વિચારથી માંડીને ધર્મ સુધ્ધાંમાં સ્થગિતતા આવે તો એ દુખી કરે

04 July, 2025 01:00 PM IST  |  Mumbai | Swami Satchidananda

જે કંઈ વિચારવાનું, નિર્ણિત કરવાનું હતું એ બધું ધર્મગ્રંથમાં આવી ગયું હોય એ જ પણ યુરોપે એમાંથી બહાર આવવાની જાગૃત પેરવી કરી અને એનું એને પરિણામ પણ મળ્યું.

સ્વામી સચ્ચિદાનંદ

જ્યારે પણ ધર્મમાં સ્થગિતતા આવી છે ત્યારે એણે સમાજમાં દુઃખ વધારવાનું કામ કર્યું છે. આપણે ધર્મ સ્થગિત થતો જોયો છે પણ એક સમય હતો જ્યારે આપણા કરતાં પણ યુરોપ ધર્મના નામે વધુ સ્થગિત થઈ ગયું હતું, નવું વિચારી જ શકતું નહોતું. જે કંઈ વિચારવાનું, નિર્ણિત કરવાનું હતું એ બધું ધર્મગ્રંથમાં આવી ગયું હોય એ જ પણ યુરોપે એમાંથી બહાર આવવાની જાગૃત પેરવી કરી અને એનું એને પરિણામ પણ મળ્યું.

એ કાળમાં યુરોપમાં એવું જ માનવામાં આવતું હતું કે વિશ્વના આદિથી અંત સુધીની બધી વાતો વિચારવામાં આવી છે, એનાથી જુદું વિચારવું એ શેતાની પ્રક્રિયા છે. પ્રજા આ રીતે સ્થગિત થઈ ગઈ હતી. આ સ્થગિત પ્રજાનાં સેંકડો વર્ષ એવી માન્યતાઓ તથા રૂઢિઓમાં વીત્યાં કે આજે તો એ નિતાંત હાસ્યાસ્પદ લાગે. આજે આપણને લાગે કે શું યુરોપની પ્રજા આવું પણ માનતી હતી? અરે, આવું પણ જીવતી હતી?   

આજે કોઈ કાશીમાં કરવત લેવા જાય તો આખો દેશ ખળભળી ઊઠે, એને કરવત ન દે પણ પ્રાચીન કાળમાં ઢોલનગારાં સાથે આ પ્રક્રિયા થતી, કશા જ ખળભળાટ વિના. થોડાં વર્ષો પહેલાં રાજસ્થાનમાં કોઈ સ્ત્રીને પતિના મૃત્યુ પાછળ સતી થવાની ઇચ્છા થયેલી. ઠેઠ લોકસભા સુધી મોટો ખળભળાટ થયો, પણ પ્રાચીન કાળમાં તો આવી સેંકડો સ્ત્રીઓ મંત્રવિધિઓ સાથે વાજતે-ગાજતે સતી થતી. અરે, જે સતી થવા રાજી નહોતી તેને હાથ પકડીને, ઢસરડીને અગ્નિકુંડ પાસે લાવીને સતી કરવામાં આવતી.

પ્રાચીન કાળની અસંખ્ય માન્યતાઓ તથા રૂઢિઓ આજે રહી નથી; એને દૂર કરવા કેટલાય ગૅલિલિયો, બ્રુનો, સર્વેટસ, દયાનંદ જેવા મહાનુભાવોએ બલિદાન આપવા પડ્યાં છે. અસંખ્ય યાતનાઓ અને બલિદાન પછી યુરોપ સ્થગિતતામાંથી બહાર નીકળ્યું અને જોતજોતામાં આખા વિશ્વ પર ફરી વળ્યું. જે પ્રજાઓ પ્રાચીન કાળનાં જ ગાણાં ગાતી રહી એ યુરોપની આધીનતામાં આવી ગઈ. ચિંતનની સ્થગિતતાએ તેમને પરાધીનતાની બેડી પહેરાવી દીધી.   

ભારતની પ્રજા સેંકડો વર્ષોથી ઉપરાઉપરી વિદેશીઓથી હારતી રહી, કારણ કે એ સ્થગિત થઈ ગયેલી હતી. વિદેશીઓ સામે કોઈ એકબે વાર તે ટક્કર લઈ શકી કે જીતી શકી, તો પણ પોતાની જીતને કાયમ ન રાખી શકી. જીવનના પૂરા ક્ષેત્ર પર મૌલિક ચિંતન કરી જ્યાં-જ્યાં એ સુધારવા જેવું હોય એને એ સુધારી ન શકી, કારણ કે સ્થગિતતાની શિલા તેના ગળામાં પડી હતી. જો આ શિલા વ્યક્તિગત રીતે પણ કોઈના ગળામાં આવીને પડે તો વ્યક્તિ પણ સ્થગિત થઈ જાય છે.

swami sachchidananda culture news religion religious places life and style columnists gujarati mid day mumbai