✕

સફળ થવું છે કે સુખી જીવન જીવવું છે?

26 October, 2026 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હકારાત્મકતાનો અર્થ માત્ર હસતું મોઢું રાખીને જીવવું એ નથી. વાસ્તવિક હકારાત્મકતા તો એ છે જે મુશ્કેલીમાં પણ માર્ગ શોધી કાઢે, ઠોકર ખાધા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે અને પરિસ્થિતિ કરતાં પણ પોતાની જાતને વધુ શક્તિશાળી બનાવવાની કળા શીખવે.

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

આપણામાંથી કેટલા લોકોને આ વિષયનું જ્ઞાન છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી અને સફળ જીવન જીવવું આ બન્ને અલગ-અલગ વાતો છે? એવું જરૂરી નથી કે જેમણે પોતાના જીવનમાં સામાન્યત: બધી કામનાઓને પ્રાપ્ત કરી લીધી હોય તે પૂર્ણપણે સંતુષ્ટ અને પ્રસન્ન જ હોય! એટલે આપણે ગંભીરતાપૂર્વક આ વાતને સમજવી જોઈએ કે ઇચ્છિત કામનાઓને પ્રાપ્ત કરી લેવી એ જ સફળતા નથી. જ્યાં સુધી આપણે આપણા જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન નહીં કરીએ ત્યાં સુધી યથાર્થ સફળતા મેળવવી આપણા માટે મુશ્કેલ જ નહીં, અશક્ય બની રહેશે; કારણ કે મૂલ્યો વગર પ્રાપ્ત થયેલી સફળતા ક્ષણભંગુર સુખ સમાન હોય છે, શાશ્વત નથી હોતી. 
સફળ થવું એ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ જો આપણે સતત પોતાની અસફળતાઓ વિશે જ વિચારતા રહીશું તો સફળતા આપણાથી હંમેશાં દૂર ભાગશે. જે વ્યક્તિ પોતાની જાતને અસમર્થ માને છે તે ક્ષમતા હોવા છતાં પણ આગળ વધી શકતી નથી અને જે પોતાને સમર્થ માને છે તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અતઃ અસફળતાઓની ચિંતા ન કરો કારણ કે એ તો આપણા જીવનનું સૌંદર્ય છે અને સંઘર્ષ જીવનની કવિતા છે. ઘણી વાર પ્રથમ પ્રહારમાં પથ્થર તૂટી નથી શકતો, એને તોડવા માટે ઘણા પ્રહાર કરવા પડે છે. તેથી જરૂર છે સદૈવ આપણા ધ્યેયને લક્ષમાં રાખી આગળ વધતા રહેવાની. 
સંસારમાં એવા ઘણા લોકો છે જેઓ બહારથી અત્યંત સફળ લાગે છે, પરંતુ અંદરથી ખાલી અને થાકેલા હોય છે; કારણ કે સફળતાનો નકશો તેમણે ચોક્કસપણે બનાવ્યો છે, પણ જીવનનો નકશો ગુમાવી દીધો છે. એટલે આપણે એ સમજવું જરૂરી છે કે મૂલ્યો વગરનું જીવન એ એવા વૃક્ષ જેવું છે જે ફળ તો આપે છે, પરંતુ એની છાયા નથી. મૂલ્યો આપણને છાયા આપે છે, શાંતિ આપે છે અને અસફળતામાંથી પસાર થવાની શક્તિ આપે છે. એટલે જ તો કહેવાયું છે કે જીવનમાં હકારાત્મકતાથી પ્રયત્ન કરનારાની ક્યારેય હાર થતી નથી. જોકે હકારાત્મકતાનો અર્થ માત્ર હસતું મોઢું રાખીને જીવવું એ નથી. વાસ્તવિક હકારાત્મકતા તો એ છે જે મુશ્કેલીમાં પણ માર્ગ શોધી કાઢે, ઠોકર ખાધા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે અને પરિસ્થિતિ કરતાં પણ પોતાની જાતને વધુ શક્તિશાળી બનાવવાની કળા શીખવે. આજના આધુનિક યુગમાં જ્યાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક સ્પર્ધામાં દોડી રહી છે ત્યાં સૌથી મોટી સિદ્ધિ એ છે કે આપણે સ્વયંને ગુમાવ્યા વગર આગળ વધીએ. યાદ રહે કે આજના સમયમાં જે પોતાની શાંતિ જાળવી શકે છે તેનું જ જીવન ખરેખર સફળ બને છે.

culture news columnists life and style lifestyle news astrology