15 March, 2025 03:54 PM IST | Mumbai | Darshini Vashi
શ્રી કાલારામ મંદિર
મુંબઈમાં શિવજીનાં અસંખ્ય મંદિરો આવેલાં છે જેમાંનાં કેટલાક પ્રસિદ્ધ પણ છે તો કેટલાક મુખ્ય શહેરથી દૂર હોવાને લીધે ભક્તોની પહોંચની બહાર છે. વળી એવાં પણ કેટલાંક મંદિરો છે જે શહેરની બહાર ન હોવા છતાં પ્રસિદ્ધ નથી, એમના વિશે જૂજ કહી શકાય એટલા જ લોકોને ખબર છે. આજે આપણે આવા જ એક મંદિરની વાત કરવાના છીએ જે તળ મુંબઈમાં અને સતત વ્યસ્ત રહેતા એવા ગિરગામ વિસ્તારમાં લગભગ દોઢ દાયકા કરતાં પણ વધારે સમયથી હોવા છતાં શિવભક્તોથી ગુપ્ત રહ્યું છે. એનું એક કારણ એ પણ છે કે આ મંદિર વર્ષમાં માત્ર પાંચથી છ દિવસ જ ખુલ્લું રહે છે. આ મંદિર માત્ર પૂજાસ્થળ જ નથી પણ સદીઓથી શહેરની ઉત્ક્રાન્તિનું સાક્ષી રહેલું ઐતિહાસિક સ્થળ પણ છે.
શ્રી કાલારામ મંદિર
શિવજીના ગુપ્ત મંદિર વિશે જાણવા પહેલાં એ જ્યાં આવેલું છે એ શ્રી કાલારામ મંદિર વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. એની અંદર શિવજીનું ગુપ્ત મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. આત્મારામ બુવાનું શ્રી રામ મંદિર, જે કાલારામ મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિર પાઠારે પ્રભુ સમુદાય ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને સંવત ૧૮૨૮માં ગિરગામના રહેવાસી આત્મારામ બુવા પલસુર દેસાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમની સમાધિ મંદિર સભાગૃહની અંદર સ્થિત છે. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના રાજાપુરના વતની આત્મારામે ગિરગામ પહોંચતાં પહેલાં સાવંતવાડી, ગોવા અને અમદાવાદમાં મંદિરો સ્થાપ્યાં હતાં. અહીં તેમણે તેમના અનુયાયીઓ પાસેથી દાન એકત્રિત કર્યું હતું અને સૌથી મોટો ફાળો મહારાષ્ટ્રના સૌથી જૂના સમુદાય પાઠારે પ્રભુ સમુદાયના લોકોએ આપ્યો હતો. ત્યારથી આ મંદિર આત્મારામ બુવાનું શ્રી રામ મંદિર અથવા પાઠારે પ્રભુનું ઠાકુરદ્વાર અથવા વર્તમાન કાલારામ મંદિર તરીકે ઓળખાય છે. સંવત ૧૮૨૮ની વાત છે જ્યારે મુંબઈમાં ગિરગામ નજીક ગિરગામ રોડ અથવા હવે નાના શંકર રોડ જેવા પહોળા રસ્તા પર જોવા મળતો ઠાકુરદ્વારનો ખૂબ જ વ્યસ્ત વિસ્તાર એ સમયે લગભગ ઉજ્જડ હતો. એમાં મુખ્યત્વે પાઠારે પ્રભુ સમુદાયના કેટલાક અગ્રણી પરિવારો રહેતા હતા અને એમાંથી મોટા ભાગનો હિસ્સો તેમનો હતો. એ સમયે ઠાકુરદ્વાર નામ અસ્તિત્વમાં હતું કે નહીં એ વિશે કોઈ પણ જગ્યાએ સચોટ જાણકારી નથી, પણ એ સમયે ગિરગામ રોડ નામ પણ અસ્તિત્વમાં નહોતું. એ સમયે એનું નામ પાલવા રોડ હતું. ઠાકુરદ્વાર નામ, જેનો અર્થ મંદિરોનો વિસ્તાર થાય છે એ કદાચ ત્યાં મંદિરો બન્યા પછી આવ્યું હશે. આ મંદિરોની આસપાસ આજે કાલારામ મંદિર અથવા `આત્મારામ બુવાંચે રામ મંદિર` અને ‘ગોરા રામ મંદિર’ છે (આ નામો એ મંદિરોમાં રહેલી મૂર્તિઓના રંગ પરથી લેવામાં આવ્યા છે). આ મંદિરો ખૂબ જ પ્રખ્યાત છે. શિરગાંવ મઠના રામદાસી સંપ્રદાયના આત્મારામ બુવાએ સાવંતવાડી, ગોવા અને અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ મંદિરોના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ૧૮૨૮માં તેઓ મુંબઈ આવ્યા અને તેમના શિષ્યો, ખાસ કરીને પાઠારે પ્રભુ સમુદાયના લોકોના સમર્થનથી ઠાકુરદ્વાર (હવે જેએસએસ રોડ તરીકે ઓળખાય છે) પર જમીન હસ્તગત કરી. ત્યાં તેમણે શ્રી રામ મંદિરનું નિર્માણ કર્યું, જેનું નિર્માણ ૧૮૨૮ની ૨૦ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. એના બાંધકામમાં કૉલોનિયલ આર્કિટેક્ચર અને ટ્રેડિશનલ ભારતીય સ્થાપત્યકલાનો સમન્વય જોવા મળે છે. તેમ જ મંદિરની અંદર કરવામાં આવેલું શિલ્પકામ અને બારીક કોતરણીકામ આજે જવલ્લે જ જોવા મળે છે.
