સેકન્ડ ઇનિંગ્સમાં સિરૅમિક શિલ્પી તરીકે કાઠું કાઢ્યું છે આ ઇન્ટીરિયર ડિઝાઇનરે

18 November, 2021 05:38 PM IST  |  Mumbai | Sejal Patel

સ્કલ્પ્ચરના ક્ષેત્રમાં બહુ ઓછી ગુજરાતી મહિલાઓ આગળ વધે છે, પણ મુલુંડમાં રહેતાં અનંતિ વાલા એમાં અપવાદ છે. ૪૦ વર્ષની એજ પછી તેમણે શિલ્પકળા શીખીને મન મોહી લે એવા કલાત્મક નમૂના તૈયાર કર્યાં છે જેના એક્ઝિબિશન યોજાય છે

અનંતિ વાલા

લગ્ન પછી હોમ મિનિસ્ટરની પર્ફેક્ટ ભૂમિકા અદા કર્યા પછી જ્યારે બાળકો પોતપોતાના કામમાં વ્યસ્ત થાય એ પછી સ્ત્રીના મનમાં ધરબાયેલાં અરમાન ફરીથી જાગે. જીવનમાં અધૂરાં રહી ગયેલાં સપનાંઓને ફરી એક વાર સાકાર થવાનો મોકો મળે. બહુ સારી વાત એ છે કે હવે સ્ત્રીઓ તેમની આ સેકન્ડ ઇનિંગ્સને પણ બહુ ગંભીરતાથી લેતી થઈ ગઈ છે અને એનું પ્રેરણાદાયી ઉદાહરણ છે મુલુંડનાં ૪૬ વર્ષનાં અનંતિ વાલા.

પેઇન્ટિંગ અને ડ્રૉઇંગનો શોખ મુલુંડના અનંતિ વાલાને ગળથૂથીમાં જ મળ્યો હતો. તેમના પપ્પા મધૂસુદનભાઈ આર્કિટેક્ટ અને મમ્મી કુશળ ચારકોલ આર્ટિસ્ટ. કાકા-બાપાના ઘરમાં પણ જોઈએ તો આર્કિટેક્ટ્સ, આર્ટ અને સ્કલ્પ્ચર ક્ષેત્રના મંજેલા કલાકારો. એ જોઈને અનંતિબહેને પણ કમર્શિયલ આર્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરેલું. લગ્ન પહેલાં એ ક્ષેત્રે કામ પણ કર્યું. જોકે ઍઝ યુઝ્‍વલ લગ્ન થયાં અને તેમનું બધું ધ્યાન ઘર, પરિવાર અને બાળકોમાં ગૂંથાઈ ગયું. બાળકો મોટાં થયાં એટલે તેમની અંદરનો કળાત્મક જીવ ફરી સળવળ્યો અને આ વખતે તેમણે કંઈક નવું જ શીખવા ધાર્યું. અનંતિબહેન કહે છે, ‘કળાના ક્ષેત્ર સાથે હું સંકળાયેલી હતી જ, પણ હવે મારે એમાં પણ કંઈક જુદું, થોડું સાહસિક અને મને ફેસિનેટ કરે એવું કરવું હતું અને મારી નજર સિરૅમિક સ્કલ્પચરિંગ પર ઠરી. પરિવારની જવાબદારી સાવ છૂટી ન હોવાથી સવારે સાતથી સાંજે પાંચ વાગ્યા સુધીનો ફુલટાઇમ ડિગ્રી કોર્સ થઈ શકે એમ નહોતો એટલે મેં એક વર્ષનો હૉબી કોર્સ કર્યો. આ કામમાં થિયરી કરતાં પ્રૅક્ટિકલ અનુભવ જ મહત્ત્વનો છે અને મેં મોટા ભાગનું કામ ડિગ્રીના છોકરાઓ સાથે રહીને કર્યું. આ ક્ષેત્ર છોકરીઓ દ્વારા હજી ઓછું એક્સપ્લોર્ડ છે અને એનું કારણ મને કોર્સ શરૂ કર્યા પછી સમજાયું. ૨૦૧૬ની અમારી બૅચમાં ૨૦ છોકરીઓ હતી અને કોર્સ પૂરો થયો ત્યાં સુધીમાં માત્ર ૬ છોકરીઓ બચેલી. એમાંથી સ્કલ્પચર્સ બનાવવાનું ચાલુ રાખ્યું હોય એવી માત્ર બે-ત્રણ છોકરીઓ હશે. એક વર્ષની ટ્રેઇનિંગ પછી ખરી મજાની લાઇફ હવે શરૂ થઈ છે. રોજ તમે કંઈક નવું સર્જન કરવામાં ડૂબેલાં રહી શકો એની જ મજા છે.’

