માખીની કેફિયત: ચાટવાની લાલચ રોકી ન શકનારા ચોંટવાની સજા ભોગવે છે

06 May, 2025 04:16 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

મધ બધું જમીન પર ઢોળાઈ ગયું. ઉપર-ઉપરથી લઈ શકાય એટલું તો હાથ ઘસીને લઈ લીધું, બાકીનું જમીન પર એમ જ પડ્યું રહ્યું. 

પ્રતીકાત્મક તસવીર

એક વેપારી પોતાની દુકાને આવેલા ગ્રાહકોને મધ આપતો હતો. એક વાર એવું બન્યું કે ગ્રાહક વાસણ પકડે એ પહેલાં જ મધનું વાસણ હાથમાંથી છટકી ગયું. મધ બધું જમીન પર ઢોળાઈ ગયું. ઉપર-ઉપરથી લઈ શકાય એટલું તો હાથ ઘસીને લઈ લીધું, બાકીનું જમીન પર એમ જ પડ્યું રહ્યું. 

ગણતરીની પળોમાં માખીઓ ત્યાં આવી પહોંચી. આસપાસ ઊડતી માખીઓ માટે આજે જલસો હતો. મીઠું મધ કોને ન ભાવે? માખીઓ નિરાંતે મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી મશગૂલ બની ગઈ કે ધીમે-ધીમે એની પાંખો મધમાં ચોંટવા માંડી એનો ખ્યાલ પણ ન રહ્યો. ઊડવાનો પ્રયાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પાંખો બરાબરની ચોંટી ગઈ છે, હવે ઊડી શકાય એમ નથી.

પોતાની જાતને બચાવવા માટે ઘણો પ્રયાસ કર્યો પણ એ સફળ ન રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા જે નવી માખીઓ આવતી હતી એ જૂની માખીઓની થયેલી ભયંકર દુર્દશા જોતી હતી. ઢોળાયેલા મધ પર ચોંટી ગયેલી, મરવા પડેલી અને મરી ગયેલી ઢગલાબંધ માખીઓ દેખાતી હતી. એમ છતાં લાલચ જિસકા નામ! ચાટવાની લાલચને રોકી ન શકી અને તેથી ચોંટવાના પરિણામને પણ રોકી ન શકી. 

આ દૃશ્યને જોનાર કેટલાક ‘જાણકારો’ કમેન્ટ પાસ કરતા હતા. ‘લાલચને રોકી ન શકો તો ભાઈ! આવું જ થાય.’ કો’કે વળી કહ્યું : આ તો સામે ચાલીને મોતના કૂવામાં ઝંપલાવા જેવું થયું! કોઈ બુદ્ધિશાળીએ આકરી ટકોર કરતાં કહ્યું : ‘બુદ્ધિ ન હોય ત્યારે આવું જ થાય. બાકી પોતાનું મોત પોતાને જ દેખાતું હોવા છતાં કોણ આવું કરે?’

અચાનક ચોંટેલી માખીઓમાંથી એકે છેલ્લો બણબણાટ કર્યો, ‘જુઓ! અમારું તો જે થયું તે થયું! માર્કેટમાં આવતી કેટલીક જાહેરખબરોમાં મધ કરતાં પણ વધારે ચીકાશ છે. તમે એમાં સાવધ રહેજો કારણ કે તમે તો બુદ્ધિશાળી માણસો છો. માખી અને માણસ વચ્ચેનો ભેદ જાળવી રાખજો.’

જીવનમાં જરૂરી એવી માર્મિક ટકોર અહીં માખીના માધ્યમથી માનવજાતને મળે છે. દેશમાં થતા ઘણા આપઘાતોનાં મૂળ આવી લાલચમાં દેખાશે. જીવનમાં સંયમ રાખવો અનિવાર્ય છે. ભોજનમાં સંયમ ન રાખે તે આરોગ્ય ગુમાવે છે, કમાવામાં સંયમ ગુમાવે છે તે જીવનની શાંતિ ગુમાવે છે અને ક્યારેક આખું જીવન પણ! ક્યાં અટકવું અને ક્યારે અટકવું એનો અંદાજ માંડી ન શકે તેને બરબાદ થતાં બહુ વાર લાગતી નથી. બદામ ખાવાથી ન આવે એ અક્કલ ઠોકર ખાવાથી આવે છે.

culture news life and style mumbai gujarati mid-day columnists