પ્રકાશપર્વ અને રંગને છે ઘેરો સંબંધ

01 November, 2024 09:04 AM IST  |  Mumbai | Mukesh Pandya

દિવાળીમાં ઘરે-ઘરે દીવા થાય છે અને રંગોળી પુરવામાં આવે છે તો હોળીમાં શેરીએ-શેરીએ અગ્નિ પ્રગટાવાય છે અને એકબીજા પર રંગો છાંટવામાં આવે છે. ભારતનાં આ બેઉ પર્વોમાં પ્રકાશ અને રંગનો સુંદર સંયોગ રચાયો છે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં વાદળાંથી સતત ઘેરાયેલું રહેતું આકાશ આસો મહિનામાં ચોખ્ખુંચણક થઈ જાય છે અને સૂર્ય-ચંદ્ર સહિત અનેક ગ્રહોની કૉસ્મિક એનર્જી પૃથ્વી પર વિના વિઘ્ને બમણા જોશથી પધારે છે. એને ઉમળકાથી આવકારવી જરૂરી છે. અષાઢ મહિનામાં વાદળાંને કારણે આ શક્તિ રોકાઈ ગઈ હતી. જાણે આ દૈવી શક્તિઓ પોઢી ન ગઈ હોય. એટલે જ આ સમયમાં આપણે દેવપોઢી એકાદશી ઊજવીએ છીએ. હવે દેવઊઠી એકાદશી આવશે અને અત્યારે આ શક્તિઓનું પૃથ્વી પર અવતરણ શરૂ થઈ ગયું છે. આ શક્તિઓ વિવિધ રૂપે પૃથ્વી પર પધારે છે. એમની આગતા-સ્વાગતા માટે સાફસફાઈ જરૂરી છે એ જ રીતે એમને આપણા ઘર સુધી આકર્ષવા ભાત-ભાતની રંગોળી પણ આપણે પૂરતા હોઈએ છીએ.

જેમ આપણને ચિત્રો અને ડિઝાઇનો ગમતાં હોય છે એમ દૈવી શક્તિઓને પણ ચિત્રોવાળી સજાવટ એટલે કે રંગોળી ગમતી હોય છે. આપણે પુસ્તકનાં પાનાં ફેરવતા હોઈએ ત્યારે જે પાનાં પર ચિત્રો હોય છે ત્યાં થોડીક વધુ ક્ષણો રોકાઈ જઈએ છીએ. આ જ રીતે દૈવી શક્તિને આપણે ત્યાં રોકાવાનું મન થાય એ માટે ઘરની સ્વચ્છતા રાખવી અને રંગોળી પૂરવી જરૂરી છે. કોઈ કંપની ગ્રાહકોને આકર્ષવા સુંદર ડિઝાઇનવાળો લોગો બનાવે એ પણ એક જાતની રંગોળી જ છે.

આજે તો વિવિધ ડિઝાઇનોવાળી રંગોળી પુરાય છે, પણ પુરાણકાળમાં એની શરૂઆત થઈ સાથિયા દોરવાથી. ચાર ખૂણા અને ચાર દિશાઓને જોડતો આ સ્વસ્તિક ઘરઆંગણે કે ઉંબર પર ચીતરીને આપણે આઠે દિશાએથી આવતી કલ્યાણકારી શક્તિઓને આપણા ઘરે પધારવા પ્રાર્થના કરતા હોઈએ છીએે. આ સાથિયા કે રંગોળી રાત્રે પણ દેખાય એ માટે દીપક પ્રગટાવવા જરૂરી છે. આ રંગો પણ ગજબનાં દ્રવ્યો છે. પ્રકાશની હાજરીમાં જ પોતાનું ‘પોત’ પ્રકાશે છે. અંધકારમાં તો બધા જ રંગ સરખા દેખાય. પ્રકાશ પોતે સાત રંગોનો બનેલો છે એટલે પ્રકાશ અને રંગ વચ્ચે ઘેરો સંબંધ છે. કોઈ લીલો રંગ દેખાય તો સમજવાનું કે એના પર સાત રંગવાળો પ્રકાશ પડ્યો છે; પણ એ સાત રંગમાંથી લીલો રંગ પરાવર્તન પામ્યો છે, બાકીના છ રંગો શોષાઈ ગયા છે. આવું જ બીજા રંગોનું સમજવું.

દિવાળીની જેમ હોળીમાં પણ પ્રકાશ અને રંગનું મહત્ત્વ છે. દિવાળીમાં ઘરે-ઘરે દીવા થાય છે અને રંગોળી પુરાય છે તો હોળીમાં શેરીએ-શેરીએ અગ્નિ પ્રકટાવાય છે અને એકબીજા પર રંગો છાંટવામાં આવે છે. ભારતનાં આ બેઉ પર્વોમાં પ્રકાશ અને રંગનો સુંદર સંયોગ રચાયો છે.

દિવાળી વખતે સાફસફાઈ કરવાનો અને રંગોળી પૂરવાનો એક રિવાજ પડી ગયો છે એ પણ સારું જ થયું છે. આળસુમાં આળસુ કે વ્યસ્તમાં વ્યસ્ત લોકો પણ આ રિવાજને કારણે ઘરની સાફસફાઈ કરે છે, રંગરોગાન કરે છે, રંગોળી પૂરે છે; કારણ કે જ્યાં સ્વચ્છતા, સુઘડતા અને સુંદરતા છે ત્યાં જ પ્રભુતા છે. સમય મળે તો ઘરઆંગણે રંગોળી પૂરવાનો લહાવો અચૂક લેવો જોઈએ.

રંગોની વિવિધ રચનાઓ જોઈને જ આપણી આંખો ઠરે છે, આપણું મન હળવું ફૂલ બની જાય છે. હવે તો વિવિધ બીમારીઓને દૂર કરવા રંગચિકિત્સાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. આપણે માત્ર દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ, પણ દક્ષિણ ભારતીયો અને પારસીઓએ રંગોળીને તેમના જીવનમાં રોજિંદું સ્થાન આપ્યું છે.

culture news life and style diwali festivals