05 May, 2025 07:04 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
કેટલાક લોકો આ માનવ-અવશેષો સાથે યાદ બનાવીને કે મેડિટેશન કરીને ઊર્જાન્વિત થતા હોય છે.
બૌદ્ધ પરંપરા મુજબ જ્યાં સુધી અગ્નિસંસ્કારની વિધિ કરવામાં નથી આવતી ત્યાં સુધી આત્મા સદ્ગતિએ નથી જતો. કોઈ ઓળખ વિના મૃત્યુ પામતા લોકોને થાઇલૅન્ડમાં દફનાવી દેવામાં આવે છે. વર્ષે એક વાર આ તમામ કબરોને ખોદીને તેમના સ્વર્ગારોહણ માટે ખાસ વિધિ કરવામાં આવે છે. તાજેતરમાં જ થાઇલૅન્ડના બે પ્રાંતમાં આ વિધિ થઈ. એમાં શું-શું થયું અને કેમ થયું એ બધું જ આજે જાણીએ
માર્ચથી મે મહિના દરમ્યાન થાઇલૅન્ડના તાઓવાદી સંસ્કૃતિમાં માનનારા લોકો માટે એક ખાસ મુક્તિ મહોત્સવ યોજાય છે. નબળા હૃદયવાળા લોકો માટે તો આ ભયાવહ કહી શકાય એવાં દૃશ્યો બની શકે છે, પરંતુ અનેક બૌદ્ધધર્મીઓ માટે આ પરમાત્માની નજીક જવાનો અને જીવનના અકળ રહસ્યને પામીને આધ્યાત્મિક સુકૂન પ્રાપ્ત કરવાનો અવસર છે. થાઇલૅન્ડના ૭૭ પ્રાંતનાં કબ્રસ્તાનોમાંથી લાવારિસ શબોને સન્માનજનક અંતિમ સંસ્કાર આપવા માટે થઈને જે ખાસ સેરેમની યોજાય છે એનું નામ છે લાંગ પા ચા.
હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં જીવનના ૧૬ સંસ્કારોમાં સૌથી છેલ્લા અગ્નિસંસ્કારનું આગવું મહત્ત્વ છે. દેહમાંથી આત્મા નીકળી ગયા પછી આત્માનું વહન કરનારા એ નશ્વર દેહને સન્માનજનક અને આધ્યાત્મિક વિધિથી પંચમહાભૂતમાં વિલીન કરવામાં ન આવે ત્યાં સુધી આત્માને મુક્તિ નથી મળતી એવી માન્યતા છે. થોડા દિવસ પહેલાં જ થાઇલૅન્ડમાં આ વિધિ થઈ. જેની કલ્પના પણ ન થઈ શકે એવી-એવી વિધિઓ આ સમારોહમાં ખૂબ સ્વસ્થતા સાથે બૌદ્ધ સ્વયંસેવકો કરે છે. એક વીકથી દસ દિવસ સુધી લાંબા ચાલનારા આ લાંગ પા ચા સમારોહમાં જોડાવા માટે પણ જિગર જોઈએ; કેમ કે અહીંની વિધિઓ જ કંઈક રહસ્યમયી, ન સમજાય એવી અને ડરામણી છે. ચોમેર તમને અસલી માનવ-ખોપડીઓ જોવા મળે. શરીરના વિવિધ ભાગોનાં હાડકાંને એકઠાં કરી સાફ કરીને તડકામાં સુકાવા મૂકેલાં જોવા મળે અને પછી એ ખોપડીઓ પર સોનાનો વરખ ચોંટાડીને એની પૂજા પણ થાય. અને હા, આ બધું જ અસલી મડદાંઓને કબરમાંથી ખોદી બહાર કાઢીને કરવામાં આવે. શું કામ આવું? આવું કરવાનું કારણ શું? ક્યારથી, કેમ અને કોણે આવું કરવાનું શરૂ કર્યું? ચાલો આજે એના જવાબો મેળવીએ.
કંકાલને પવિત્ર વિધિથી સાફ કર્યા પછી એના પર સોનાનો વરખ કે નકલી ચલણી નોટોની સજાવટ કરવામાં આવે છે.
શું કામ આવું કરવાનું?
સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી તેના સ્વજનો તરત જ નશ્વર દેહને વિધિવત્ પંચમહાભૂતમાં વિલીન કરતા હોય છે, પણ જેમના સ્વજનો નથી તેમનું શું? કોઈક ખૂબ નાની ઉંમરે મરી ગયું હોય તો એ કોમળ દેહના અગ્નિસંસ્કાર નથી થઈ શકતા. તો વળી અનેક લોકો મૃત્યુ સમયે એકલવાયા હોવાથી તેમની પાછળ વિધિ કરવાવાળું કોઈ નથી હોતું. ઘણી વાર ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ ન થઈ હોવાથી ચોક્કસ સમય બાદ એ શબનો નિકાલ કરવામાં આવે છે તો ઘણી વાર કેટલાક પરિવારો અંતિમવિધિ કરી શકવા અક્ષમ હોવાથી તેઓ તાઓવાદી કે બૌદ્ધ પ્રણાલીથી દેહના અગ્નિસંસ્કાર નથી કરી શકતા. આવા મૃતદેહોને નાખોન રત્ચાસિમા ફાઉન્ડેશન જેવી સ્વૈચ્છિક સંસ્થાને સોંપી દેવામાં આવે છે. આ સંસ્થાના સ્વયંસેવકો સ્થાનિક કબ્રસ્તાનમાં દેહને દફનાવી દે છે. એક કે બે વર્ષ પછી જ્યારે મૃતદેહમાંનો માંસલ ભાગ સડીને માત્ર હાડપિંજર રહે ત્યારે એને કબરમાંથી બહાર કાઢીને તમામ મૃતદેહોના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ વિધિ મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારજનો માટે તો ઉત્સવ સમાન હોય જ છે, પણ જે બૌદ્ધ સ્વયંસેવકો આ સમારોહમાં ભાગ લે છે તેમને અજીબ આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે.
આમ તો આ થાઇલૅન્ડના સ્થાનિક લોકોમાં જ પ્રચલિત છે, પરંતુ એનાં મૂળ ચીની છે. જેમના પૂર્વજો ચીનના હતા એવા થાઈ સમાજોમાં આ ચલણ છે. દેહના અગ્નિસંસ્કાર વિના આત્મા અહીં જ ભટકતો રહેતો હોવાની માન્યતા બૌદ્ધ અને તાઓવાદી વિચારધારાના લોકોમાં પ્રબળ છે. જેમની પણ વિધિ નથી થઈ તેમને દફન કરવામાં આવે છે અને ચોક્કસ સમયાંતરે વિવિત્ર પ્રાંતમાં માર્ચથી મે મહિના દરમ્યાન યોજાતા લાંગ પા ચા સમારોહ થકી તેમના આત્માને મુક્તિ આપવામાં આવે છે.
શું કરવામાં આવે?
સૌથી પહેલાં તો સ્વૈચ્છિક સંસ્થાઓ મુજબ જે લોકોને જ્યાં પણ દફનાવાયા છે એ રેકૉર્ડ ચેક કરીને તેમની કબરો ખોદવામાં આવે. કબરમાંથી નીકળેલા હાડપિંજરની પૂરી રીતે સફાઈ કરવામાં આવે. કંકાલ પર ચોંટેલી માટી કે સડેલા માંસની પરતો ઘસી-ઘસીને સાફ કરવામાં આવે. ચોક્કસ પ્રકારની ચા ઉકાળીને તૈયાર કરેલા પવિત્ર પાણીમાં તમામ હાડકાં સાફ કરવામાં આવે. ત્યાર બાદ ખોપડીઓ અલગ પાડીને સૂકવવામાં આવે, હાથ-પગનાં હાડકાં અલગ પાડીને સૂકવવામાં આવે અને નાનાં-નાનાં હાડકાંઓને પણ અલગ પાડીને તડકામાં સૂકવવામાં આવે. સાફ કરવાની પ્રક્રિયા અને સફાઈ બાદ સૂકવવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તાઓવાદી સ્વયંસેવકોની પડાપડી હોય છે. કેટલાક લોકો જીવનમાં મોતને નજર સામે નિહાળ્યા પછી આ પ્રક્રિયામાં નિયમિત સેવાઓ આપવા લાગ્યા છે. એમાં કોઈકને કંઈ ડર જેવું લાગતું નથી.
હાડકાંને સાઇઝ અને શેપ મુજબ જુદાં કરીને સૂકવવામાં આવે છે.
હાડકાંઓ સુકાઈને સાફ થઈ જાય એ પછી બે અલગ ભઠ્ઠીઓ બનાવવામાં આવે. બૌદ્ધ સાધુઓ દ્વારા અનુષ્ઠાન અને વિધિઓ પૂરી થયા પછી એકમાં સ્ત્રીઓના કંકાલ અને બીજામાં પુરુષોના કંકાલ પાથરવામાં આવે. નાનાં હાડકાં સૌથી નીચે, એ પછી હાથ-પગનાં હાડકાંનો થર થાય અને સૌથી ઉપર ખોપડીઓ ગોઠવવામાં આવે. એની પણ ઉપર સજાવટ માટે કાપડનાં ઢીંગલા-ઢીંગલીઓ તૈયાર કરીને મૂકવામાં આવે. બૌદ્ધ પરંપરાગત વિધિ પછી આ બન્ને ભઠ્ઠીઓમાં અગ્નિસંસ્કાર આપવામાં આવે. લગભગ ૨૪ કલાક સુધી એ ભઠ્ઠીઓ ચાલતી રહે છે અને જ્યારે તમામ અવશેષો રાખમાં મળી જાય એ પછી એમાંથી થોડીક રાખને નદીમાં વહાવી દેવાય છે અને થોડીક જમીનમાં જ દાટી દેવાય છે.
બૌદ્ધ સ્વયંસેવકો માટે આ સમારોહ આધ્યાત્મિક અને ભાવનાત્મક સમૃદ્ધિનો અવસર ગણાય છે.