શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪૮ : ઉપવાસની અસર શરીર પર કેવી રીતે થાય છે?

19 February, 2025 10:41 AM IST  |  Mumbai | Mukesh Pandya

આજકાલ ઉપવાસ કરવા એ ઉપહાસ બની ગયા છે. ફરાળ દાબી-દાબીને કરેલા ઉપવાસ માત્ર વૈકલ્પિક ભોજન (ચેન્જ ઑફ ફૂડ) બની ગયા છે. સાચા ઉપવાસમાં અન્નનો કામચલાઉ ત્યાગ કરવાનો હોય છે

કુંભ મેળો

ગઈ કાલે જોયું કે આજકાલ ઉપવાસ કરવા એ ઉપહાસ બની ગયા છે. ફરાળ દાબી-દાબીને કરેલા ઉપવાસ માત્ર વૈકલ્પિક ભોજન (ચેન્જ ઑફ ફૂડ) બની ગયા છે. સાચા ઉપવાસમાં અન્નનો કામચલાઉ ત્યાગ કરવાનો હોય છે, પેટ ખાલી રાખવાનું હોય છે. તમે પેટ ખાલી રાખ્યું હોય પરંતુ તમારા રોજના ભોજન સમયે પાચકરસો (ઍસિડ) તો છૂટવા માંડે જ છે, પેટમાં ઉંદરડા દોડવા તો લાગે જ છે, ભૂખ તો લાગે જ છે. ધારો કે અગિયારસના દિવસે તમે ઉપવાસ કર્યો હોય અને આ સમયે જો કંઈ ખાધું-પીધું ન હોય તો પેલા પાચકરસો તો તમારા શરીરમાં છૂટવા માંડે જ છે. જોકે એ પાચકરસોને નવો તાજો ખોરાક ન મળતાં બાકીના દિવસે તમે ભેગો કરેલો કચરો, ન પચેલો ખોરાક કે શરીરનાં વિષદ્રવ્યો હોય એના પર તરા૫ મારીને ઓહિયાં કરી જાય છે અને શાંત થઈ જાય છે. બીજા દિવસે તમારું શરીર હળવું ફૂલ થઈ જાય છે, સ્વસ્થતા અને સ્ફૂર્તિ આવે છે, પાચનતંત્રને આરામ મળી જાય છે, ફૂડ-ડાયજેશન માટે વપરાતી શક્તિની બચત થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, બીમારીથી દૂર રહી શકાય છે. પાચકરસોને વધુ વાર ભૂખ્યા રાખીએ તો એ તમારી વધી ગયેલી ચરબીમાંથી પણ ખોરાક મેળવી લે છે એેટલે જેમને વજન ઘટાડવું છે તેમના માટે પણ ઉપવાસ લાભકારક છે.

અરે! ગઈ કાલે આપણે જે જૅપનીઝ વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરેલો તેમની ‘ઑટો ફાગી’ થિયરી પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. કૅન્સરના કોષોને પોષણ આપણે જે ભોજન કરીએ છીએ એમાંથી જ મળતું હોય છે. જો નિયત સમય માટે ખાવાનું બંધ કરવામાં આવે તો આવા કોષો મરવા પડે.

ઉપવાસ કરવાથી શરીરમાં દિવસોથી ભેગાં થયેલાં હાનિકારક વિષદ્રવ્યોનો નિકાલ થઈ જાય છે એ વાતને આપણે હવે એક દૃષ્ટાંતથી સમજીએ.

ધારો કે ઘરના તમામ સભ્યોને કોઈ અવસર પ્રસંગે બહાર ખાવા જવાનું થાય, પણ એકાદ પુત્ર ઘરે રહી ગયો હોય અને તેને એમ કહેવામાં આવ્યું હોય કે તારે બહારથી કશું ખાવાનું નથી તો તે શું કરશે?

તેને ભૂખ લાગશે ત્યારે તે ખાવાના ડબ્બા ફેંદશે. ઘરે કોઈ ખૂણાના ડબ્બામાં સૂકા મમરા પડ્યા હશે એ પણ ઝાપટી જશે. સામાન્ય દિવસોમાં રોજેરોજ મમ્મી તરફથી ગરમાગરમ નાસ્તો કે ભોજન મળતું હોય ત્યારે સૂકા કોરા મમરાને કોણ યાદ કરે, પરંતુ જ્યારે મમ્મી પણ ન હોય અને બહારનું ખાવાની પણ મનાઈ હોય અને કકડીને ભૂખ લાગે તો આખો મમરાનો કે ખાખરાનો ડબ્બો પણ સફાચટ થઈ જશે.

