સૂર્ય પાસેથી જો આ ત્રણ વાત શીખી લીધી તો સમજો જીવનનો બેડો પાર

16 July, 2025 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાવણનું ચરિત્ર રડાવે છે. આમેય રાવણનો મતલબ જ છે કે જે રડાવે તે રાવણ. સૂર્યવંશી રામનું ચરિત્ર જગાડનારું છે. સૂર્ય પાસેથી ત્રણ વસ્તુ શીખવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

સૂર્યવંશીમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી રામનું ચરિત્ર સૌને જગાડે છે. એવી જ રીતે સંસારના જીવોને મોહન નિદ્રામાંથી જગાડે છે. રામ ચરિત્ર જગાડે છે, જ્યારે જ કૃષ્ણ ચરિત્ર રમાડે છે એટલા માટે જ કૃષ્ણની વાત આવે ત્યારે રાસની વાત આવે, રામની વાત આવે ત્યારે વનવાસ. એટલે રામનો ત્યાગ સ્મરણમાં જાગે. કોઈ પણ વાંકગુના વગર રામે વનવાસ સ્વીકાર્યો એ ત્યાગ, એ સમર્પણ યાદ આવે.

રાવણનું ચરિત્ર રડાવે છે. આમેય રાવણનો મતલબ જ છે કે જે રડાવે તે રાવણ. સૂર્યવંશી રામનું ચરિત્ર જગાડનારું છે. સૂર્ય પાસેથી ત્રણ વસ્તુ શીખવા મળે છે. પહેલી વાત, નો વેકેશન. સૂર્યનારાયણ ક્યારેય વેકેશન પર જતા નથી, સતત કામ કરે છે. સૂર્યનારાયણે ક્યારેય એમ કહ્યું કે ‘હમણાં મારી તબિયત બરાબર નથી એટલે પંદર દિવસ કામ પર નહીં આવું’? ક્યારેય કહ્યું? નો વેકેશન. એટલે કે અવિરત પુરુષાર્થ, અવિરત કાર્ય કરતાં રહેવું એ સૂર્યનારાયણ પાસેથી શીખવા જેવું છે.

સાડાછ વાગ્યે સૂરજ ઊગે એટલે ઊગે જ, આજે ઠંડી હતી એટલે ઊઠવામાં આળસ થઈ એટલે મોડું થયું એવું એનામાં ન આવે. આપણને શિયાળામાં ઊઠવામાં આળસ થાય પણ સૂર્યનારાયણ એના સમયે આવી જ જાય.

બીજું શીખવે છે, નો એક્સ્પેક્ટેશન. સૂર્યનારાયણ જે કંઈ કરે છે એ આશારહિત કરે છે. આપણી પાસેથી એને કોઈ અપેક્ષા નથી. તમે એને નમન કરો કે ન કરો, સૂર્યનારાયણ બધાને પ્રકાશ આપે જ આપે. કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર સૂર્યનારાયણ નિષ્કામ થઈને કાર્ય કરે છે.

ત્રીજી વાત જે સૂર્યનારાયણ પાસેથી શીખવાની છે એ છે નો ડિસ્ક્રિમિનેશન. સૂર્યનારાયણ કોઈ ભેદ કરતા નથી. આ નાસ્તિક છે, આ આસ્તિક છે એવો કોઈ ભાવ સૂર્યનારાયણ કરતા નથી. એ બધાને રોશની આપે છે અને એટલે જ તો સૂર્યને શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં સૌથી પહેલો કર્મયોગનો ઉપદેશ આપ્યો.

ગીતામાં ભગવાન અર્જુનને કહે છે, ‘હે અર્જુન! આ યોગ સૃષ્ટિના આરંભમાં મેં સૌથી પહેલાવહેલા સૂર્યને કહ્યો હતો. સૂર્ય ભગવાનના પહેલા શિષ્ય છે. સૂર્યે આ ઉપદેશ પોતાના પુત્ર વૈવશવત મનુને કહ્યો. મનુએ એ યોગ ઇક્ષ્વાકુને કહ્યો અને એ રીતે પરંપરાથી આ યોગ ચાલતો આવતો હતો. બહુ સમય થયો પછી આ યોગ નષ્ટપ્રાયઃ થતો ગયો. આજે હે અર્જુન! તારા માધ્યમથી એ યોગને હું ફરીથી જાગ્રત કરી રહ્યો છું.’

નિષ્કામ કર્મયોગનો સંદેશ સૂર્યનારાયણ આપે છે. એ જ સૂર્યના વંશમાં ભગવાન રામનું પ્રાકટ્ય છે. કોઈ સૂર્યની સામે પથ્થર ફેંક તો પણ સૂર્ય તેને પ્રકાશ આપે છે. કોઈ ભેદ નથી. સૂર્ય જીવન આપે છે ને એટલે જ જીવન સૂર્ય જેવું હોવું જોઈએ.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ramayan culture news life and style indian mythology columnists gujarati mid day mumbai