નવકારનું મહત્ત્વ જાણ્યા પછી આજથી દરરોજ નવકારનો જાપ કર્યા વિના રહી નહીં શકો

09 April, 2025 11:39 AM IST  |  Mumbai | Ruchita Shah

જે મંત્રને સમસ્ત જૈન શાસનનો સાર માનવામાં આવે છે એવા નવકાર મંત્રની આજે દુનિયાભરમાં વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ નિમિત્તે નવકારનું મહત્ત્વ, એના જાપની વિધિ, એના પ્રભાવ સાથે સંકળાયેલી અનોખી વાતો વિગતવાર જાણીએ

નવકાર મંત્ર

એક એવો મંત્ર જેને તમામ ધર્મશાસ્ત્રોનો સાર માનવામાં આવતો હોય, એક એવો મંત્ર જેમાં બધું જ સમાઈ ગયું એવું માનવામાં આવતું હોય, એક એવો મંત્ર જેને તમામ મંગળમય વસ્તુઓમાં પ્રથમ મંગળ તરીકે ઉલ્લેખાતો હોય, એક એવો મંત્ર જેના સ્મરણ વિના એકેય ધાર્મિક કાર્યનો આરંભ કે પૂર્ણાહુતિ ન થાય, એક એવો મંત્ર જેને સંપૂર્ણ જ્ઞાનના જાણકારો પણ સર્વોપરી ગણે અને અંતિમ સમયે તમામ શાસ્ત્રોને બાજુ પર રાખીને જેનું સ્મરણ કરે, એક એવો મંત્ર જેનો સ્વભાવ જ કલ્યાણકારી છે અને જેના એક-એક અક્ષરમાં રહેલી દૈવી શક્તિ એના ઉપાસકનાં સંકટોને હરીને આધ્યાત્મિક ઉન્નતિના પંથે અગ્રેસર બનાવવા સમર્થ હોય અને એવા પ્રત્યક્ષ દાખલાઓ પણ હોય, એક એવો મંત્ર જેના ગુણોનું વર્ણન શબ્દોમાં કરવામાં તમામ શાસ્ત્રો અને શાસ્ત્રના અભ્યાસુઓ પણ ઊણા ઊતર્યા હોવાનો એકરાર કરી ચૂક્યા હોય, અને સૌથી મજાની વાત કે એક એવો મંત્ર જેમાં એકેય ભગવાન કે સાધુ કે સંતનું વ્યક્તિગત નામ સુધ્ધાં ન હોય છતાં જેના સ્મરણથી એ તમામને નમન થઈ જાય એવા અનોખા અને સોએ સો ટકા સેક્યુલર કહી શકાય એવા મંત્રની આજે આપણે વાત કરવાના છીએ; કારણ કે આજે જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (JITO)ના ઉપક્રમે દુનિયાભરમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ની ઉજવણી થઈ રહી છે. આજે આખી દુનિયામાં કરોડો લોકો દ્વારા સામૂહિક નવકાર મહામંત્રનો જાપ થશે ત્યારે આ મહામંત્રની ખાસિયતો અને વિશેષતાઓ સાથે આ મંત્રના નિયમિત જાપને કારણે જીવનમાં ક્રાન્તિ લાવનારા લોકોના અનુભવો પણ જાણીએ.

