24 October, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઇશ્રી રમેશભાઈ ઓઝા
ગયા અઠવાડિયે એક વાત અધૂરી છોડી હતી અને પૂછ્યું હતું કે પૂજારી કેવા હોય? તો કહેવાનું કે પૂજારી રામકૃષ્ણ પરમહંસ જેવા હોય. રાણી રાસમણીએ બનાવેલું કાલીમાતાનું મંદિર આટલું પ્રસિદ્ધ થયું, એનો મહિમા વધ્યો એનું કારણ રામકૃષ્ણ પરમહંસ જેવા પૂજારી. રામકૃષ્ણદેવના મોટા ભાઈ પૂજારી હતા ત્યાં. પછી મોટા ભાઈની તબિયત ખરાબ થઈ અને રામકૃષ્ણદેવ પૂજારી બન્યા, પણ તે સામાન્ય પૂજારી નહોતા. તે માત્ર મૂર્તિની પૂજા નહોતા કરતા, તેઓ તો મા ભગવતીની પૂજા કરતા હતા. એને કારણે આજે પણ એ સ્થાનનું મહત્ત્વ છે. તમે ગયા હશો કલકત્તા અને ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાનાં દર્શન કર્યાં હશે. એ સ્થાન જ્યાં રામકૃષ્ણદેવ રહ્યા. રામકૃષ્ણ મિશનનું હેડક્વૉર્ટર છે ત્યાં. આખા વિશ્વમાં રામકૃષ્ણ મિશન દ્વારા અનેક સેવાપ્રવૃત્તિઓ ચાલે છે.
મૉરિશ્યસમાં પણ સરસ રામકૃષ્ણ મિશનનું સ્થાન છે અને ત્યાં પણ સેવાપ્રવૃત્તિ ચાલે છે. ઘણા દેશોમાં ચાલે છે. આવા વિરક્ત અને જ્ઞાની મહાપુરુષો જ્યાં રહેતા હોય તે નક્કી કરે કે આ જગ્યાએ બેસીને મારે મારું કામ કરવું છે. એટલે શમી વૃક્ષ હોય અને એ શમીનાં લાકડાંમાંથી ગદા જેવું સાધન બનાવવામાં આવતું. પછી ઋષિને જે જગ્યા ગમે ત્યાં ગદા આકારના એ સાધનને ગોળ-ગોળ ફેરવીને ફેંકે. એ જેટલે દૂર જઈ પડે એને ત્રિજ્યા ગણીને વર્તુળ કરે. આટલી જગ્યામાં ઋષિનો આશ્રમ બને.શમ્યાપ્રાસ નામનો વ્યાસજીનો આશ્રમ છે સરસ્વતીના પશ્ચિમ કિનારે. સરસ્વતી શું છે? સરસ્વતી બ્રહ્મનદી છે. તમે ભાગવતનો અભ્યાસ કરશો તો એક વસ્તુ તમને સમજાશે કે ભાગવતનો સંબંધ આ ત્રણેય નદીઓ સાથે છે. ગંગા, યમુના અને સરસ્વતી. સરસ્વતીના કિનારે ભાગવત રચાયું. કઈ કથા લખી? જેમાં લખાયું કે યમુના કાંઠે વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણે જે દિવ્ય લીલાઓ કરી, સરસ્વતીના કિનારે વ્યાસજીએ ધ્યાન કર્યું, એ લીલાઓનાં દર્શન કર્યાં અને પછી એનું લેખન કર્યું સરસ્વતીના કિનારે.
યમુનાના કિનારે ભગવાને જે લીલાઓ કરી એનું લેખન સરસ્વતીના કિનારે વ્યાસજીએ કર્યું અને પછી વ્યાસજીએ એ ભાગવત પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું અને શુકદેવજીએ એ ભાગવત ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. એટલે ભાગવતનો સંબંધ આ ત્રણેય નદીઓ સાથે છે. યમુના જ્યાં ભગવાનની લીલા થઈ, સરસ્વતીના કિનારે ભાગવત રચાયું અને ગંગા જેના કિનારે શુકદેવજીની કથા થઈ. રાજા પરીક્ષિતને અને ત્યાં ઉપસ્થિત બધા ઋષિઓને સંભળાવ્યું. આ ગંગા, યમુના અને સરસ્વતીનો ત્યાં સંગમ થાય એને આપણે પ્રયાગરાજ કહીએ છીએ. ભાગવત પણ ગ્રંથરાજ છે. પુરાણ સમ્રાટ છે.
આમ ભાગવત ગ્રંથ રાજ છે, ત્રિવેણી છે અને જેમ પ્રયાગમાં સ્નાન કરતાં બધાં પાપ બળીને ભસ્મ થાય એમ શ્રીમદ્ ભાગવતના શ્રવણમાત્રથી મનુષ્યનાં પાપ બળીને ભસ્મ થાય છે, પવિત્રતાનો અનુભવ થાય છે અને પવિત્રતા પછી કૃષ્ણપ્રેમ જાગૃત થાય છે. આ જ ભાગવતનું ફળ છે.
પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે
- ભાઇશ્રી રમેશભાઈ ઓઝા