બસ, આ જ રીતે તમે ઉપવાસના દિવસે મોં વાટે કશું જ પેટમાં નાખતા નથી તો પાચકરસો અંદર જમા થયેલાં વિષદ્રવ્યો કે રોગાણુઓ પર હુમલો કરીને એમને સફાચટ કરી નાખશે, શરીરને સાફ-સૂથરું કરી નાખશે, અનેક જાતની બીમારીઓ દૂર થશે.

ક્યારેક માંદા પડો તો ઉપવાસ બીમારી હટાવવાનો હાથવગો, સરળ અને સસ્તો ઉપાય છે. આપણા કરતાં તો પશુ-પક્ષીઓ વધુ સમજદા૨ છે. તેઓ બીમાર પડે ત્યારે ખાવાનું છોડી દેતાં હોય છે.

હવે આપણને એ તો ખબર પડી કે ઉપવાસથી શરીરને લાભ જ લાભ છે. જોકે એ ઉપવાસ સાચા અર્થમાં ઉપવાસ હોવા જોઈએ, જૈનો જેવા હોવા જોઈએ. હવે ખાટલે મોટી ખોડ એ છે કે ઉપવાસનું નામ સાંભળીને જ ઘણા લોકોના હાંજા ગગડી જાય છે. તો આવા ભારે ઉપવાસ કરવા કેવી રીતે એની પણ થોડી ટિપ્સ મેળવી લઈએ.

૧. સૌથી પહેલાં તો તમારા મગજમાંથી એ ખ્યાલ કાઢી નાખો કે ઉપવાસ ૨૪ કલાકના હોય છે. તમને રોજ સવાર-સાંજ તમારા ભોજનના સમયે જ ભૂખ લાગે છે. ધારો કે તમારો રોજનો ખાવાનો સમય ૧૨ વાગ્યાનો હોય તો તમને ૧૧થી એકમાં જ ભૂખ લાગશે, પેટમાં ઉંદરડા બોલશે; પણ આ સમયે જો તમે ભોજન પર સંયમ રાખ્યો કે ભક્તિભાવમાં આ સમય વિતાવ્યો તો અગાઉ કહ્યું એમ શરીરમાં ઉપર ઊઠેલા પાચકરસો આગળનો જમા થયેલો કચરો સાફ કરીને શાંત થઈ જશે. પછી તમે જ કહેશો કે ભૂખ તો લાગેલી, પણ ખાવાનો સમય વીતી ગયો એટલે હવે મારી ભૂખ મરી ગઈ છે. એટલે તમારે તો ફક્ત સવાર-સાંજ મળીને ચાર કલાક જ સાચવી લેવાના છે. ઉપવાસ તો ફક્ત આ ચાર કલાકના જ છે, ચોવીસ કલાકના નથી.

૨. જો આટલું પણ ન રહેવાય તો માત્ર ફળાહાર કરો કે ફળોનો રસ પીઓ. પાતળું દૂધ કે પ્રવાહી ખોરાક લો. આ જાતના ખોરાક પચવામાં હલકા હોય છે. શરીરની પાચનશક્તિને થોડો આરામ મળી જાય છે, એ ઝડપી અને સરળ બને છે.

૩. આટલું પણ શક્ય ન હોય તો એક ટાઇમ જમો, એક ટાઇમ છોડી દો. મતલબ કે એકટાણાં કરો.

૪. જો આટલું પણ શક્ય ન હોય તો ઉણોદરી વ્રત કરો અર્થાત્ ભલે બેથી વધારે વાર ખાવાનું થાય; પણ પેટને થોડું ઊણું રાખો, ખાલી રાખો, ભરપેટ કે દાબી-દાબીને ન ખાઓ.

પ. શરૂ-શરૂમાં ઉપવાસ કર્યા હોય અને ભૂલથી કંઈ ખવાય જાય તો ઉપવાસ તોડો નહીં, ચાલુ રાખો. એમાં કોઈ પાપ નથી લાગતું. અજાણતાં થયેલી આ ભૂલને ભૂલી જાઓ. હવે જાણીજોઈને કંઈ પેટમાં ન નાખો, ઉપવાસ ચાલુ રાખો. શરૂઆતમાં આવું થાય એ સ્વાભાવિક છે, પછી પ્રૅક્ટિસ થઈ જશે.

૬. કુંભમેળામાં કલ્પવાસ દરમ્યાન ઉપવાસ કે ફળો જેવા સાત્ત્વિક ભોજનનો આગ્રહ રાખવામાં આવે છે એ યોગ્ય જ છે. જો આવું ઘરે બેસીને પણ કરી શકશો તો ઘેરબેઠા કુંભસ્નાન કર્યાનો સંતોષ થશે અને તનમનથી સ્વસ્થ રહેશો એ નફામાં.

(ક્રમશઃ)

culture news life and style kumbh mela prayagraj religion religious places mumbai gujarati mid-day columnists