ધીરજ માગી લેતી કળા

સિરૅમિક સ્કલ્પચર બનાવવાનું કામ ખૂબ સમય અને પૅશન્સ માગી લે છે. એમાં એક પણ તબક્કામાં ગરબડ થઈ તો મહેનત પાણીમાં જાય અને એટલે જ એન્ડ પ્રોડક્ટ તૈયાર ન થાય ત્યાં સુધી કલાકારના પોતાના માટે પણ રહસ્ય હોય. એની જ મજા મને બહુ ગમે છે એમ જણાવતાં અનંતિ કહે છે, ‘મને સ્કલ્પ્ચર્સ ક્ષેત્રે આવવાનું મન થયું આ જ કારણસર. ક્લેવર્કમાં તમે તમારી કલ્પનાના વિશ્વને છુટ્ટું મૂકી દઈ શકો, પણ એ પછી જે ફાયરિંગનું કામ છે એ ટેક્નિકલ પણ છે અને રહસ્યમય પણ. સામાન્ય રીતે માટીને ચોક્કસ શેપ આપ્યા પછી એને ૯૦૦થી ૧૨૦૦ ડિગ્રી તાપમાનવાળી ભઠ્ઠીમાં કલાકો સુધી તપાવવામાં આવે. દર કલાકે એનું તાપમાન મૉનિટર કરવાનું હોય. કોઈક વાર ક્લેમાં બબલ રહી ગયું હોય તો ભઠ્ઠીમાં જ પીસ ફાટી જાય કે તિરાડ પડી જાય. ભઠ્ઠીમાં તપાઈને નીકળેલો પીસ ઠંડો પડે એ પછી એના પર પૉલિશિંગ અને કલરકામ થાય. કલર થયા પછી ફરી એના પર ફાયરિંગ પ્રોસેસ થાય અને એ વખતે રંગ તપાઈને કેવો નીખરી આવશે એની તો પીસ બહાર આવે પછી જ ખબર પડે.’

દરેક ક્રીએશનની મજા

અનંતિ વાલાએ ટ્રેઇનિંગથી લઈને અત્યાર સુધીમાં અગણિત શિલ્પો તૈયાર કર્યાં છે. કુદરત, પશુ-પંખીઓ અને તમે રૂમમાં સજાવીને રાખી શકો એવા માસ્ટરપીસ બનાવવા એ તેમની ખાસિયત છે. અનંતિ કહે છે, ‘મારા દરેક પીસ યુનિક હોય છે. મોલ્ડથી બનાવેલા સ્ટાન્ડર્ડ પીસ હું તૈયાર કરતી નથી. ઇન ફૅક્ટ, ક્યારેક કોઈકને મારી એક મૂર્તિ ગમી જાય અને મારે એના જેવી જ બીજી બનાવવી હોય તો એ મારાથી નથી બનતી.’

અનંતિ વાલાના સર્જનની પ્રદર્શની જહાંગીર આર્ટ ગૅલરી અને નેહરુ સેન્ટરમાં યોજાતી રહે છે.

columnists sejal patel