હર મર્ઝ કી દવા

જૈન દર્શને વિશ્વને અધ્યાત્મ અને આચારવિચારની બાબતમાં ઘણાં અણમોલ નજરાણાંઓ આપ્યાં છે પરંતુ એ બધાંથી સર્વોપરી કંઈ હોય તો એ છે પંચમંગલ મહાશ્રુત સ્કંધ એટલે કે નમસ્કાર મહામંત્ર. જૈન દર્શન જેને શાશ્વત મંત્ર ગણે છે એટલે કે એવો મંત્ર જેનો ક્યારેય નાશ નથી થવાનો. આ મંત્રના મહત્ત્વ પર નિયમિતપણે લેક્ચર્સ કરતા અને એને લગતાં અનેક અનુષ્ઠાનો દ્વારા સામૂહિક જાપ કરાવતા કાંદિવલીના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અતુલ શાહ કહે છે, ‘જૈન શાસ્ત્રોમાં નવકાર મહામંત્રનો મહિમા જે રીતે ગવાયો છે અને જૈન પરંપરામાં નવકાર મહામંત્રના જાપથી અકલ્પનીય પરિણામો મેળવનારા સાધકોની અનુભૂતિનાં વર્ણનો જાણીએ તો આપણી અક્કલ કામ ન કરે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તમામ કર્મનો ક્ષય કરવા માટે અને તમામ પ્રકારના સુખને પામવાનો એકમાત્ર અકસીર રસ્તો કોઈ હોય તો એ છે નવકાર મહામંત્ર. નવકારના દરેક અક્ષરમાં ૧૦૦૮ વિદ્યાદેવીઓનો વાસ છે અને કુલ ૬૮ અક્ષરમાં ૬૮,૫૪૪ વિદ્યાદેવીઓનો વાસ છે. ધ્યાનપૂર્વક નવકારનું સ્મરણ કરનારાને આ વિદ્યાદેવીઓ હમહંમેશ સહાય કરવા તત્પર હોય છે. શ્રી નમસ્કાર મહામંત્ર શ્રી બૃહદ્ફલ પ્રકરણમાં જણાવાયું છે કે લાંબા કાળ સુધી તપ કર્યાં, ચારિત્ર પાળ્યું, શાસ્ત્રો ભણ્યાં પરંતુ નવકાર મહામંત્ર પ્રત્યે પ્રીતિ ન થઈ તો બધું જ વ્યર્થ છે. મંત્રની શક્તિ અદ્ભુત છે. અત્યારે પરમાત્મા ભલે દેહસ્વરૂપે આપણી સાથે નથી પરંતુ મંત્રચૈતન્ય રૂપે સાથે જ છે અને એટલે જ અસંભવ લાગે એવું બધું જ મંત્રશક્તિથી સંભવ બની જાય છે. નમસ્કાર મહામંત્રમાં એકાકાર થાઓ તો જ્ઞાનની બાવન વર્ણ માતૃકાઓ કૃપા કરે. સરસ્વતી માતાને આમંત્રણ ન આપવું પડે. નિગોદથી નિર્વાણ સુધીની પ્રોસેસમાં રોડમૅપ બનાવવાનું નવકાર થકી સંભવ છે. પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર નિષ્ફળ નથી જતો. આપણી ગણતરી ટૂંકી પડે એવા પાપકર્મનો ક્ષય નવકારના જાપથી સંભવ છે.’

૧૦૦૮ નવકારનો જાપ શું કામ?

નમસ્કાર સ્વાધ્યાય નામના ગ્રંથમાં લખ્યું છે કે સાધક દરરોજ ૧૦૦૮ નવકાર ગણે તો આંતરસ્ફુરણા તેના માટે સહજ બને છે અને સંકટો તેનાથી દૂર ભાગે છે. ધારો કે એકલાથી ન પહોંચાય તો પરિવારમાં બધા જ ભેગા થઈને ૧૦૦૮ નવકારનો જાપ કરે તો પરિવારનાં સંકટો સામે રક્ષાકવચ નિર્માણ થતું હોય છે. નવકાર મહાંત્ર
પર ૬૮ ગ્રંથો લખનારા નવકારવાળા મહારાજ તરીકે જાણીતા પંન્યાસજી ભદ્રંકરવિજયજીએ કહ્યું છે કે જે લોકો ૧૦૦૮ નવકારનો નિયમિત જાપ કરે એ સિમંધર સ્વામી ભગવાન પાસે પોતાનું આરક્ષણ કરાવે છે.

જાપના પ્રકાર

સંપૂર્ણ જિનશાસનનો સાર નવકારમાં છે અને નવકારનો સાર સાત અક્ષરથી બનેલા એના પહેલા પદમાં છે એવું શ્રી ભદ્રંકર વિજયજી કહેતા એના ઉલ્લેખ સાથે જાપની એક વિધિ દર્શાવતા અતુલભાઈ કહે છે, ‘નમો અરિહંતાણં આ સાત શબ્દોને છૂટા પાડીને એક-એક શબ્દએ બોલતા જાઓ અને જમણા હાથની અનામિકા આંગળીથી ‘ન’ના ઉચ્ચારણ સાથે જમણા કાન પર, ‘મો’ના ઉચ્ચારણ સાથે ડાબા કાન પર, ‘અ’ના ઉચ્ચારણ સાથે જમણી આંખ પર, ‘રિ’ના ઉચ્ચારણ સાથે ડાબી આંખ પર, ‘હં’ના ઉચ્ચારણ સાથે જમણી નાસિકા પર, ‘તા’ના ઉચ્ચારણ સાથે ડાબી નાસિકા પર અને છેલ્લે ‘મ’ના ઉચ્ચારણ સાથે મુખ પર સ્પર્શ કરો તો એ તમારી આંખ, કાન, નાક અને મુખ આ ચાર ઇન્દ્રિયોની ક્ષમતાને વધારવાનું કામ અકલ્પનીય રીતે કરે છે.’

