30 October, 2025 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાથરૂમ પણ બ્યુટિફુલ જ હોવું જોઈએ
સોશ્યલ મીડિયા પર બાથરૂમને સ્ટાઇલિશ અને મૉડર્ન લુક આપવાની શૉર્ટકટ ટ્રિક્સ દેખાડતા ઘણા વિડિયોઝ તમે જોયા હશે. સામાન્ય રીતે બાથરૂમ ઘરનો સૌથી ઇગ્નૉર્ડ એરિયા હોય છે. જોકે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો બાથરૂમ ઘરનો એવો ભાગ છે જ્યાં પાણીનું વહેણ બહાર તરફ જાય છે અને જ્યાં વ્યક્તિ પોતાની સફાઈને પામે છે. જોકે આ જ વિસ્તાર જો બરાબર ન હોય, બદબૂદાર કે ગંદો હોય તો એ તમારા ઘરની ઓવરઑલ ઊર્જાને પણ ડિસ્ટર્બ કરી શકે છે. જો આખા ઘરને નેગેટિવ એનર્જીથી મુક્ત રાખવા માગતા હો અને બાથરૂમને યોગ્ય દિશામાં રાખીને અને એને સાફસૂથરું તેમ જ સુગંધિત રાખીને ઘરમાં સ્વાસ્થ્ય અને પ્રોસ્પેરિટી વધારવા માગતા હો તો એને લગતી કેટલીક ટિપ્સ અહીં પ્રસ્તુત છે.
રંગ દે : યસ, બાથરૂમને સુંદર અને મૉડર્ન લુક આપવો હોય તો એક જ કલર ટોનમાં પેઇન્ટ કરી દો. આજકાલ બાથરૂમમાં ટાઇલ્સનો ઉપયોગ થાય છે પરંતુ એ ટાઇલ્સ અને તમારા બાથરૂમની અન્ય ઍક્સેસરીઝ, કૅબિનેટ્સ વગેરેને જો એક સિંગલ કલર ટોનમાં રંગેલી હશે તો એનો લુક એકદમ મૉડર્ન આવશે.
બાથરૂમનો મિરર : બાથરૂમમાં કાચ એના લુકમાં બહુ જ મહત્ત્વનો રોલ અદા કરે છે. પહેલાંની તુલનાએ આજે ખૂબ જ સ્ટાઇલિશ લુક આપતા મિરરની ડિઝાઇન્સ મળે છે અને એની કિંમત પણ નજીવી હોય છે. એટલે સસ્તામાં સિદ્ધપુરની યાત્રાની જેમ ઇન્સ્ટન્ટ અને બજેટ-ફ્રેન્ડ્લી મેકઓવર કરવા માગતી વ્યક્તિએ બાથરૂમમાં એક સરસ મિરર લગાવી દેવો જોઈએ.
લાઇટ ઇફેક્ટ : યસ, આજકાલ છૂટથી લાઇટિંગનો ઇન્ટીરિયર ડેકોરેશનમાં ઉપયોગ થાય છે પરંતુ મોટા ભાગનાં ઘરોમાં બાથરૂમમાં પ્રોફાઇલ લાઇટનો કન્સેપ્ટ ભુલાઈ જાય છે. જો તમારે તમારા ઘરના બાથરૂમને ટ્રાન્સફૉર્મ કરવો હોય તો સરસ મજાની લાઇટિંગ ઇફેક્ટ સાથે ઍક્સેસરીઝને જોડી દો અને જુઓ કમાલ.
ફ્લોરિંગ ખાસ : બાથરૂમના લુકને અપગ્રેડ કરવામાં જો ટાઇલ્સને ધ્યાનમાં ન લીધી તો બીજા બધા પ્રયાસોનો લુક સારો નહીં આવે. આજના સમયમાં ટાઇલ્સને તોડાવીને નવી ટાઇલ્સ લગાડવાની જરૂર રહી નથી.
તમે ‘પીલ ઍન્ડ સ્ટિક વિનાઇલ’ અથવા ‘ટાઇલ ડિકલ્સ’નો ઉપયોગ કરી શકો છો. જે બજેટ-ફ્રેન્ડ્લી પણ છે અને તોડફોડરહિત પણ છે.
ડીક્લટર કરી આર્ટવર્ક ઉમેરો : યસ, ઘણા લોકોના બાથરૂમમાં વર્ષો જૂની વપરાયા વિનાની બૉટલો પડી હોય છે. ઘણી વાર તો ખાલી બૉટલો કે ફિનાઇલ કે ટૉઇલેટ ક્લીનિંગની ફેંકી દેવાની બૉટલોનો ખડકલો હોય છે પરંતુ લોકો એને ફેંકવાની તસ્દી લેતા નથી. બાથરૂમને ન્યુ લુક આપવા માટે સૌથી પહેલાં બિનજરૂરી તમામ આઇટમો કાઢો પ્લસ શૅમ્પૂ અને બૉડીવૉશ માટે એકસરખી બૉટલ લાવીને બ્રૅન્ડવાળી બૉટલને રિપ્લેસ કરો. પ્લસ એમાં કોઈ નાના-નાના પ્લાન્ટ્સ અને આર્ટવર્ક પણ ઉમેરી શકો છો જે બાથરૂમની શોભા તો વધારશે જ સાથે વાસ્તુની દૃષ્ટિએ પણ બાથરૂમને ચાર ચાંદ લગાવશે.
તમને ખબર છે?
વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ બાથરૂમની પોઝિશન ઘરમાં રહેતા લોકોની હેલ્થ, આર્થિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલી છે.
બાથરૂમની દિશાઓની સમજ ન પડતી હોય ત્યારે એક કાચ કે પ્લાસ્ટિકના બાઉલમાં આખું મીઠું ભરીને અઠવાડિયે એને ચેન્જ કરતા રહો તો પણ એ બાથરૂમની નકારાત્મક ઊર્જાને શોષી લે છે. બાથરૂમને સાફસૂથરું અને સુગંધિત રાખો તો પણ એના વાસ્તુદોષની અસર ઓછી થાય છે.
બાથરૂમમાં સ્નેક પ્લાન્ટ કે સ્પાઇડર પ્લાન્ટ રાખવાથી પણ એ ત્યાંની નકારાત્મક અસરને દૂર કરશે.
બાથરૂમનું વેન્ટિલેશન સારું રહે, દરવાજો જરૂર ન હોય ત્યારે બંધ જ રહે અને સાથે બાથરૂમ સૂકું રહે એ મહત્ત્વનું છે. સાથે જ નળ કે પાણીના અન્ય કોઈ આઉટલેટમાં લીકેજ ન થતું હોય એ પણ ખાસ ધ્યાનમાં રાખવું.