17 February, 2025 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક જ શરીર પર કેટકેટલી ચીજો માણસ ગોઠવતો હોય છે?
પગમાં બૂટ, શરીર પર વસ્ત્રો, કાંડે ઘડિયાળ, આંગળીમાં વીંટી, આંખ પર ચશ્માં, માથે ટોપી, ખમીસમાં બટન, બટન ગાજમાં. પૅન્ટ પર પટ્ટો, પટ્ટાનું બકલ કાણામાં. વિવિધ અને વિચિત્ર વસ્તુઓ માણસ શરીર પર ગોઠવતો હોય છે છતાં તે વિદૂષક લાગતો નથી કારણ કે તમામેતમામ વસ્તુઓને યોગ્ય સ્થાને ગોઠવતા રહેવાનો વિવેક તેની પાસે હોય છે. બૂટને તે માથા પર ગોઠવતો નથી તો ટોપીને પગમાં ભેરવતો નથી. સૂરમો તે કાનમાં નાખતો નથી તો જોડા તે માથા પર મૂકતો નથી. પણ સબૂર!
શરીરક્ષેત્રે વસ્તુઓને ગોઠવવામાં વિવેકને હાજર રાખવામાં સફળ બનેલો માણસ જીવનક્ષેત્રે વ્યક્તિઓને ગોઠવવામાં લગભગ વિવેકને ચૂકી ગયો હોય એવું આજે સર્વત્ર દેખાઈ રહ્યું છે. ઘરાકો પાછળ કલાકો આપનાર વેપારીને પોતાના જ પરિવારને પા કલાક આપવાનો પણ સમય નથી. પત્ની પાછળ પાગલ બની ગયેલા પતિને પોતાનાં જ મમ્મી-પપ્પાના સ્વાસ્થ્યના ખબર પૂછવાનોય સમય નથી, પણ ક્યાંક આમાં અપવાદ જરૂર છે. તેમને જોઈને હૈયે ટાઢક વળે છે. મન પ્રસન્ન બને છે, ચિત્ત આનંદિત રહે છે.
એવી જ એક વાત તેમના જ શબ્દોમાં. ‘મહારાજસાહેબ, વર્ષોથી હું સંયુક્ત કુટુંબમાં રહ્યો છું, નાનો ભાઈ, તેની પત્ની, મારી પત્ની, મમ્મી, પપ્પા, બાળકો બધાંય સાથે જ રહ્યાં છીએ. વર્ષોથી રહ્યાં અને અત્યંત પ્રસન્નતાપૂર્વક રહ્યાં, પણ કેટલાંક વર્ષોથી ધંધાના કારણે અલગ થવું પડે એવી સ્થિતિ સર્જાઈ. નાના ભાઈને બીજા શહેરમાં સ્થાયી કરવો પડ્યો. વર્ષમાં મમ્મી કેટલોક સમય સુધી નાના ભાઈને ત્યાં રહે તો કેટલોક સમય મારી સાથે રહે. ભાઈઓએ વારા કર્યા છે એવું નથી, મમ્મીની ઇચ્છા હોય તો આખું વર્ષ તે મારે ત્યાં રહી શકે અને તેની ઇચ્છા હોય તો આખું વર્ષ તે ભાઈને ત્યાં પણ રહી શકે; પણ મેં પોતે મમ્મી પ્રત્યેના સદ્ભાવથી અને મમ્મીનું ગૌરવ જળવાઈ રહે એ હેતુથી એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે.
‘મારી પત્નીને મેં કહી દીધું છે કે તારા માટે તું સાડી કે ઘરેણું જે પણ ખરીદે, એ જ કિંમતની સાથે અને એ જ તું કિંમતનું ઘરેણું તારે મમ્મી માટે પણ ખરીદી લેવાનું. એ સાડી કે ઘરેણું ૬૫ વર્ષની વયે મમ્મી પહેરે કે નહીં એની ચિંતા તારી નથી. મમ્મીની ઇચ્છા હશે તો ભિખારણને આપી દેશે અને મમ્મીની ઇચ્છા હશે તો એ ઘરેણું ધર્માદામાં આપી દેશે, મમ્મીને ક્યારેય એવું લાગવું ન જોઈએ કે તેનું મહત્ત્વ ઓછું છે.’
‘પત્નીનો પ્રતિભાવ?’
સ્વાભાવિક રીતે જ મનમાં રમતો પ્રશ્ન હોઠ પર આવી ગયો, પણ પછી જે જવાબ મળ્યો એણે મન તૃપ્ત કરી દીધું.
‘ખૂબ સુંદર. આજે પણ એ વ્યવસ્થાનો ભરપૂર પ્રસન્નતા સાથે અમલ ચાલુ છે.’ - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.