આશા અને પ્રતીક્ષા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, જે સમજવી અત્યંત જરૂરી છે

02 July, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંડવોએ જ્યારે નમસ્કાર કર્યા તો ભગવાને પણ ભીષ્મ પિતામહને નમસ્કાર કર્યા. આવું અદ્ભુત છે તેમનું વ્યક્તિત્વ! એટલા માટે તો કહે છે કે ભાગવત મરતાં પણ શિખવાડે છે.

પ્રતીકાત્મક તસવીર

યાદ રાખો, એક હોય છે આશા અને બીજી હોય છે પ્રતીક્ષા.

આશા એટલે કદાચ તે આવશે. સંભાવના છે કે આવે. સંભાવના તેના આવવાની છે. આપણે તેને જાણ કરી છે કે આ પ્રકારે કાર્યક્રમ છે, ઉત્સવ છે. જવાબ મળે કે ‘જોઉં છું, પ્રયત્ન કરું છું.’

એ થઈ આશા.

બીજી છે પ્રતીક્ષા. એમાં વાત નિશ્ચિત થઈ જાય છે કે આવશે જ!

તેણે કહ્યું છે કે નક્કી તે આવશે. તે આવશે એટલે આવશે જ.

મહાભારતમાં ભીષ્મ પિતામહમાં આશા નથી, પ્રતીક્ષા છે. પ્રતીક્ષા છે કે ભગવાન આવશે જ અને ભગવાન આવ્યા. પાંડવોએ જ્યારે નમસ્કાર કર્યા તો ભગવાને પણ ભીષ્મ પિતામહને નમસ્કાર કર્યા. આવું અદ્ભુત છે તેમનું વ્યક્તિત્વ! એટલા માટે તો કહે છે કે ભાગવત મરતાં પણ શિખવાડે છે. આપણે ત્યાં બે ગ્રંથો એવા છે જે જીવતાં અને મરતાં બન્ને શીખવી જાય છે.

જન્મે ત્યારે બધા રડતાં-રડતાં જન્મે છે. આવે તો બધા છે, પણ રડતાં-રડતાં.

જેનું જવું અસાધારણ થઈ જાય એ ક્ષણ કેવી હોય છે? મરણ કેવું હોવું જોઈએ એ ભાગવત શિખવાડે છે. તો રામાયણ જીવતાં શિખવાડે છે. જીવવું કેવી રીતે એ જો તમારે સમજવું હોય તો રામાયણનું અધ્યયન કરવું. તમને સમજાશે કે સાચી રીતે જીવવાની, સર્વોચ્ચ રીતે જીવનમાં રહેવાની તમામ રીત એમાં શીખવવામાં આવી છે.

આપણે વાત કરીએ પિતામહ ભીષ્મની.

પિતામહ ભીષ્મનું મૃત્યુ એ મહાપ્રયાણ છે. પ્રતીક્ષા હતી અને ભગવાન આવ્યા.

પિતામહ ભીષ્મ બાણશૈયા પર પ્રતીક્ષા કરી રહ્યા હતા. રાજસંસ્થા આવી ગઈ, ધર્મ ગયો અને સ્વયં શ્રીહરિ સામે આવી રહ્યા.

કુટુંબના સભ્યોના ચહેરા પર પીડા હતી ત્યારે પિતામહ ભીષ્મે કહ્યું કે ‘પ્રભુ, તમે અહીં જ ઊભા રહેજો. ત્યાં સુધી જ્યાં સુધી મારા પ્રાણ આ કલેવરને છોડી ન દે. મેં પ્રતીક્ષા કરી, હવે તમે પ્રતીક્ષા કરો. હે યદુવર, તમે અહીં જ ઊભા રહેજો. પ્રતીક્ષા કરવાનું કામ મેં કર્યું, હવે પ્રતીક્ષા કરવાનો વારો તમારો છે. મારો આત્મા આ શરીરને છોડીને ન જાય ત્યાં સુધી તમે જતા નહીં. તમે સામે ઊભા રહો ત્યારે મુખારવિંદ પર સદૈવ જે મધુર મુસ્કાન હોય છે એની સાથે પ્રતીક્ષા કરજો.’

અને પ્રભુએ પ્રતીક્ષા કરી. એટલે જ કહું છું, આશા ને પ્રતીક્ષાનો આ ભાવ સમજી જીવનમાં પ્રતીક્ષાને પ્રાધાન્ય આપજો.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ramayan mahabharat indian mythology history culture news religion hinduism columnists life and style gujarati mid day mumbai