29 March, 2025 07:35 AM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
ધર્મ પાસેથી તમે શું શીખશો?
મંત્ર, જાપ, વ્રત કે પછી મૂર્તિઓની ઓળખ અને તિથિઓની જાણકારી? પૂજા વિશે જાણકારી મેળવશો કે પછી તમે મંદિરની સ્થાપના કેવી રીતે થઈ અને એની પાછળની વાર્તા કઈ છે, કેવી છે એ જાણશો?
ના, ધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે. અત્યારે જે અભ્યાસની વાત કરીએ છીએ એ શાસ્ત્રો કે અન્ય થોથાંઓના અભ્યાસની વાત નથી થતી, પણ ધર્મનું જ્ઞાન આપવા માટે જે વાતો થઈ છે એ વાતોના મર્મના અભ્યાસની વાત કરવામાં આવે છે. આપણે ત્યાં મોટા ભાગે અર્થ પકડવામાં આવે છે, પણ એ અર્થનું હાર્દ સમજવાની કાં તો કોશિશ કરવામાં નથી આવતી અને કરવામાં આવે છે તો મોટા ભાગે એમાં નિષ્ફળતા મળે છે અને એ નિષ્ફળતા પછી ધર્મનો અંચળો પકડીને માણસ બેસી રહે છે. ધર્મ સમજવો અઘરો હોઈ શકે પણ એનું પાલન અત્યંત સરળ અને વાજબી છે.
ધર્મ માણસાઈ શીખવે છે, માનવતા અને પરોપકાર શીખવે છે, ધર્મ અહમ છોડવાની ભાવના શીખવે છે. ધર્મ નહીં સમજાતો હશે તો ચાલશે, એ સમજવા માટે જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી; માત્ર હાર્દ સમજવાની જરૂર છે. ધર્મ ભક્તિ શીખવે અને ધર્મ પ્રેમભાવ સાથેનો સમભાવ શીખવે. ભક્તિનો અર્થ જરા પણ એવો નથી કરવાનો કે આરતી-ગરબા અને સ્તવન તમે કંઠસ્થ ધરાવતા હો. ના, ભક્તિનો અર્થ એવો છે કે એક પણ મંત્ર ન આવડતો હોય તો પણ તમે ઈશ્વર સાથે તાલમેલ જાળવી શકતા હો અને આંખ બંધ કરીને ભગવાનને તાદૃશ્ય થઈ શકતા હો.
ધર્મ લાગણીને ઉત્કૃષ્ટ કરે અને ધર્મ સંવેદનાને જાગૃત કરે. ભૂખ્યાને જોઈને જો મનમાં દુઃખ જન્મે તો એ ધર્મ અને રડતાને જોઈ તેનાં આંસુ લૂછવાનું મન થાય તો એ ધર્મ. ધર્મ સમજણ આપે, ધર્મ જવાબદારી આપે. આજે અનેક પરિવારો છૂટા પડી ગયા છે. દીકરો અને ઘરવાળી જુદાં રહે અને ઘરડાં માબાપ પણ જુદાં રહે. આ બન્ને જુદાં ન પડે અને બન્ને વચ્ચે સંબંધોમાં સંતુલન રહે એ જે કરી શકે તે ધર્મનું પાલન કરે છે અને ધર્મનું આ પ્રકારે પાલન કરવું અત્યંત આવશ્યક છે. ધર્મ વીર બનાવે. યાદ રહે, વીર અને બહાદુર વચ્ચે અર્થભેદ છે. વીર ક્યારેય વીરતા ખોટી જગ્યાએ નથી દેખાડતો. બાવડાંમાં તાકાત હોય તે અને વાચામાં મીઠાશ હોય તેનું નામ વીર. ધર્મ જાણવા માટે ગ્રંથો નહીં ઊથલાવો તો ચાલશે પણ ધર્મને જાણવા માટે મનને ઉલેચવાનું અને હૈયાને વલોવવાનું કામ ક્યારેય છોડતા નહીં.