નવકારના જાપમાં જ્યારે કોઈક વિશેષ સિદ્ધી જોઈતી હોય ત્યારે ‘ૐ હ્રીં ૐ નમો અરિહંતાણં’ એમ દરેક પદ સાથે ૐ હ્રીં ૐ ઉમેરવાથી ઝડપથી લાભ થાય છે. જીવનમાં પ્રતિકૂળ વાતાવરણ હોય અને સતત સંકટો ચાલતાં હોય ત્યારે નવકારને ઊંધો ગણવાથી પણ વિશેષ લાભ થાય છે. અતુલભાઈ ઉમેરે છે, ‘સામાન્ય રીતે કોઈ મંત્રને ખોટી રીતે ગણો કે ઊંધોચત્તો ગણો તો એના અધિષ્ટાયક દેવ કોપાયમાન થાય છે, પરંતુ નવકાર એકમાત્ર મંત્ર એવો છે જેને તમે જેમ ગણો એમ એ માત્ર સારું જ ફળ આપે. અરે ત્યાં સુધી કહેવાયું છે કે કોઈકની શક્તિ ન હોય અને માત્ર એક અક્ષરનું સ્મરણ કરેને તો પણ એનો અકલ્પનીય લાભ મળે અને કર્મનો નાશ થાય એવાં શાસ્ત્રીય વિધાનો છે. એટલે કે અરિહંતનો ‘અ...’ એમ માત્ર એક જ અક્ષર ભાવ સાથે બોલો અને પરિણામ મળે એવા દાખલાઓ છે આપણી પાસે. આજની ભાષામાં એમ કહી શકાય કે આપણા આત્મપ્રદેશના હાર્ડવેર પર નમસ્કાર મહામંત્રનો સૉફ્ટવેર મૂકવાથી આત્મકલ્યાણનો માર્ગ આવ્યા વિના રહેશે નહીં. ગૂગલ જ્યાં થાકશે ત્યાં નવકાર હાથ પકડીને લઈ જશે.’

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી એયોગશાસ્ત્ર નામના ગ્રંથના આઠમા પ્રકાશમાં નવકારનું પદસ્થ ધ્યાન કરવાનો પ્રયોગ બતાવ્યો છે. અહીં આપેલી કમળની આકૃતિ જુઓ. કમળબંધ રંગો સાથે પદો સાથે ધ્યાનપૂર્વક એક નવકાર ગણવાથી એક કરોડ નવકારનું ફળ મળે છે.

અતુલ શાહ

નવકાર મંત્ર અને એનો શાબ્દિક અર્થ

 નમો અરિહંતાણં

હું અરિહંતોને નમસ્કાર કરું છું જેમણે રાગ અને દ્વેષ જેવા અરિ એટલે કે પોતાના આંતરશત્રુઓને હણ્યા છે.

 નમો સિદ્ધાણં

હું સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું જેમણે પોતાનાં તમામ કર્મોનો ક્ષય કર્યો છે અને સિદ્ધ ગતિને વર્યા છે.

 નમો આયરિયાણં

હું આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું જેઓ સદાચારનું પાલન પોતે પણ કરે છે અને અન્યને પણ કરાવે છે.

 નમો ઉવજ્ઝાયાણં

હું ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું જે સમ્યક્ જ્ઞાન આપે છે અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.

 નમો લોએ સવ્વ સાહૂણં

હું સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું જે ગમેતેવા કપરા સંજોગોમાં સહનશક્તિ જાળવી રાખે અને નિયમોનું સુપેરે પાલન કરે છે.

 એસોપંચનમોક્કારો

આ પાંચને કરેલા નમસ્કાર

 સવ્વપાવપ્પણાસણો

સર્વ પાપોને દૂર કરનાર છે.

