28 February, 2025 01:55 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
મહાભારતની કથામાં સૌથી અસરકારક જો કોઈ પાત્ર હોય, વ્યક્તિત્વ હોય તો એ ભીષ્મ છે. ભીષ્મની જન્મગાથા જાણવા જેવી છે. એક વાર પ્રતાપીરાજા ગંગાકિનારે શાંતિથી સંધ્યાવંદન કરી રહ્યા હતા. સૂર્યના ધીમા પ્રકાશમાં તેમની કાયા સુવર્ણ જેવી ચમકી રહી હતી. ગંગાજીની નજર તેમના પર પડી અને તે મુગ્ધ થઈ ગઈ. એ પછી જે બન્યું એ જાણવામાં રસ હોય તો મહાભારત વાંચજો કારણ કે આપણે મુગ્ધતા પર વાત કરવી છે.
સ્ત્રીઓ ક્યારે કોના પર મુગ્ધ થઈ જાય એ કહી શકાય નહીં. ખાસ કરીને જ્યારે મદઝરતી યુવાની પાર થતી હોય અને જો તેને યોગ્ય પુરુષ ન મળ્યો હોય તો તેની પુરુષભૂખ અતિતીવ્ર થઈ જાય છે. ભાન-જ્ઞાન અને મુગ્ધાવસ્થા એકસાથે ન રહી શકે. ગંગા જેવી પવિત્ર સ્ત્રી, જે રોજ હજારોને પવિત્ર કરે છે તેની આવી સ્થિતિ હોય તો સામાન્ય સ્ત્રીઓની તો વાત જ શી કરવી?
પવિત્રતાને પણ મુગ્ધતા તો હોય જ છે. મુગ્ધતા કુદરતી છે. એમાંથી સ્ત્રી પત્નીત્વની પ્રાપ્તિ કરે છે. મુગ્ધતા વિનાની સ્ત્રી પત્ની થાય તોપણ તે પતિને પ્રેમ ન આપી શકે. તે ડાહી તો હોઈ શકે, પણ પ્રેમાળ ન હોઈ શકે. કોરા ડહાપણથી જીવન પુષ્ટ થતું નથી, પ્રેમથી પુષ્ટ થાય છે. કેટલીક વાર પ્રેમની સાથે ડહાપણ ન પણ હોય, તો અનર્થો પેદા થઈ શકે છે. આ રીતે ડહાપણ વિનાની પણ અતિ પ્રેમાળ સ્ત્રી પતિ માટે અનર્થ પેદા કરી શકે છે. ડહાપણ અને પ્રેમનો સુમેળ તો અત્યંત દુર્લભ તત્ત્વ કહેવાય એટલે તો ઓછું ડહાપણ અને પ્રચુર પ્રેમવાળી પત્ની મળી હોય તો પુરુષે તેને સાચવવી—સંભાળવી જોઈએ પણ જો પ્રેમ વિના પ્રચુર ડહાપણવાળી પત્ની મળી હોય તો પતિએ ગુલામી કરવાની તૈયારી રાખવી જોઈએ. કોરું ડહાપણ માત્ર સ્વાર્થનો જ વિચાર કરે છે. સ્ત્રી માટે સૌથી મોટો સ્વાર્થ પોતાનું ધાર્યું થાય એ જ હોય છે. મારી ઇચ્છા પ્રમાણે જ બધું ચાલે એવી વૃત્તિવાળી પત્ની પતિને કહ્યાગરો કંથ બનાવી મૂકે. કહ્યાગરા કંથમાં અને જીહજૂરિયામાં કશો ફરક નથી હોતો.
જુવાનીથી ધમધમતી ચંચળ સ્ત્રીની તમામ વૃત્તિઓ વાસનાકેન્દ્રિત હોય છે. બધાં ગણિતો અને બધાં સમીકરણો આ કેન્દ્રથી શરૂ થાય અને એ કેન્દ્રમાં પૂરાં થાય છે. એમાં અર્થો પણ છે અને અનર્થો પણ છે. અનર્થોથી બચવા-બચાવવા માટે પરમેશ્વરે સ્ત્રીને એક મહાન ગુણનું પ્રદાન કર્યું છે. એ છે લજ્જા. લજ્જા સ્ત્રીની સર્વોચ્ચ શોભા છે અને લજ્જાહીનતા સ્ત્રી માટે સર્વાધિક કલંક છે. જો સંસ્કૃતિને બચાવવી હોય તો સ્ત્રીને નિર્લજ્જ થતી અટકાવો. સ્ત્રીની નિર્લજ્જતા ધર્મ અને સંસ્કૃતિનો સર્વનાશ કરી મૂકતી હોય છે.