વિજ્ઞાને મરણનું પ્રમાણ ઘટાડ્યું, પણ અણસમજે સુખાકારી છીનવી લીધી

25 October, 2024 09:03 AM IST  |  Mumbai | Swami Satchidananda

દેશમાં બાળકો અને યુવાનોની સાથે વૃદ્ધોની સંખ્યા પણ વધી છે એટલે બન્ને પક્ષના પ્રશ્નોમાં ઉમેરો થયો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ છે પ્રજાવૃદ્ધિનો.

પ્રજા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અકબરના સમયમાં આખા હિન્દુસ્તાનની પ્રજા ૧૬ કરોડ હતી, અંગ્રેજોના સમયમાં એ વધીને ૪૦ કરોડ થઈ, જેમાં આજનું પાકિસ્તાન પણ આવી ગયું. ત્યાર પછી વૈદ્યકીય સગવડો વધી એટલે જન્મદર વધ્યો અને સામા પક્ષે મૃત્યુદર નીચો આવતો ગયો અને ઘટવાનો શરૂ થયો. પહેલાં ૧૦૦૦ પ્રસૂતિએ ૪પ૦ બાળકો અને માતાઓનાં મૃત્યુ થતાં હતાં. આ પ્રમાણ હવે ઘણું ઓછું થઈ ગયું છે, જેનું કારણ વૈદકીય સગવડ અને મેડિકલ ક્ષેત્રમાં આવેલી જાગૃતિ છે. આ પ્રમાણ ઘટ્યું છે તો બીજી તરફ લોકોનું આયુષ્ય પણ વધ્યું છે. પહેલાંના સમયમાં સાઠ પહેલાં મરનારાઓની સંખ્યાનો દર પણ બહુ મોટો હતો. હવે તો ૮૦-૯૦ અને એનાથી પણ વધારે ઉંમર સુધી લોકો જીવે છે. દેશમાં બાળકો અને યુવાનોની સાથે વૃદ્ધોની સંખ્યા પણ વધી છે એટલે બન્ને પક્ષના પ્રશ્નોમાં ઉમેરો થયો છે. બાળકો માટે દૂધથી માંડીને પોષણક્ષમ ખોરાક જેવી જરૂરિયાતો ઊભી થઈ છે તો એની સાથોસાથ શિક્ષણ માટે શાળાઓની પણ મોટી આવશ્યકતા ઊભી થઈ છે. આ બધાં કામમાં સરકાર પહોંચી શકતી નથી એટલે ખાનગીકરણનો આશરો લીધો અને વસ્તી કાબૂમાં ન રહી એટલે ખાનગીકરણ વધવા માંડ્યું. હરીફાઈ આવી એટલે ખાનગીકરણ મોંઘું બન્યું જેને લીધે જીવનનિર્વાહ પણ મોંઘો થયો છે.

આ વાત થઈ બાળકો અને કિશોર-યુવાનોની તો બીજી તરફ વૃદ્ધોનું આયુષ્ય વધ્યું છે, જેને લીધે જ્યાં જુઓ ત્યાં વૃદ્ધો દેખાય છે. સંયુક્ત કુટુંબ તૂટી રહ્યાં છે એટલે વધુ ને વધુ નવા-નવા આવાસોની જરૂરિયાત ઊભી થઈ છે. નગરો-કસબાઓ અને ગામડાંઓની સીમા દૂર-દૂર સુધી વધી રહી છે અને એ પછી પણ વસ્તીને પૂરતાં રહેઠાણ પ્રાપ્ત થઈ શકતાં નથી એટલે ઝૂંપડપટ્ટીઓ પણ વધી છે. એકપક્ષી ભાડાનો કાયદો પણ ઝૂંપડપટ્ટીઓ વધારવામાં કારણભૂત છે. વસ્તી વધી છે એટલે સામે વાહનો પણ વધ્યાં છે. અકસ્માતોનો પાર નથી તો વાહનોને કારણે પર્યાવરણ પણ ભયંકર રીતે દૂષિત થયું છે. ચોખ્ખી હવા કે ચોખ્ખું પાણી મળવું કઠિન બની ગયું છે. આયોજન વિનાનો આ દેશ ભયંકર અંધાધૂંધીમાં સપડાઈ રહ્યો છે. દેશનું અપરાધીકરણ બહુ ઝડપથી વધી રહ્યું છે. ડૉન અને બૂટલેગરોથી વસ્તી થરથર કાંપી રહી છે. બધા માટે વસ્તીવધારો જવાબદાર છે.

culture news life and style columnists