસ પણ ઓછા હતા. દવા એટલી કામ નહોતી કરતી તેથી મેં દુઆ કરવાની શરૂઆત કરી. મેં ત્યારથી મહાદેવનું આકરું તપ કરવાનું શરૂ કર્યું અને મારા જીવનમાં ખરેખર ચમત્કાર થયો. તેમણે મારા પતિની આયુ વધારી દીધી, તેમને સાજા કરી દીધા અને આ જોઈને ડૉક્ટર્સને પણ આશ્ચર્ય થયું હતું. ત્યારથી મારી શ્રદ્ધા વધી ગઈ. હું દર વર્ષે શ્રાવણ મહિનામાં અચૂક આ ઉપવાસ કરું છું. દિવસમાં એક ફળ ખાઉં છું અને આખો દિવસ પાણી પીઉં. સવારે ચાર વાગ્યે ઊઠીને દરરોજ માટીનાં શિવલિંગ બનાવું, એની પૂજા કરું અને સંધ્યાટાણે એનું વિસર્જન કરી દઉં. આ સાથે હું બરફનાં શિવલિંગ પણ બનાવું. સાત વાગ્યે નજીકના મંદિરમાં જઈને રુદ્રાભિષેક કરું. આ વિધિ એક કલાક સુધી ચાલે. મહિનામાં એક વખત ઘરે પણ રુદ્રાભિષેક કરાવું જેથી મારી દીકરી અને પતિ પણ તેનો લહાવો લઈ શકે. સવારે ચારથી આઠ વાગ્યાનું રૂટીન ફિક્સ હોય છે. આ ઉપરાંત રૂટીનનું ઘરકામ તો હોય જ. હું ટ્યુશન પણ લઉં છું. આખા દિવસ દરમિયાન હું કંઈ જ ખાતી નથી તેમ છતાં મને ભૂખ હોવાનો અહેસાસ થતો નથી, થાક પણ લાગતો નથી એ ભોળાનાથના આશીર્વાદ.’
૪૬ વર્ષનાં વૈશાલી ઠાકર હાર્ડકોર શિવભક્ત છે. ઘર અને નોકરીની જવાબદારી સંભાળવાની સાથે તેઓ શ્રાવણ માસમાં આ વખતે ફક્ત એક જ કંદમૂળ ખાઈને ઉપવાસ કરી રહ્યાં છે. આ વિશે ઘાટકોપરમાં રહેતાં વૈશાલીબહેન જણાવે છે, ‘મારાં નાની શિવની ભક્તિનો મહિમા કહેતાં ત્યારથી અમને ભોળાનાથની માયા લાગી છે. દર વર્ષે હું અલગ-અલગ રીતે ઉપવાસ કરું છું અને આ વખતે હું એક જ કંદમૂળ ખાઈને આખો દિવસ પસાર કરું છું. જરાક ઘીમાં જીરું અને લીલું મરચું નાખીને કંદમૂળને થોડું પકાવીને ખાઉં. મારા ઘરમાં જ અમે ભોળાનાથનું શિવલિંગ સ્થાપિત કર્યું છે, હું મારી ત્રણેય દીકરીઓ સાથે અભિષેક કરું અને રુદ્રી પાઠ કરું. મારી દીકરીઓ મારા કરતાં સારી પૂજા કરે. સાંજના સમયે અમે ચેમ્બુરમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં જઈને પૂજા કરીએ. આ ઉપવાસ દરમિયાન મને ડિવાઈન એનર્જી ફીલ થાય. હું જ્યાં જાઉ ત્યાં મહાદેવનો હાથ સદાય મારા માથે જ છે એવું ફીલ થાય છે. કોઈ જાતનો થાક કે સ્ટ્રેસ ન ફીલ થતાં મન શાંત રહે છે. મારી સાથે પચીસ વર્ષની એક યુવતી કામ કરે છે તે પણ રાત્રે દૂધ અને મીઠા વગરની રોટલી ખાઈને એકટાણાં કરે છે. પહેલાં તેના પપ્પા આ ઉપવાસ કરતા હતા, પણ ઉંમરના હિસાબે એ કન્ટિન્યુ કરવા શક્ય ન હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી દર શ્રાવણ મહિને તે આ ઉપવાસ કરી રહી છે.’
