ત્રીજા નંબરની જિજ્ઞાસા હોય તે જ્ઞાની બને છે

04 March, 2024 06:48 AM IST  |  Mumbai | Swami Satchidananda

સૌ જાણે છે એમ ધૃતરાષ્ટ્ર જોઈ નથી શકતા છતાં તેમની જિજ્ઞાસા આંધળી નથી

પ્રતીકાત્મક તસવીર

શ્રીમદ ભગવદ્ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રથી થઈ છે. સૌ જાણે છે એમ ધૃતરાષ્ટ્ર જોઈ નથી શકતા છતાં તેમની જિજ્ઞાસા આંધળી નથી. જિજ્ઞાસા પણ એક દૃષ્ટિ છે. આ દૃષ્ટિથી જ્ઞાનદૃષ્ટિ વિકસે છે. ખરેખર તો જેની જિજ્ઞાસા મરી જાય છે તે સાચો આંધળો કહેવાય, કારણ કે તેની જ્ઞાનદૃષ્ટિ વિકસતી જ નથી. જિજ્ઞાસા એટલે નવું-નવું જાણવાની ઇચ્છા. જિજ્ઞાસા ત્રણ પ્રકારની હોય છે; એક, સ્વ-સુખ અને દુઃખ વિશેની. બીજા નંબરની જિજ્ઞાસા એટલે પર-સુખ અને દુઃખ વિશેની અને ત્રીજા નંબરની જિજ્ઞાસા એટલે જ્ઞાન-વિજ્ઞાન વિશેની જિજ્ઞાસા. 

પહેલા બન્ને પ્રકારની જિજ્ઞાસા મહદાંશે સૌકોઈમાં હોય છે, પણ ત્રીજા નંબરની જિજ્ઞાસા બહુ થોડામાં હોય છે. આ જે ત્રીજા નંબરની જિજ્ઞાસા જેનામાં હોય છે તે જ્ઞાની બને છે. પ્રથમ બન્ને પ્રકારની જિજ્ઞાસા મનુષ્યમાત્રમાં જન્મજાત હોય છે. મોટા ભાગના લોકો પ્રથમ બે કક્ષામાં જ અટકી જતા હોય છે. ફરી આવીએ આપણે મૂળ વિષય પર. ધૃતરાષ્ટ્ર પ્રથમ બે કક્ષામાંના જિજ્ઞાસુ છે. તેમને પોતાનાં અને પરિવારનાં સુખ-દુઃખને જાણવાની ઇચ્છા રહે છે. સાથે-સાથે તેમને પોતાનાં સુખ-દુઃખમાં કારણ બનનારા ‘પર’ની જિજ્ઞાસા પણ રહે છે એટલે તો દૂર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે એકત્રિત થયેલા પોતાના અને પારકા માણસો વિશે જાણવાની તેમને જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસા એટલી તીવ્ર છે કે તેમનાથી રહેવાતું નથી અને તેઓ ત્યાંની વાત, ત્યાંના સમાચાર જાણવા માટે સંજયને બોલાવે છે. સંજયને કુદરતી જ દિવ્યશક્તિ પ્રાપ્ત થયેલી છે, તે દૂરનું જોઈ શકે છે.

ધૃતરાષ્ટ્ર બોલાવીને પૂછે છે,    
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ।    
મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય॥ 

અર્થાત્, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?    

ગીતાના પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ ‘ધર્મક્ષેત્ર’ છે અને છેલ્લો શબ્દ ‘કરિષ્યે વચનં તવ’ છે, જેનો અર્થ થાય ‘તમે કહેશો એમ કરીશ.’

જે ભૂમિ પવિત્ર હોય એને ધર્મક્ષેત્ર કહેવાય. પવિત્રતાનો અર્થ થાય છે જ્યાં પાપ ન થતું હોય, પણ સતત પુણ્ય થતું હોય. પાપરહિત અને પુણ્ય થનારી ભૂમિ પર એક પ્રકારનો સાત્ત્વિક પ્રભાવ ઉત્પન્ન થતો હોય છે અને સતત પાપ થનારી ભૂમિ પર એક પ્રકારનો તામસ પ્રભાવ ઉત્પન્ન થતો હોય છે. જેમ હરિયાળી, નદી, પર્વત, ઝરણાં, વનરાજી, પુષ્પો, પક્ષીઓ જોઈને આપણા મન પર આહ્‍‍લાદદાયક પ્રભાવ પડે અને રણ જોઈને શુષ્ક પ્રભાવ પડે, એવી જ રીતે જ્યાં સતત પુણ્યકાર્યો અને ઉપાસના, ભક્તિ થતાં હોય એવી ભૂમિ પર એક શાંતિદાયક સાત્ત્વિકતાનો અનુભવ થતો હોય છે.

life and style astrology columnists swami sachchidananda