રાતોરાત પ્રભાવમાં આવીને કશું છોડી દેવાની માનસિકતાથી કશું નથી વળતું

17 March, 2025 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાગરને શાંત જોઈને નાવિક સાગરની યાત્રાએ નીકળી તો પડે છે પરંતુ અચાનક સાગર તોફાને ચડે છે અને તેની કુશળતાની ત્યાં કસોટી થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર

સાગરને શાંત જોઈને નાવિક સાગરની યાત્રાએ નીકળી તો પડે છે પરંતુ અચાનક સાગર તોફાને ચડે છે અને તેની કુશળતાની ત્યાં કસોટી થઈ જાય છે. કમનીય રૂપ જોઈને યુવક યુવતીને જીવનમાં પત્નીનું સ્થાન આપવા તૈયાર તો થઈ જાય છે પરંતુ રસોઈ કરતાં પત્નીને અચાનક ગૅસની ઝાળ લાગી જાય, તેની ચામડી વિરૂપ થઈ જાય ત્યારે તેની પત્ની પ્રત્યેની આત્મીયતાના સંબંધની કસોટી થઈ જાય છે અને એટલે જ કહેવાયું છે કે શાંતિના સમયમાં લીધેલા નિર્ણયો વાવાઝોડાના સમયમાં ટકવા ખૂબ મુશ્કેલ છે.

સત્ત્વ જો મજબૂત હોય અને છાતી જો પ૬ની હોય છે તો જ શાંતિના સમયમાં લીધેલા નિર્ણયો વાવાઝોડાના સમયમાં ટકી રહે છે અન્યથા એ નિર્ણયોનું બાષ્પીભવન થઈ જતાં વાર નથી જ લાગતી.

સંસારના ક્ષેત્રમાં આ વાત કેટલી સાચી હશે એની તો ખબર નથી પરંતુ અધ્યાત્મ જગતમાં તો આ વાત સો ટકા સાચી છે. સ્વસ્થતાના સમયમાં તમને સમજાય સંસારનું સ્વરૂપ, વ્યસનોની ભયંકરતા, પાપની ખતરનાકતા, કુનિમિત્તોની જાલિમતા, ધર્મની તારકતા, સદ્ નિમિત્તોની અસરકારતા પણ ખરેખર જીવનમાં જ્યારે એને અમલી બનાવવા જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે લોખંડના ચણા મીણના દાંતે ચાવવા હજી કદાચ સહેલા છે, ઊલટા પ્રવાહમાં તરી જઈને સામે કિનારે પહોંચી જવું હજી કદાચ સરળ છે પરંતુ પ્રાપ્ત થયેલી સમ્યક્ સમજણને અમલી બનાવવી તો એથીયે વધુ કઠિન છે.

કારણ?

સંસ્કારો વિપરીત છે એ તો સમજ્યા પરંતુ વાતાવરણ જ વિપરીત છે. તમે રહેવા માગો છો સંયમી, સર્વત્ર સ્વચ્છંદી બનાવતું વાતાવરણ છે. તમે રહેવા માગો છો પવિત્ર, સર્વત્ર વ્યભિચારની આલબેલ પોકારતું વાતાવરણ છે. તમે ઇચ્છો છો સારા બન્યા રહેવાનું, ખરાબ બનવાની ભરપેટ અનુકૂળતાઓ કરી આપતા વાતાવરણની સર્વત્ર બોલબાલા છે. ટૂંકમાં ગલત સ્થાન, ગલત સંગ બની જવા કેટલુંબધું પ્રચંડ સત્ત્વ ફોરવવું પડશે એ તો અનુભવ કરશો ત્યારે જ સમજાશે. રાતોરાત પ્રભાવમાં આવીને કશું છોડી દેવાની માનસિકતા રાખવાથી કશું નથી વળવાનું કારણ કે પ્રભાવ વચ્ચે છોડી દેવામાં આવેલી વસ્તુ કે વ્યસન સમય જતાં ફરી અંદરથી બહાર આવવા માટે જોર કરે જ છે અને એ જોર કરે ત્યારે આકરી પરીક્ષા પણ લે. સાચી રીતે જીવવા માટે અને સારી રીતે જીવવા માટે એટલું જ મક્કમ થવાનું છે જેટલી મક્કમતા સંયમ જાળવવા માટે રાખવાની હોય.                     - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

mental health health tips culture news life and style gujarati mid-day columnists mumbai