સમય પહેલાં ને સમય પછી મળનારી ચીજનું મૂલ્ય શૂન્ય

11 November, 2025 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરે, ડૉક્ટર પણ દરદીને એના સમયે જ દવા આપે છે, યોગ્ય સમયે જ ઑપરેશન કરે છે અને યોગ્ય સમયે જ હૉસ્પિટલમાંથી રજા આપે છે. ટૂંકમાં, કોઈ પણ ચીજ વ્યક્તિને યોગ્ય સમયે મળે એમાં જ તેનું હિત, સુખ અને સલામતી છે. સમય પહેલાં મળી જતી વસ્તુ વ્યક્તિના હિતને જોખમાવે છે.

પ્રતિકાત્મક તસવીર

ટાઇફૉઇડના દરદીને દૂધ આપવાના વિરોધમાં વૈદરાજ હોતા નથી, પણ એક બાબતમાં તે સ્પષ્ટ હોય છે કે જ્યાં સુધી દરદીના શરીરમાં ટાઇફૉઇડનું ભારે જોર છે ત્યાં સુધી તો તેના પેટમાં દૂધનું ટીપુંયે ન જવું જોઈએ. 
કોઈ પણ ગર્ભવતી સ્ત્રી પોતાના પેટમાં રહેલા બાળકનાં સમય પહેલાં દર્શન ઇચ્છતી નથી. કોઈ ડૉક્ટર તેને પૂછી પણ લે કે તું કહેતી હોય તો હું સાતમા મહિને ઑપરેશન કરીને તારા બાળકનાં તને દર્શન કરાવી દઉં તોય તે સ્ત્રી ના જ પાડી દે અને ડૉક્ટરને કહી દે કે હું હજી રાહ જોવા તૈયાર છું, પરંતુ ૯ મહિના પૂરા થયા પહેલાં તો મારે બાળકનાં દર્શન નથી જ કરવાં. જન્મના એક મહિના બાદ બાળકને તેના મામા મીઠાઈ ખવડાવવા ગમે એટલા ઇચ્છતા હોય, બાબાની મમ્મી મામાને એમ કરતાં અટકાવીને જ રહે છે. જે દીકરીને મમ્મી સરસ રસોઈ બનાવતી જોવા ઝંખી રહી છે તે દીકરીની ઉંમર જો અત્યારે બે વર્ષની હોય તો મમ્મી તેને ગૅસના સ્ટવ પાસે ફરકવા પણ દેતી નથી. અરે, ડૉક્ટર પણ દરદીને એના સમયે જ દવા આપે છે, યોગ્ય સમયે જ ઑપરેશન કરે છે અને યોગ્ય સમયે જ હૉસ્પિટલમાંથી રજા આપે છે. ટૂંકમાં, કોઈ પણ ચીજ વ્યક્તિને યોગ્ય સમયે મળે એમાં જ તેનું હિત, સુખ અને સલામતી છે. સમય પહેલાં મળી જતી વસ્તુ વ્યક્તિના હિતને જોખમાવે છે, સુખને દૂર ધકેલી દે છે અને સલામતીને અનિશ્ચિત બનાવી દે છે.
ભારે દુઃખની વાત છે કે આજની નવી પેઢીને તેમનાં મમ્મી-પપ્પા લગભગ બધી જ ચીજો સમય પહેલાં આપી રહ્યાં છે. જેમને હજી ભણવાનું જ છે, જેમના માથે ધંધાની કોઈ જવાબદારી જ નથી, જેમને ઑર્ડર લેવા કે ઉઘરાણી પતાવવા ક્યાંય જવાનું જ નથી એવાં દીકરા-દીકરીઓને મા-બાપોએ મોબાઇલ ફોન આપી દેવાની જે બેવકૂફી આચરવાની આજના કાળમાં શરૂ કરી છે એનાં માઠાં પરિણામો તો તેઓ જ્યારે ભોગવશે ત્યારે ભોગવશે, પણ ત્યાં સુધીમાં તો સદાચારના ક્ષેત્રે દીકરા-દીકરીઓના જીવનમાં જે સર્જાઈ ચૂક્યું હશે એનાથી પાછા ફરવું દીકરા-દીકરીઓ માટે અશક્યપ્રાયઃ બની ચૂક્યું હશે.
સમય પહેલાં અને સમય પછી મળનારી કોઈ પણ ચીજનું મૂલ્ય શૂન્યથી સહેજ પણ વધારે નથી એ વાત બીજા કોઈ સમજે કે ન સમજે, પણ માબાપ સમજે એ બહુ જરૂરી છે. જો માબાપ એ વાત નહીં સમજે તો તેમણે આંખ સામે દીકરા-દીકરીઓને હેરાન થતાં, દુઃખી થતાં અને સંતાપ કરતાં જોવાનો વારો આવશે અને એ વારો આવશે ત્યારે માબાપ પોતે પણ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત નહીં કરી શકે. એટલે એક નિર્ણય કરો કે સમય પહેલાં સંતાનોને કશું આપવું નથી અને સંતાનોને એની ઘેલછા પણ લાગવા દેવી નથી.

-  જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

astrology culture news jain community gujarati mid day columnists