સક્ષમતા માત્ર શક્તિની નથી હોતી, સક્ષમતા મર્દાનગીની પણ હોય છે

09 July, 2025 01:57 PM IST  |  Mumbai | Swami Satchidananda

જ્યારે પણ કોઈ ઉદ્ધારક થયો છે તે ધરતીના ધરાતલ પર રહીને જ એ ધરતીના પ્રશ્નોનું સમાધાન કરી શક્યો છે. તેણે અશાંતિને સામે ચાલીને બાથ ભીડી છે અને અશાંતિને જેર કરી શાંતિ મેળવી છે

સ્વામી સચ્ચિદાનંદ

યોગીઓ, હજારો સિદ્ધો અને ચમત્કાર બતાવનાર અસંખ્ય સાધુબાવાઓ પૂર્વજન્મનાં કર્મ, કલિયુગ, સમય બળવાન વગેરે થોથાં-આશ્વાસનોની વાતો કરી દુર્બળ અને ત્રસ્ત પ્રજાને આકાશ સામું બતાવીને આશ્વાસન લેવા કહેતા અને તર્ક લડાવીને કહેતા કે ‘હવે ભગવાન અવતાર લેવાની તૈયારી કરી રહ્યો છે. હજી થોડું વધુ પાપ ભરાય એટલે ભગવાન અવતાર લેશે. ચિંતા ન કરો. ભગવાને વચન આપ્યું છે. જરૂર અવતાર લેશે.’

ભગવાન અવતાર લેતા નથી ત્યાં સુધી શું તો કહેશે, બસ, ચૂપચાપ સહન કરી લો. એ લોકોએ તેમનાં કર્મોનું ફળ ભોગવવું પડશે. ભગવાન બધાને પરચો દેખાડશે. ચિંતા નહીં કરો. તેમની વાતો સાંભળીને લોકો પણ ચૂપ થઈ જતા અને ઘરે જઈને સૂઈ જતા. આવાં ઘેનભર્યાં હાલરડાં સાંભળવાને ટેવાયેલી પ્રજા આકાશ સામું જોઈને વધુ ને વધુ અત્યાચારો સહન કરતી રહી.   

આજ સુધી આકાશમાંથી કોઈ ભગવાન ધરતી પર અવતર્યો નથી. જ્યારે પણ કોઈ ઉદ્ધારક થયો છે તે ધરતીના ધરાતલ પર રહીને જ એ ધરતીના પ્રશ્નોનું સમાધાન કરી શક્યો છે. તેણે અશાંતિને સામે ચાલીને બાથ ભીડી છે અને અશાંતિને જેર કરી શાંતિ મેળવી છે અને શાંતિ આપી છે. અશાન્તિથી હિમાલય તરફ ભાગનાર કે સંસારથી ભાગનાર પલાયનવાદી ભાગેડુ થાય છે. તેમણે બહુ-બહુ તો સ્મશાનશાંતિ મેળવી હશે કે સ્મશાનશાંતિ જ પમાડી હશે, પણ એનાથી પ્રજાનું હિત થયું નથી. પ્રજા તો નામર્દાનગી વચ્ચે મરતી જતી હોય છે. ભારતની પ્રજા આવી રીતે મરી છે.   

ફરી આપણે વાત કરીએ અંગ્રેજોના સમય પહેલાં દેશમાં રહેલા પીંઢારાના રાજ વિશે. અંગ્રેજોએ આવીને નક્કી કર્યું કે કોઈ પણ ભોગે પીંઢારાઓનો નાશ કરવો છે. લગભગ એક લાખનું લશ્કર ભેગું કરીને પીંઢારાઓને ચારે તરફથી ઘેરી તેમને જડમૂળથી ઉખેડી નાખ્યા. પ્રજાને ખરો શાંતિનો અનુભવ કરાવ્યો. અપરાધીઓને દંડ દેવાની ક્ષમતા તેમની પાસે હતી એટલે તેઓ વર્ષો સુધી વિશ્વના અનેક ભાગો પર રાજ્ય કરી શક્યા અને પ્રજાને સંતોષ આપી શક્યા. દંડ દેવાની ક્ષમતા તેનામાં જ હોય જે સક્ષમ હોય. સક્ષમતા માત્ર શક્તિની નથી હોતી, સક્ષમતા મર્દાનગીની પણ હોય છે અને સત્યતાની પણ હોય છે. સક્ષમતામાં અનેક પાસાંઓ છે. દંડ દેતાં પહેલાં એ દંડાત્મક કાર્યની ભૂલ સમજાવવાની ક્ષમતા હોય એ જ સક્ષમ કહેવાય. છેડતી કરનારો પોતાની બહેનની છેડતીના બદલામાં ઊભો થાય તો એને સક્ષમતા ન કહેવાય, એને દાદાગીરી કહેવામાં આવે અને દાદાગીરી ક્યારેય મર્દાનગીનું પ્રતીક નથી બની.

culture news religion religious places life and style history indian mythology columnists swami sachchidananda gujarati mid day mumbai