ટેમ્પલ્સ ઑફ બૉમ્બે
આ મંદિરનો ઉલ્લેખ રઘુનાથજી દ્વારા લખાયેલા પુસ્તક ટેમ્પલ્સ ઑફ બૉમ્બેમાં કરવામાં આવ્યો છે જેની અંદર મંદિરની વિશેષતા અને સુંદર બાંધકામ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર નાશિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરની પ્રતિકૃતિ જેવું જ છે. નામ સૂચવે છે એમ આ મંદિર કાળા પથ્થરમાંથી કોતરવામાં આવ્યું છે જેમાં ગર્ભગૃહમાં રહેલા બધા દેવતાઓની મૂર્તિઓ પણ સામેલ છે. તમને ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ મળી શકે છે; જેને સામૂહિક રીતે રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. થોડાં પગલાં આગળ બીજું એક મંદિર છે જેનું નામ ગોરારામ છે, કારણ કે એ સફેદ પથ્થરોથી બનેલું છે. મંદિરના પરિસરની અંદર કેટલાક પૂજારીઓ પણ રહે છે.
કાલારામ મંદિરનું બાંધકામ કાળા પથ્થર અને લાકડાથી થયું છે જેનું બાંધકામ એનો કેટલો જૂનો ઇતિહાસ હશે એ વર્ણવે છે. ૧૮૭૦માં શ્રી સ્વામી સમર્થ મહારાજની પાદુકાઓને દત્ત મંદિર તરીકે ઓળખાતા સ્થાન પર મૂકવામાં આવી હતી. મંદિરમાં દુર્ગાદેવી, વિઠોબા રખુમાઈ, ભગવાન ગણેશ અને શિવલિંગ પણ છે. જ્યારે કોઈ કાલારામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાન રામને સીતા અને બધા ભાઈઓ સાથે જોઈ શકાય છે. સામાન્ય રીતે રામ મંદિરમાં તમને ભગવાન રામ, સીતામાતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ જોવા મળે છે પરંતુ અહીં તમે ભરત અને શત્રુઘ્નને પણ જોઈ શકો છો. આવું મંદિર દુર્લભ છે.
કૈલાસ ભુવન
આ મંદિરની એક અનોખી વિશેષતા ‘મંદિરમાં મંદિર’ છે જે મુખ્ય મંદિરની ઉપર સ્થિત એક પ્રકારનું ગુપ્ત મંદિર છે. એનું પ્રવેશદ્વાર એક નાનકડી બારી જેવડું છે જેમાં નાના બાળકની જેમ ચાર પગે ચાલીને અંદર પ્રવેશવું પડે છે અને એમાં પાછાં ત્રણ-ચાર પગથિયાં પણ બનાવેલાં છે જેને ચડવાનાં હોય છે અને પછી અંદર પ્રવેશ કરી શકાય છે. આ ગુપ્ત મંદિરનો આકાર અને કદ એક ગુંબજ જેવડા જ છે જેની અંદર માંડ એક માણસ સહેલાઈથી પ્રવેશી શકે એમ છે. તેમ જ અંદર નથી કોઈ દરવાજો કે નથી કોઈ બારી, માત્ર વચ્ચે એક નાનકડું શિવલિંગ છે અને એની ફરતે બે કે ત્રણ વ્યક્તિ પલાંઠી વાળીને બેસી શકે એટલી જગ્યા છે. આ મંદિરના સ્થાપક આત્મારામ બુવા કલાકો સુધી આ શિવલિંગની સામે ધ્યાન કરતા હતા. કલ્પના કરો કે આત્મારામ અંદર કેવી રીતે ધ્યાન કરતા હશે. તેમના ગયા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ મંદિર બારે મહિના માટે નહીં પણ માત્ર મહાશિવરાત્રિ દરમિયાન અને શ્રાવણના સોમવાર એમ ગણીને પાંચથી છ દિવસ જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં નજીકના વિસ્તારના લોકો દર્શન માટે આવે છે, જ્યારે મહાશિવરાત્રિ દરમિયાન ગુપ્ત મંદિર સવારથી મોડી રાત સુધી ખુલ્લું રહે છે.
ઊજવવામાં આવતા તહેવારો
અહીં વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વધારે પડતી ઝાકઝમાળ કે પછી લાઉડ મ્યુઝિક વગર એકદમ પરંપરાગત રીતે અહીં તહેવારો ઊજવવામાં આવે છે જેમાં મુખ્યત્વે રામનવમી, હનુમાન જયંતી, અક્કલકોટ શ્રી સ્વામી સમર્થની પુણ્યતિથિ, દત્તજયંતી, નવરાત્રિ, આત્મારામ બુવાની પુણ્યતિથિ, શિવરાત્રિ, શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી વગેરેનો સમાવેશ થાય છે.
દત્તાત્રેય મંદિર અને સ્વામી સમર્થ મહારાજની પાદુકા
૧૮૭૦ની આસપાસ કૃષ્ણનાથ બુવા નામના સંત શ્રી રામ મંદિરની બાજુમાં આવેલી ધર્મશાળામાં રહેતા હતા. તેઓ મંદિરોમાં મૂર્તિઓની પણ પૂજા કરતા હતા. તેમણે શ્રી અક્કલકોટસ્વામીના જૂતાં, વિઠોબા-રખુમાઈ, દેવી અને ગણપતિની મૂર્તિઓ અને એક શિવલિંગને આ સ્થળે સ્થાપિત કર્યાં જે પાછળથી શ્રી દત્તાત્રેય મંદિર બન્યું. એવી જ રીતે સ્વામી સમર્થ મહારાજની પાદુકાઓને પણ અહીં રાખવામાં આવેલી છે. આ પવિત્ર પાદુકાઓને દર ગુરુવારે સાંજે અને ખાસ પ્રસંગોએ ભક્તોને બતાવવામાં આવે છે.