કાંદિવલીમાં રહેતા અને ડાયમન્ડ એક્સપોર્ટનું કામકાજ કરતાં પંચાવન વર્ષના રાકેશ મહેતા શ્રાવણ માસમાં દરરોજ કાંદિવલીથી બાબુલનાથનાં દર્શન કરવા જાય છે અને વિશેષ પૂજા કર્યા બાદ તેમના દિવસની શરૂઆત થાય છે. આ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મારા પિતા શિવજીના મોટા ભક્ત હતા અને તેમની ભક્તિને જોઈને અમે પણ ભક્તિવાન બન્યા છીએ. પહેલાં અમે સી. પી. ટૅન્ક રહેતા હોવાથી અમને મંદિર નજીક પડતું હતું, પણ હવે કાંદિવલી રહેવા ગયા તો પણ બાબુલનાથની માયા છૂટતી નથી. તેમણે ઘણા પરચા દીધા છે. શ્રાવણ મહિનામાં અમે ત્રણેય ભાઈબહેન સાથે અમારું બાર જણનું ગ્રુપ વર્ષોથી સાથે બાબુલનાથ જઈએ. સવારે સાત વાગ્યે કાંદિવલીથી નીકળીએ અને સાડાઆઠ વાગ્યે મંદિરે પહોંચીએ. મારાં બહેન માધવબાગ મંદિરનાં ટ્રસ્ટી છે અને તે સાઉથ બૉમ્બેમાં જ રહે છે તો તે ડાયરેક્ટ અમને ત્યાં મળે. બાકી અમારી સાથે જોડાયેલા લોકો પણ બોરીવલી, ભાઈંદર અને વિલે પાર્લે જેવા વિસ્તારોમાંથી આવે. દોઢ કલાકની પૂજા કરીને દસ વાગ્યે મંદિરમાંથી નીકળીને બધા પોતપોતાની ઑફિસ જવા નીકળે. આખા મહિનામાં આ ક્રમ રોજનો છે. મારા ઘરમાં પહેલેથી જ ભક્તિભાવનું વાતાવરણ છે. મારી બન્ને દીકરીઓ અને જમાઈ પણ શિવભક્ત છે. જ્યારે સમય મળે ત્યારે તેઓ અમારા ગ્રુપમાં જોડાઈ જતાં હોય છે. શ્રાવણ ઉપરાંત વર્ષના દરેક સોમવારે હું બાબુલનાથનાં દર્શન તો અચૂક કરું. જો બહારગામ હોઉં તો મોબાઇલમાં લાઇવ દર્શન કરી લઉં. અમારા આખા પરિવારને બાબુલનાથની એવી માયા લાગી છે કે ગમેતેટલા દૂર જઈએ પણ ત્યાં આવીને દર્શન નહીં કરીએ તો મનને શાંતિ નહીં મળે. મારી દીકરીની દીકરી દોઢ વર્ષની છે તેને પણ શિવલિંગ દેખાડીએ તો તરત જ હર હર મહાદેવ કહીને બે હાથ ઊંચા કરે. ભોળાનાથે અમારી લાઇફને ઘણી સુધારી છે અને તેમની ભક્તિ કરીને બસ શાંતિ અને સમૃદ્ધિની જ કામના છે.’
થાણેની એક લીગલ ફર્મમાં કાર્યરત ૫૮ વર્ષના તુષાર જોશી શ્રાવણ મહિનામાં કાંદા-લસણ નથી ખાતા, વાળ નથી કપાવતા અને શેવિંગ નથી કરતા. તેઓ કહે છે, ‘આ મારી ત્રીજી પેઢી છે જે શ્રાવણ માસમાં મુલુંડના બાલરાજેશ્વર મહાદેવના મંદિરમાં સવારે ચાર વાગ્યે થતી પહેલી આરતીનો લાભ અચૂક લે છે. સફેદ કુરતો અને પાયજામો પહેરીને હું રાત્રે અઢીથી ત્રણ વાગ્યા સુધીમાં મંદિર પહોંચી જાઉં, આરતીની તૈયારી કરાવવામાં મદદ કરાવું અને આરતીનો લહાવો લઉં. છેલ્લા ચાર દાયકાથી હું દર શ્રાવણ મહિને અચૂક મંદિરે આવીને નતસ્તક થાઉં છું. મહાદેવની ભક્તિમાં રંગાઈને પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ વધી છે, કામધંધામાં પ્રગતિ આવી છે અને મનને શાંતિ આપી છે, જે અત્યારના સમયમાં મળવી દુર્લભ છે. હું ફૉરેનની કંપનીમાં કામ કરતો હોવાથી વેલ-ગ્રૂમ્ડ થઈને ઑફિસ જવું પડે, પણ શ્રાવણ દરમિયાન બિઅર્ડ કે વાળ શેવ ન કરતો હોવાથી એ માટે મારે સ્પેશ્યલ પરમિશન લેવી પડે.’