 મંગલાણં સવ્વેસિં

અને સર્વ મંગલોમાં

 પઢમં હવઈ મંગલં

પ્રથમ એટલે કે શ્રેષ્ઠ મંગલ છે.

નવકાર લખવાના લાભ

કૌષા મહેતા હસબન્ડ સાથે.

નવકારના જપ સાથે નવકાર લેખનનું પણ પોતાનું મહત્ત્વ છે, કારણ કે નવકાર લેખનમાં પાંચેય ઇન્દ્રિયોની એકાગ્રતા સાથે લેખન થતું હોય છે. પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ અને દરરોજના ૧૦૮ નવકાર લખતા મુનિશ્રી દિવ્યપદ્મવિજયજી મહારાજની પ્રેરણાથી લગભગ ચાર કરોડ કરતાં વધુ નવકાર લેખન થઈ ચૂક્યું છે. એક જ પાના પર ૧૨, ૨૪, ૪૮, ૫૪ અને ૧૦૮ નવકાર લખી શકાય એવી પુસ્તિકાઓ ઉપલબ્ધ છે. નવકાર લેખનથી જીવનમાં અનેક બદલાવો જોનારા લોકોના અનુભવોની પણ એક પુસ્તિકા બહાર પડી છે. પોતાનો અનુભવ શૅર કરતાં કૉલેજમાં પ્રોફેસર તરીકે સક્રિય કૌષા મહેતા કહે છે, ‘પૂજ્ય હેમવલ્લભ મહારાજની પ્રેરણાથી નવકાર લેખનની મેં શરૂઆત કરી ત્યારે સંઘર્ષોનો પાર નહોતો. દીકરાની બન્ને કિડની ફેલ હતી. તબિયત ખૂબ ખરાબ હતી. માનસિક રીતે ભયંકર પરિતાપ હતો, પરંતુ આ લેખનકાર્યથી એક જુદા જ પ્રકારનું આત્મબળ ડેવલપ થયું. મનમાં શાંતિ અને સમાધિ આવતાં ગયાં અને દીકરાનું કિડની-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન પણ ધાર્યા કરતાં વધુ સફળતા સાથે પાર પડ્યું. એ પછી જીવનમાં પાછું વળીને જોવું નથી પડ્યું. મારી સાથે મારા હસબન્ડ પણ નવકાર લેખનના કાર્યમાં જોડાયા. ૨૦૧૭થી નવકાર લેખન શરૂ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે હું અને મારા હસબન્ડ દરરોજના ૫૪-૫૪ નવકાર લખતા. દીકરાનું પહેલા જ અટેમ્પ્ટમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પરીક્ષા પાસ કરવી, તેની ઇચ્છા મુજબ અમેરિકામાં જૉબ માટે જવું, હેલ્થમાં, કરીઅરમાં, અમારા પોતાના જીવનમાં નવકાર લેખનના આરંભ પછી ઘણા પૉઝિટિવ બદલાવ આવ્યા છે. અમને મહારાજસાહેબે તો માનસિક સમાધિ રહે એ જ આશયથી નવકાર લખવાની પ્રેરણા કરી હતી, પરંતુ સાચું કહું તો એની શરૂઆત પછી માત્ર માનસિક કે આધ્યાત્મિક જ નહીં પણ ભૌતિક, પારિવારિક, વ્યવહારિક એમ દરેક સ્તર પર જીવનને પલટાતું અમે જોયું છે. આ ચમત્કાર છે કે નહીં એ તો ખબર નથી પરંતુ નવકારનો પ્રભાવ તો ચોક્કસ છે જ.’

નવકાર ગણો તો શરીર પર શું અસર પડે?

