04 September, 2025 12:34 PM IST | Mumbai | Darshini Vashi
દેવાંશી ઓઝા, ફ્રેયા ઓઝા
આજે એવાં કેટલાં ઘર હશે જ્યાં ઊઠતાંવેંત બાળકોના હાથમાં મોબાઇલ જોવા ન મળતો હોય? એવાં કેટલા પેરન્ટ્સ હશે જેમણે પોતાનાં બાળકોને ટીવી અને મોબાઇલ જોવા માટે ટોકવાં ન પડતાં હોય? તેમ જ એવાં કેટલાં બાળકો હશે જેઓ રોજેરોજ પોતાની જાતે ધર્મનાં ચોપડાં ખોલીને એનું વાંચન જ નહીં પણ શ્ળોકો પણ કંઠસ્થ કરતાં હોય? તો એનો જવાબ હશે બહુ જૂજ. ઇન્ટરનેટ, ટીવી અને ગેમ્સની દુનિયામાં આજનાં બાળકો એટલાંબધાં ખૂંપી ગયાં છે કે પોતાની ફૅમિલીથી જ નહીં પણ ધર્મથી પણ દૂર થઈ રહ્યાં છે. આ વાતને આજે કોઈ નકારી શકે એમ નથી. જોકે બધી જગ્યાએ સાવ એવું નથી. આજે એવાં પણ કેટલાંક બાળકો છે જેઓ મોબાઇલ અને ટીવી કરતાં પોતાના ભગવાન અને ધર્મને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે એટલું જ નહીં, પોતાના પેરન્ટ્સ કરતાં પણ વધારે ધર્મ બાબતે નૉલેજ અને રસ ધરાવે છે. તો કેટલાંક તો એવાં પણ છે જે બહાર જાય ત્યારે હાથમાં ટૉય્સ નહીં પણ ભગવાનની મૂર્તિ સાથે લઈ જાય છે. ફરવા માટે મૉલ નહીં પણ મંદિર જવાનું પસંદ કરે છે. આજે આપણે એવાં બે બાળકોની વાત કરવાના છીએ જેમની ધર્મ પ્રત્યેની રુચિ અને જ્ઞાન બાળકોને જ નહીં પણ મોટા લોકોને પણ પ્રેરણા આપશે.
ચાર વર્ષની ઉંમરે ગીતાના ત્રણ અધ્યાય સંસ્કૃતમાં કંઠસ્થ
દેવાંશી ઓઝા તેના પરિવાર સાથે
સામાન્ય રીતે ચાર વર્ષની ઉંમરનાં બાળકોના મોઢેથી માત્ર રાઇમ્સ જ સાંભળવા મળતી હોય છે ત્યારે જો તમને કોઈ બાળકના મોઢામાંથી ગીતાના પાઠ કડકડાટ સાંભળવા મળે એ પણ સંસ્કૃત ભાષામાં, તો સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયા વગર નહીં રહે. મલાડ-ઈસ્ટમાં રહેતી અને ચિલ્ડ્રન્સ ઍકૅડેમી સ્કૂલમાં ભણતી માત્ર ચાર વર્ષની દેવાંશી ઓઝાને ગીતાના ત્રણ અધ્યાય સંસ્કૃતમાં કંઠસ્થ છે એટલું જ નહીં; અનેક શ્ળોક, સ્તુતિ, પાઠ પણ તેને આવડે છે. આ વિશે જણાવતાં દેવાંશી દેવાંગ ઓઝાની મમ્મી ક્રિષ્ના ઓઝા કહે છે, ‘મારી દીકરીને ભગવદ્ ગીતાનો ૧૨મો, ૧૫મો અને ૧૬મો અધ્યાય કંઠસ્થ છે અને અત્યારે ૧૭મો અધ્યાય શીખી રહી છે. અમારા ઘરમાં પણ આધ્યાત્મિક વાતાવરણ છે. હું પોતે સ્વાધ્યાય પરિવારની સાથે સંકળાયેલી છું. તેમ જ અમે બ્રાહ્મણ પણ છીએ એટલે પહેલેથી જ મને શ્ળોક, અધ્યાય વગેરે આવડતું જ હતું. મારી દીકરી મારા ગર્ભમાં હતી ત્યારે હું નિયમિત ગીતાના અધ્યાય, શ્ળોક વગેરેનું પઠન કરતી હતી. એટલે તે બોલતી થઈ કે તરત મારા મોઢેથી જે કોઈ પાઠ, શ્ળોક વગેરે સાંભળતી કે એને કૅપ્ચર કરી લેતી હતી અને પર્ફેક્ટ લઢણ અને ઉચ્ચારણ સાથે તે તેની મેળે બોલવા માંડી. આ ઉંમરે પણ મારું એટલું સ્પષ્ટ કદાચ સંસ્કૃતમાં ઉચ્ચારણ નહીં થતું હોય જેટલું સ્પષ્ટ તે કરે છે. તેનાથી પણ નાની મારી બીજી એક દીકરી છે અને તે જ્યારે પેટમાં હતી ત્યારે હું શ્ળોક બોલતી હતી ત્યારે એવું થયું કે હું શ્ળોક આગળ બોલું એ પહેલાં જ દેવાંશી શ્ળોક બોલવા લાગી હતી. આ શ્ળોક હતો મહિષાસુર મર્દિનીનો. આ વાતને પણ એક-દોઢ વર્ષ થઈ ગયું છે. હું નવાઈ પામી ગઈ. પછી મેં તેને આખો શ્ળોક શીખવ્યો. આજે એ તેને આખું આવડે છે. તમે તેને ગમે ત્યાંથી પૂછો અથવા તો પૂછો કે પાંચમો શ્ળોક શું છે તો તે તરત બોલવા માંડશે. એ પણ એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલશે. સ્કૂલમાં એક દિવસ ઇવેન્ટ હતી જેમાં બાળકોને જે ભાષામાં બોલવું હોય એ ભાષામાં બોલી શકે. ત્યારે દેવાંશી બર્થ-ડે સૉન્ગ આખું સંસ્કૃતમાં બોલી ગઈ હતી. એ સાંભળી ટીચર્સ પણ અવાચક બની ગયા હતા. સ્કૂલની બહાર પણ કેટલીક કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે એમાં તે સંસ્કૃત બોલવા માટે જીતી હતી. તે હજી સુધી સંસ્કૃત વાંચી શકતી નથી. તે જે પણ શીખી છે એ સાંભળીને જ શીખી છે. તેને સંસ્કૃત ભાષાનું સારુંએવું જ્ઞાન છે. દરેક આંગળીને સંસ્કૃતમાં શું કહેવાય એની પણ તેને ખબર છે. હું એકાદ શ્ળોકના શબ્દોના ઉચ્ચારણમાં આગળ-પાછળ થઈ જાઉં તો તે તરત મને ટોકે છે. સવારે ઊઠે ત્યારથી લઈને તેનું દરેક કામ કરતી વખતે હું ભગવાનના શ્ળોકો, પાઠ, ગીતો તેને સંભળાવીને જ કરતી હોઉં છું એટલે તેને બધું યાદ રહી જાય છે. તે જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે તેના બોલવાની શરૂઆત પણ મેં ગીતાથી જ કરાવી હતી. જેમ કે તેની પાસે હું કૃષ્ણનાં નામ બોલાવતી. કૃષ્ણની દરેક વાત કરતી. કૃષ્ણના પ્રસંગો કહેતી અને પછી સવાલો પૂછતી એટલે તે જેવા શબ્દો નીકળતા એવી રીતે એના જવાબ આપતી. હવે તો તે ચાર વર્ષ પૂરાં કરી રહી છે અને તેનામાં ખૂબ જ સારુંએવું સંસ્કૃત ઉપરાંત ધર્મનું જ્ઞાન આવી ગયું છે. સવારે તે ઊઠે એટલે હાથમાં મોબાઇલ નહીં પણ હાથ ખોલીને કરાગ્રે વસતેનો શ્ળોક બોલે છે. ધાર્મિક બાબતોની સાથે તે ઇતર પ્રવૃત્તિમાં પણ એટલી જ હોશિયાર છે. અત્યારે તે માર્શલ આર્ટ શીખી રહી છે અને તેને એક બેલ્ટ પણ મળી ગયો છે. સ્કૂલમાં પણ તે દરેકેદરેક કૉમ્પિટિશનમાં ભાગ લે છે. મારી મોટી દીકરીને જોઈને નાની દીકરી પણ અમુક સંસ્કૃત શબ્દો શીખી ગઈ છે.’
