✕

કોઈના ઘરે કાલિયા નાગનું મર્દન કરતા ગણપતિ તો કોઈએ કૈલાશ-માનસરોવર સજાવ્યું

25 September, 2026 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગણપતિ શણગારમાં ભક્તિ અને સર્જનાત્મકતાનો સંગમ જોવા મળ્યો. મલાડમાં કાલિયા નાગનું મર્દન કરતા બાપ્પા, કાંદિવલીમાં કૈલાશ-માનસરોવર અને મયૂરેશ્વરની થીમ તથા બોરીવલીમાં પ્રકૃતિની થીમ આકર્ષણ બન્યાં.

મુંબઈ ગણપતિ શણગાર

કાલિયા નાગનું મર્દન કરતા ગણપતિબાપ્પા

મલાડ-વેસ્ટમાં ભાદરણનગર ચાલમાં રહેતા જિજ્ઞેશ શાહે તેમના ઘરે ગણપતિબાપ્પાને કૃષ્ણ અવતારમાં કાલિયા નાગનું મર્દન કરી રહ્યા હોય એવા સ્વરૂપમાં બિરાજમાન કર્યા હતા. ડેકોરેશન પણ એટલું સરસ રીતે કરવામાં આવ્યું હતું કે એને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યમુનાજીના પાણીમાં કાલિયા નાગના મર્દનનું દૃશ્ય નજર સામે તરી આવે. 

કેળનાં પાન અને રાધા-કૃષ્ણની સજાવટ બની આકર્ષણનું કેન્દ્ર

કાંદિવલી-વેસ્ટના દહાણુકરવાડી વિસ્તારમાં રહેતા અમિત બદિયાણીના ઘરે ભક્તિભાવપૂર્વક દોઢ દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે તેમના ઘરે દોઢ ફુટની ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. ગણેશજીના દરબારની સુંદર સજાવટ કરવામાં આવી હતી. સજાવટમાં લીલાછમ કેળનાં પાનનો બૅકડ્રૉપ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કમળની ડિઝાઇન પણ જોવા મળી હતી. આ શણગારને કારણે સમગ્ર મંડપને આકર્ષક લુક મળ્યો હતો. મંડપને પીળા અને નારંગી ગલગોટાનાં ફૂલોનાં તોરણો, દીવડા અને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યો હતો. આ સાથે જ રાધા-કૃષ્ણનાં સુંદર કટઆઉટ મૂકવામાં આવ્યાં હતાં. 

કૈલાશ-માનસરોવર પહોંચ્યા વિઘ્નહર્તા

કાંદિવલી-વેસ્ટમાં જીવન હાઇટ્સમાં રહેતા રાકેશ મહેતાના ઘરે દોઢ દિવસ માટે ગણપતિબાપ્પાનું આગમન થયું હતું. તેમણે કૈલાશ-માનસરોવર થીમ પર ડેકોરેશન કર્યું હતું. આ વર્ષે તેમણે માનસરોવર યાત્રા કરી હતી, જેમાં તેમને અનેક મુશ્કેલીઓ પડી હતી. જોકે ભોલેનાથની કૃપાથી અને વિઘ્નહર્તાના આશીર્વાદથી તેઓ સુખરૂપ ઘરે પહોંચી ગયા હતા. એટલે ભગવાનનો આભાર માનવા માટે આ વર્ષે તેમણે આ ડેકોરેશન પસંદ કર્યું હતું. 

ઝૂંપડીમાં બિરાજમાન બાપ્પા

બોરીવલી-વેસ્ટમાં સાઈનાથ સોસાયટીમાં રહેતાં નિશા ખેડેકરના ઘરે ગૌરી ગણેશનું આગમન થયું હતું. તેમણે એમ્બ્રૉઇડરી કરેલા કાપડ, કઠપૂતળીઓ, લટકણ તેમ જ સૂકા ઘાસનો ઉપયોગ કરીને સરસ ઝૂંપડી બનાવી હતી અને એની અંદર ગણરાયાને બિરાજમાન કર્યા હતા.

વનવગડામાં  નાચે મયૂરેશ્વર

કાંદિવલી-વેસ્ટમાં અકૉર્ડ અપાર્ટમેન્ટમાં રહેતા વિરલ શેઠના ઘરે પાંચ દિવસ માટે મયૂર પર સવાર મયૂરેશ્વરનું આગમન થયું હતું, જેમના માથે મલ્હાર પાઘડી ૪ ચાંદ લગાવતી હતી. તેમણે મયૂરેશ્વર માટે ખાસ તેમને ગમે એવું વનવગડાની થીમનું ડેકોરેશન કર્યું હતું. 