રાહુલ કપૂર જૈન

નવકાર ગણવાના શારીરિક-માનસિક લાભો અપરંપાર છે પરંતુ શું વૈજ્ઞાનિક પૅરામીટર્સ પણ એને સપોર્ટ કરે છે એ જાણવાના પહેલવહેલી વાર પ્રયાસો શરૂ થયા છે. આ વખતે પહેલી વાર નવકાર મંત્રના જાપથી ઇન્સ્ટન્ટ લેવલ પર શું થાય છે એનો પ્રયોગ થયો. જુદી-જુદી અવસ્થામાં રહેલા નવકાર ગણો તો એનાં શું પરિણામ આવે છે એના પર રિસર્ચ વર્ક શરૂ થઈ ગયું છે અને નવકારનો સામૂહિક જાપ પૃથ્વીના મૅગ્નેટિક તરંગોને કઈ રીતે પ્રભાવિત કરશે અને સામૂહિક ચેતના વિશ્વશાંતિમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એ વિષય પર કૅલિફૉર્નિયાની હાર્ટ મેથ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રિસર્ચ થવાનું છે. એ સિવાય વિશ્વપ્રચલિત નિમહેન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રિસર્ચ કાર્ય થઈ રહ્યું છે. આવનારા એકાદ વર્ષમાં એનાં પરિણામો પણ જાહેર થશે. જોકે અત્યારે ઇન્સ્ટન્ટ નવકારની શું અસર થાય છે એ વિશે જાણવા ઇઝરાયલના અત્યંત આધુનિક એવા બાયોફીડબૅક મશીન પર પ્રયોગ થયો એ વિશે નવકારને લગતાં તમામ રિસર્ચોને લીડ કરી રહેલા માઇન્ડસેટ કોચ રાહુલ કપૂર જૈન ‘મિડ-ડે’ને કહે છે, ‘૪૨ મિનિટ માટે નવકારનો જાપ કર્યા પછી પાંચ પૅરામીટરમાં અમને અદ્ભુત પરિણામ મળ્યું. સૌથી પહેલાં સ્કિન કન્ડક્ટર ટેસ્ટના રેટિંગ ૧૭માંથી ૧૨ પર પહોંચી ગયા, જે સ્ટ્રેસ રિડક્શન સાથે જ સંભવ છે. શરીરનું તાપમાન પચીસ ડિગ્રી સેન્ટિગ્રેટથી વધીને ત્રીસ ડિગ્રી સેન્ટિગ્રેટ થઈ ગયું, જે ગહન રિલૅક્સેશનને સૂચવતું હતું. હાર્ટરેટ ૭૮ હતો, જે પણ ડીપ રિલૅક્સેશનનો સૂચક હતો. હાર્ટરેટ વેરિએબિલિટી પણ રિલૅક્સેશન તરફ ઇન્ડિકેશન આપનારો હતો. બ્રીધિંગ રેટ જે સામાન્ય રીતે ત્રણથી ચાર સેકન્ડનો હોય, એ ૯.૬૫ પર હતો જે પણ બ્રેઇનવેવ્સની સૂધિંગ ઇફેક્ટને સૂચવતો હતો. આજના ટૉપના ઍથ્લીટ્સ આ પ્રકારના બાયોફીડબૅકની મદદથી પર્ફોર્મન્સ માટેની ક્ષમતા ચેક કરતા હોય છે. ઍડ્વાન્સ હોવા છતાં એમ કહી શકાય કે આ અતિશય પ્રારંભિક લેવલનો અભ્યાસ છે પરંતુ એમાં પણ અતિશય સૅટિસ્ફૅક્ટરી પરિણામ મળ્યું છે, જે સૂચવે છે કે નવકાર મંત્રનો જાપ માત્ર આધ્યાત્મિક ઉન્નતિમાં જ નહીં પણ શારીરિક અને માનસિક સ્થિતિને બહેતર બનાવવા માટે પણ ઉપયોગી છે એવું વૈજ્ઞાનિક એરણ પર પહેલા જ અભ્યાસમાં સિદ્ધ થયું છે. જોકે હું તો એમ જ કહીશ કે આ હજી શરૂઆત છે.’

રોજની ૩૦૦ નવકારવાળી ગણવાની પણ ૭૯ વર્ષની ઉંમરે

જિતેન્દ્ર શાહ

પિતાજી નવકારનું લેખન કરતા અને પિતાજીના ગયા પછી હવે એ પરંપરાને તમે આગળ વધારો એવું પંદર વર્ષ પહેલાં જિતેન્દ્ર શાહને તેમની પત્નીએ કહ્યું. દરરોજના માત્ર બાર નવકાર લખવાનો નિયમ લેનારા જિતેન્દ્રભાઈ નવકારનો કલાકો સુધી જાપ કરનારા ક્યારે થઈ ગયા અને એના પ્રભાવને કારણે અઢળક વાર મોતને હાથ તાળી આપીને પાછા આવી ગયા એ કિસ્સાઓ વર્ણવતી વખતે તેમના અવાજમાં એક જુદો જ રોમાંચ છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જિતેન્દ્રભાઈ કહે છે, ‘બાર નવકાર લખવાનું શરૂ કર્યું ત્યારે સંકલ્પ કર્યો કે એક લાખ નવકાર લખવા. એ ટાર્ગેટ પૂરો કરવામાં સાડાત્રણ વર્ષ નીકળી ગયાં. એ દરમ્યાન આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજ ઉપકારી બનીને આવ્યા અને તેમણે નરક અને તિર્યંચની ગતિ ન જોઈતી હોય તો નવ લાખ નવકાર ગણવાની પ્રેરણા કરી. એ સમયે મેં તેમને કહ્યું કે એક લાખ નવકાર લખવામાં તો સાડાત્રણ વર્ષ નીકળી ગયાં. નવ લાખ નવકાર આ જનમમાં તો નહીં જ લખાય. ત્યારે તેમણે કહ્યું કે માળા ગણો, થઈ જશે. તેમના વિશ્વાસ સાથે શરૂ કર્યું. એ પછી તેમની જ સાથે માત્ર આચાર્ય મહારાજ જ કરી શકે એવી સૂરિમંત્રની સાધના વખતે પણ તેમની પરવાનગી સાથે તેમના સાંનિધ્યમાં રહીને જાપ શરૂ કર્યો. સ્પીડ અને એકાગ્રતા વધતાં ગયાં. એક સમય એવો આવ્યો કે દરરોજની ૧૦૮ માળા તો સહજ ગણાઈ જાય. આંકડો વધતાં-વધતાં ત્રણસો પર પહોંચ્યો છે. શરૂઆતમાં નિયમ હતો કે જ્યાં સુધી ૧૦૮ માળા ન ગણાય ત્યાં સુધી આહારપાણી લેવાં નહીં. હવે તબિયતને કારણે ક્યારેક એમાં છૂટ લઉં છું. એક સમય એવો હતો જ્યારે ૩૦૦ નવકારવાળીનો સંપૂર્ણ જાપ ઊભા-ઊભા કરતો અને કલાકો સુધી ઊભો રહેતો. હવે બેસવાની છૂટ લીધી છે. જોકે નવકાર જાપ પછી મારા જીવનમાં ધર્મનો પ્રવેશ અકલ્પનીય રીતે થયો છે અને જે સમાધિ માનસિક રીતે અનુભવું છું એનું તો વર્ણન થઈ શકે એમ નથી.’

નવકારના જાપ થકી હીલિંગ કરતા ભાઈ નવકારવાળા ભૈયા તરીકે ઓળખાય છે

પ્રોફેસર તરીકે કૉલેજમાં લેક્ચરર તરીકે સક્રિય સાથે ટ્યુશન્સ લઈને પોતાનું ગુજરાન ચલાવતા અને LLB સહિતની ઢગલાબંધ ડિગ્રીઓ ધરાવતા ૪૩ વર્ષના નિશિત શાહના જીવનમાં નવકાર થકી અકલ્પનીય પરિવર્તન આવ્યું છે અને હવે નવકારની તેમની અવિરત સાધનાની અસરરૂપે અનેક સાધુ-સાધ્વી, તપસ્વીઓની તકલીફો દૂર કરવામાં પણ તેઓ નિમિત્ત બન્યા છે. નવકારના જાપ થકી હીલિંગ કરતા નિશિતભાઈ કહે છે, ‘જૈન કુટુંબમાં જન્મ્યા હો એટલે બાળપણથી જ નવકાર ગણવાનું સહજ શીખવવામાં આવે. નાનપણથી જ હું બીજી એકેય ધાર્મિક ક્રિયાઓ ન કરું, પણ નવકાર ગણું. કોઈ પણ જાતની સમજણ વિના સહજપણે નવકાર મારા મનમાં વસી ગયો હતો અને સતત મારા મનમાં એનો જપ ચાલતો હોય. એક વાર મને મનમાં જ પ્રેરણા થઈ કે ગચ્છાધિપતિ જયઘોષસૂરિ મહારાજ પાસે જઈને નવકાર લે. એ સમય સુધી મને એ પણ ખબર નહોતી કે જયઘોષસૂરિ મહારાજ કોણ છે, ક્યાં છે અને શું કરે છે. પણ તપાસ કરીને તેમને શોધી કાઢ્યા, તેમની પાસે ગયો અને તેમને આખો ઘટનાક્રમ કહ્યો. તેમણે પૂછ્યું, ‘તમે ઉપધાન કર્યાં છે?’ મેં ના પાડી. અન્ય કોઈ ધાર્મિક ક્રિયાઓ નથી કરતો એ જાણ્યા પછી તેમણે મને નવકાર સંભળાવવા માટે પહેલાં અસહમતી દેખાડી. જોકે મેં મારા નવકારના જાપનું કહ્યું અને એ પછી થોડીક ક્ષણો માટે આંખો બંધ કરીને તેમણે ધ્યાન કર્યું અને બસ, પછી મને નવકાર મંડાવ્યો. એ દિવસ અને આજનો દિવસ. ધર્મની દૃષ્ટિએ તો નવકાર મને પોતાને ફળ્યો જ છે પણ ઘણા સાધુ-સાધ્વીજી મહારાજના જીવનમાં દૈહિક સંકટોમાં પણ નવકાર થકી હીલિંગ કરવામાં હું નિમિત્ત બની શક્યો છું.’

