10 September, 2025 12:29 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
નિયમોને પણ જો સ્થગિત કરી દેવાય તો સમય આગળ નીકળી જાય અને નિયમો પાળનારો વર્ગ પાછળ રહી જાય અને અત્યારે લગભગ એવું જ થયું છે. પાંચસો-હજાર વર્ષ જૂના નિયમો એકવીસમી સદીમાં પણ જેમના તેમ પાળવામાં આવે તો એ મડદાને સલામત રાખવા જેવું થઈ જાય. ઘણા કહે છે કે અન્ય વસ્તુઓના ત્યાગની સાથે અમે વાહનનો પણ ત્યાગ કરી દીધો છે, અમે વાહન પર બેસતા જ નથી; પણ પ્રશ્ન એ થાય છે કે કેમ નથી બેસતા?
કસરતની દૃષ્ટિએ વાહનનો ઉપયોગ ટાળીને પગપાળા ચાલતા હો તો બહુ સારી વાત છે, એ કરવું જ જોઈએ, શરીરને કસરત મળશે તો જ તંદુરસ્તી અકબંધ રહેશે; પણ જો અધ્યાત્મની વાત આવે તો આવો નિર્ણય વાહિયાત લાગે છે. તમે જ કહો કે શું વાહનમાં ન બેસવાથી કે પછી વાહનનો વપરાશ ન કરવાથી માણસ વધુ જલદી આધ્યાત્મિક થઈ જાય છે? શું તેને જલદીથી ભગવાન મળી જાય છે કે પછી તે વધારે સુખી થાય છે? આવું તો કંઈ થતું દેખાતું નથી તો પછી આવું કરવાનું કારણ શું?
આવું કરીને પગપાળા જવાનો સીધો અર્થ એવો થાય કે અમદાવાદથી દિલ્હી પહોંચવામાં જ ત્રણેક મહિના નીકળી જાય. શું આ ૩ મહિના મૂલ્યવાન નથી? શું આ સમયની બરબાદી નથી? જેની પાસે સમયનો કશો ઉપયોગ જ નથી તે પત્તાં-ચોપાટ રમવામાં સમય પસાર કરે છે. શું આ રીતે પગપાળા જવાનો અર્થ પત્તાં-ચોપાટ જેવો તો નથી થતોને? માન્યું કે જેમનાથી ચાલી શકાય છે, જે થાકતા નથી તે ભલે ચાલે; પણ જેમનાથી ચાલી શકાતું નથી, જે જલદીથી થાકી જાય છે તેમના માટે પણ આવા નિયમો તો ત્રાસ કરનારા બની શકે છે.
શાસ્ત્ર જ કહે છે કે સેંકડો યોનિમાંથી પસાર થઈને છેક માનવભવ મળ્યો છે તો એ માનવભવનો આવો દુરુપયોગ શું કામ કરવાનો? સમય છે, એનો સદુપયોગ થવો જોઈએ. એક વાર મેં તાઇવાનમાં જોયું હતું. તાઇવાનમાં એક બૌદ્ધ સાધુ છે તે ખેતરમાં કામ કરતો હતો અને એ ખેતરનો જે મજૂર હતો તે ઝાડની નીચે આરામ ફરમાવતો હતો. મને નવાઈ લાગી એટલે મેં પૂછપરછ કરી તો મને કહેવામાં આવ્યું કે સાધુ માનવધર્મ નિભાવે છે અને જે નાનો માણસ છે, ગરીબ માણસ છે તેને આરામ કરવા મળે એવા હેતુથી ત્યાંથી પસાર થતા સાધુએ તેના કામની જવાબદારી લઈ લીધી અને પેલા માણસને આરામ આપ્યો. સ્થૂળ ધર્મની વાતોનું આંધળું અનુસરણ કરવા કરતાં માનવધર્મને વધારે મહત્ત્વ આપવામાં આવે તો એનાથી સંતોષ પણ મળે અને અન્યનું જીવન પણ સુધરે.