ભક્તિરૂપી ચાવી વિના ભગવદ દ્વાર ન ખૂલે

11 September, 2025 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભક્તિ એવી ચાવી છે જે ન હોય તો કઠિનમાં કઠિન શ્રમ પણ નકામો થઈ જાય છે. એક ઉદાહરણ સાથે સમજાવું.

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકોને ભક્તિ એટલે શું એ નથી સમજાતું કેમ કે એમાં લૉજિક નથી. એમાં ભાવ છે, આત્મસમર્પણ છે. ભક્તિ એક એવી ચાવી છે જે ભલભલાનાં કઠિન કામો સરળ કરી નાખે છે. ભક્તિ એવી ચાવી છે જે ન હોય તો કઠિનમાં કઠિન શ્રમ પણ નકામો થઈ જાય છે. એક ઉદાહરણ સાથે સમજાવું.

અમેરિકા દેશમાં ઘણી જ બહુમાળી ઇમારતો આવેલી છે. એકસો દસ માળ સુધીની ઇમારતો છે અને એમાં ઉપર ચડવા માટે સુપરફાસ્ટ લિફ્ટનો ઉપયોગ થાય છે. આવી જ એક એંસી માળની એક ઇમારત હતી એમાં એંસીમા માળ પર ચાર મિત્રો રહેતા હતા. એક વખત રાત્રે ચારેય મિત્રો બહારથી ફરીને આવ્યા. પાર્કિંગમાં પોતાની ગાડી પાર્ક કરીને લિફ્ટ પાસે આવ્યા ત્યારે ખબર પડી કે આખી ઇમારતની લિફટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. હવે પગથિયાં ચડીને ઉપર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

એંસી માળ પગથિયાં ચડીને જવું કંઈ સહેલું નથી. થાક પણ લાગે અને સમય પણ ઘણો લાગે. સમય પસાર કરવા માટે ચારેય મિત્રોએ વારાફરતી એક-એક વાર્તા કહેવાનું નક્કી કર્યું. તેમણે પગથિયાં ચડવાનું શરૂ કર્યું અને એક પછી એક મિત્રે વાર્તા કહેવાનું શરૂ કર્યું, એ રીતે જ્યારે ઓગણ્યાએંસી માળ પૂરા થયા ત્યારે ત્રણ મિત્રોની વાર્તા પૂરી થઈ ગઈ હતી. તેમણે ચોથા મિત્રને કહ્યું કે આપણો કરાર થયો છે કે ચારેય મિત્રોએ વાર્તા કહેવી અને હવે ફક્ત એક માળ જ ચડવાનો બાકી છે, છતાં તારે તારી વાર્તા કહેવી જ પડશે. ત્યાં તો એંસીમો માળ આવી ગયો. પેલા ચોથા મિત્રે કહ્યું કે મારી વાર્તા ખૂબ જ ટૂંકી છે, ફક્ત બે શબ્દોમાં જ કહેવાની છે કે આપણે એંસી માળ પગથિયાં ચડીને ઉપર આવી ગયા પણ આપણા ફ્લૅટની ચાવી નીચે ગાડીમાં જ ભૂલી ગયા, હવે એ ચાવી લેવા માટે પાછા નીચે ઊતરવું પડે. એમ ગમે તેટલાં શિખરો સર કરીએ પણ ભક્તિરૂપી ચાવી વગર ભગવદ ધામનાં દ્વાર ખૂલી શકતાં નથી. પાછું નીચે આવીને ચડવું પડે. પણ કોઈ પણ સાધન ન હોય ને કેવળ ભક્તિનું સાધન હોય તો પણ સરળતાથી ભગવદપ્રાપ્તિ થઈ શકે.

-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

culture news religion religious places hinduism life and style columnists gujarati mid day mumbai