આપણી બુદ્ધિને ન સમજાય એને આપણે ચમત્કાર માનીએ છીએ અથવા તો એવી વાતોને અતાર્કિક ગણીને ફગાવી દઈએ છીએ પરંતુ મંત્રની શક્તિના આપણા પૂર્વજોએ ભરપૂર પ્રયોગો કર્યા છે. મંત્રના અધિષ્ઠાયકો પોતાની રીતે એના સાધકોની સહાય કરીને અસંભવ લાગતાં કાર્યો પાર પડાવતા જ હોય છે. નવકાર થકી હીલિંગ કર્યાના એવા અકલ્પનીય અને પુરાવા સહિતના અનેક દાખલાઓ નિશિતભાઈ પાસે છે જેને લખવા બેસીએ તો પુસ્તક લખાઈ શકે.

આજે ક્યાં અને કેવી રીતે કરશો નવકારનો જાપ?

આજે સવારે ૮.૦૧ વાગ્યાથી લઈને ૯.૩૬ વાગ્યા સુધી ભારતમાં ૬૦૦૦ કરતાં વધુ ઠેકાણે અને ૧૦૮ કરતાં વધુ દેશોમાં નવકારનો સામૂહિક જાપ થવાનો છે અને એ જાપની પૃથ્વીના ઇલેક્ટ્રોમૅગ્નેટિક વેવ્સ પર શું અસર પડશે એનું વૈજ્ઞાનિક રિસર્ચ પણ થવાનું છે. આ સંદર્ભે જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર હેમેન શાહ કહે છે, ‘આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દુનિયાના ઘણા નામાંકિત લોકો આ સામૂહિક જાપનો હિસ્સો બનવાના છે ત્યારે અમે દરેકને અપીલ કરીએ છીએ કે તમે પણ અચૂક જોડાઓ. સંભવ હોય તો સામૂહિક જાપના સમયે જ તમારી આસપાસના દેરાસર-ઉપાશ્રય કે અન્ય સંકુલમાં સામૂહિક જાપનો હિસ્સો વ્યક્તિગત બની શકો. ધારો કે ક્યાંય જવું સંભવ ન હોય તો પારસ અને જિનવાણી ચૅનલ સામૂહિક જાપનું લાઇવ ટેલિકાસ્ટ થશે ત્યારે એના માધ્યમે ઘરે પણ જોડાઈ શકો. નવકાર યુનિવર્સલ મંત્ર છે અને આ આખું આયોજન માત્ર જૈનો પૂરતું મર્યાદિત નથી પરંતુ તમામ જાતિ-જ્ઞાતિના લોકો એમાં હિસ્સો લઈ શકે છે. પુરુષો સફેદ વસ્ત્રમાં અને બહેનો લાલ વસ્ત્રમાં તમારા ઈષ્ટદેવની સામે ૧૦૮ મણકાની નવ માળા ગણીને નવકારનો જપ કરી શકો છો. આ સામૂહિક જાપમાં અમેરિકા, યુરોપિયન દેશો, મિડલ ઈસ્ટ દેશો, આફ્રિકન દેશો મળીને ૧૦૮થી વધુ દેશના નાગરિક સામેલ થવાના છે.’

jain community culture news religion columnists life and style gujarati mid-day mumbai ruchita shah