બાપ્પાની આ મૂતિનું વિસર્જન નથી થતું

બોરીવલી-ઈસ્ટમાં એકતા ભૂમિ ગાર્ડનમાં રહેતાં અલ્પા સરવૈયાના ઘરે છેલ્લાં ૨૦ વર્ષથી ગણપતિબાપ્પાનું વિસર્જન થયું જ નથી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘૨૦ વર્ષ પહેલાંની વાત છે. હું બાથરૂમમાં હતી ત્યારે મને ગીઝરથી વીજળીનો કરન્ટ લાગેલો. બીજી બાજુ ઘરે બાપ્પાનું આગમન થયું. તેમને વધાવવા માટે પરિવારના બીજા સભ્યો મને ગોતવા લાગ્યા. એ સમયે તેમને ખબર પડી કે મને કરન્ટ લાગ્યો છે. એટલે તાત્કાલિક મને સારવાર મળી અને જીવ બચ્યો. હું માનું છું કે બાપ્પાએ જ મને નવું જીવન આપ્યું છે. એટલે અમે દોઢ દિવસ માટે ઘરે બાપ્પાની સ્થાપના કરીએ છીએ. એ પછી તેમનું વિસર્જન કરવાને બદલે મંદિરમાં ફરી બેસાડી દઈએ છીએ.’

પ્રકૃતિની ગોદમાં બિરાજમાન વિઘ્નહર્તા

કાંદિવલી-વેસ્ટમાં આવેલા હાલાઈ લોહાણા બાળાશ્રમ (હૉસ્ટેલ)માં ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ લાવીને, પ્રકૃતિ થીમનું ડેકોરેશન કરીને ‘પ્રકૃતિના રાજા ગણરાજા’ના રૂપમાં બાપ્પાનું આગમન કરવામાં આવ્યું હતું. પચાસથી પણ વધુ વર્ષથી આ હૉસ્ટેલમાં દર વર્ષે ગણરાયાનું આગમન થાય છે અને બાપ્પા માટે ડેકોરેશનનું કામ અહીં રહેતા વિદ્યાર્થીઓ જ કરે છે. 

સેવ માય પ્લૅનેટ અૅન્ડ એન્વાયર્નમેન્ટ થીમ દ્વારા સાચાં ફૂલો-પાંદડાંથી સજાવટ

બોરીવલી-વેસ્ટના ચીકુવાડી વિસ્તારમાં આવેલા ગ્રીન રિજ બિલ્ડિંગના ફ્લૅટ-નંબર ૬૦૩માં રહેતા ભટનાગર પરિવારે ૧૪મા વર્ષે ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવની ઉજવણી કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ જાળવી રાખી છે. આ વર્ષે પરિવારે ‘સેવ માય પ્લૅનેટ અૅન્ડ એન્વાયર્નમેન્ટ’ થીમ અંતર્ગત બાપ્પાનો મંડપ સજાવ્યો હતો. ભટનાગર પરિવારે આ વર્ષે માટીમાંથી બનેલી ૧.૫ ફુટની ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની મૂર્તિની દોઢ દિવસની સ્થાપના કરી હતી. મંડપની સજાવટ માટે પ્લાસ્ટિક કે થર્મોકૉલનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પરિવારના સભ્યોએ સતત બે દિવસ મહેનત કરીને તાજાં ગુલાબ, ગલગોટા અને કુદરતી લીલાં પાંદડાંથી સૌએ સાથે મળીને સુંદર સજાવટ કરી હતી. ગણેશોત્સવ દરમ્યાન પર્યાવરણની જાળવણી સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રસાદ અને ભોજન માટે પ્લાસ્ટિકની પ્લેટોનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. બાપ્પાને ધરાવવામાં આવતો મોદકનો ભોગ પણ પરિવાર દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. વિસર્જન સમયે નદી કે દરિયાના પાણીમાં પ્રદૂષણ ન થાય અે માટે પરિવારે પોતાના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં જ કૃત્રિમ કુંડ બનાવીને બાપ્પાનું વિસર્જન કર્યું હતું. 

ganesh chaturthi ganpati festivals mumbai news mumbai