ધર્મજ્ઞાન આપતા વિડિયો બનાવે છે
ફ્રેયા ઓઝા તેના પરિવાર સાથે
કૃષ્ણભક્તિમાં એટલી લીન છે કે મારી દીકરીને ફરવા માટે દુબઈ નહીં પણ દ્વારકા જવું છે એમ જણાવતાં વાશીમાં રહેતી ફ્રેયાના પિતા જિતેન ઓઝા કહે છે, ‘ફ્રેયા અત્યારે ૧૩ વર્ષની છે. તે લગભગ ૯-૧૦ વર્ષની હતી ત્યારથી તે રાધા-કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગઈ છે. તે નાની હતી ત્યારથી જ તેનો સ્વભાવ અને રુચિ ધાર્મિક બાબતોમાં વધારે રહેતાં હતાં. અમારા ઘરનું વાતાવરણ પણ ખૂબ જ ધાર્મિક છે. હું અને મારી પત્ની પણ ખૂબ જ આધ્યાત્મિક છીએ એટલે મારી દીકરીમાં પણ એવા જ ગુણ ઊતરેલા છે. પણ આજે જેમ બાળકો રીલ્સની દુનિયામાં ખોવાઈ જાય છે એમ મારી દીકરી નાની હતી ત્યારે તેને કોરિયન મ્યુઝિક બૅન્ડના વિડિયો જોવાનું ઘેલું લાગ્યું હતું જે મને પસંદ નહોતું. મારે તેની એ આદત છોડાવવી હતી. સાથે-સાથે તેનું અંગ્રેજી સાથે હિન્દી ભાષા પર પણ પ્રભુત્વ વધે એ માટે મેં તેને ટેલિવિઝન પર કેટલીક ધાર્મિક અને બાળકોની સિરિયલ બતાવવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે તે મોબાઇલથી દૂર થઈ ગઈ અને ધાર્મિક બાબતોમાં વધુ ખેંચાતી ગઈ. તેનામાં કૃષ્ણભક્તિ વધુ ખીલવા લાગી. રાધા-કૃષ્ણ પ્રત્યે તેનો ભક્તિભાવ એવો વધી ગયો કે તે લાલાની મૂર્તિને પોતાની સાથે રાખવા લાગી. એક ફૅમિલી-મેમ્બરની જેમ એનું ધ્યાન રાખવા માંડી. તેમને ઉઠાડવા, જમાડવા, સુવડાવવા વગેરે તે બધું જાતે જ કરવા લાગી. આ વાત ત્યારની છે જ્યારે તે ૧૦ વર્ષની હતી. પછી તો તે રાધાજીની પણ મૂર્તિ લઈ આવી અને જ્યાં પણ જાય ત્યાં આ બન્ને મૂર્તિને પોતાની સાથે રાખવા લાગી. તેનું આધ્યાત્મિક વાંચન પણ વધતું ગયું. તે ઇચ્છતી હતી કે તેનું જે ધાર્મિક જ્ઞાન છે એ વધુ ને વધુ બાળકો સુધી પહોંચે એટલે તેણે નાના-નાના આધ્યાત્મિક ટૉપિક લઈને રીલ્સ બનાવવાની શરૂઆત કરી. તેને માત્ર રાધા-કૃષ્ણ વિશે જ નહીં પણ બધા જ ભગવાન વિશે પણ જાણકારી છે. હવે તે ફ્રી સમયમાં ટીવી કે મોબાઇલ લેવાને બદલે ધાર્મિક વાંચન અથવા તો ધાર્મિક સિરિયલ જોવાનું વધારે પસંદ કરે છે. ફરવા જવા માટે પણ જો તેને સ્થળ પૂછવામાં આવે તો તે દ્વારકા, વૃન્દાવન અથવા તો બરસાના જેવાં રાધા-કૃષ્ણની સાથે સંકળાયેલાં સ્થળોનું જ નામ લેશે. થોડા સમય પહેલાંની જ વાત કરું તો અમે ફૅમિલી સાથે દુબઈ જવાનો પ્લાન કર્યો હતો, પણ તેણે ત્યાં જવાની ના પાડી દીધી. અને કહ્યું કે જો જવું હોય તો દ્વારકા જઈએ, દુબઈ નથી જવું. તે રાધા-કૃષ્ણનાં અનેક ધાર્મિક સ્થળે જઈ આવી છે. તે એટલીબધી ધાર્મિક છે કે સ્કૂલમાં પણ માથે તિલક કરીને જાય છે. તે જે સ્કૂલમાં અગાઉ જતી હતી ત્યાં તિલક લગાવીને જવાની પરવાનગી નહોતી એટલે તેણે સ્કૂલ બદલી છે અને અત્યારે જે સ્કૂલમાં ભણે છે એ ધાર્મિક લાગણીઓને માન આપે છે છતાં સ્કૂલના નિયમો જળવાઈ રહે એ માટે મારી દીકરી કપાળ પર નહીં પણ ગળા પર તિલક કરીને જાય છે અને ઘરે આવીને કપાળ પર કરે છે.’