હરિગુણ શ્રવણ કરતાં સ્વદેહનું અનુસંધાન ભુલાઈને કથાસમાધિ લાગી જાય એ ભક્તિ

27 March, 2025 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકિ થયા. રામાયણની રચના કરી અને ભગવાનને આત્મસાત કર્યા.

પ્રતીકાત્મક તસવીર

ભક્તોને તો ભક્તિરસ જ પ્રિય છે. સ્વર્ગ તથા મોક્ષને પણ તે ભક્તિની સામે તુચ્છ ગણે છે. ભક્તિ મળે છે સત્સંગથી, સત્સંગ ભક્તિનું સાધન પણ છે અને પ્રથમ અવસ્થા પણ છે. સ્વયં પ્રભુએ ‘પ્રથમ ભગતિ સંતન કરે સંગા’ કહીને ભક્તિના મૂળમાં સત્સંગને મૂક્યો છે.

ધ્રુવજીને નારદજીના સંગથી ભક્તિ પ્રાપ્ત થઈ. પ્રહલાદજી માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયો એટલે ભગવાનના પરમ ભક્ત થયા. એટલે સત્સંગ પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ રીતે પ્રાપ્ત થાય તો પણ લાભકારી છે, તો પછી પ્રત્યક્ષ સત્સંગનું વર્ણન જ ક્યાંથી થાય? વાલ્મીકિ પૂર્વના સમયમાં ખૂબ જ હિંસા કરતા. આવતા-જતા રાહદારીઓને લૂંટી લેતા. નારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકિ થયા. રામાયણની રચના કરી અને ભગવાનને આત્મસાત કર્યા.

ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓને જ્ઞાનોપદેશ કરવા ગયા. ત્રણ દિવસ માટે વ્રજમાં ગયેલા ઉદ્ધવજી ત્રણ માસ સુધી વ્રજમાં રોકાયા અને ગોપીઓના સત્સંગથી ઉદ્ધવજીને ભક્તિ પ્રાપ્ત થઈ. કૃષ્ણ-કૃષ્ણ રટતાં-રટતાં વ્રજમાં ગયેલા ઉદ્ધવજી ગોપી-ગોપી રટતાં-રટતાં પાછા મથુરા આવ્યા.

સંસાર કરતાં સ્વર્ગનું સુખ, સ્વર્ગ કરતાં મોક્ષ સુખ ઉત્તમ છે. પરંતુ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નીરખવા નંદ કુમાર રે...’

ભગવદિયો કથારસિક હોય છે. હરિગુણ શ્રવણ કરતાં તેમને સ્વદેહનું અનુસંધાન પણ રહેતું નથી, તેમને કથાસમાધિ લાગી જાય છે.

સૃષ્ટિસર્જક વિધાતાએ શેષનાગને કાન નથી આપ્યા (સર્પ જાતિ ચક્ષુશ્રવા કહેવાય છે), તેમને ડર હતો કે ક્યાંક પ્રભુનું ગુણગાન સાંભળતાં એ મસ્તકને ડોલાવવા લાગે તો બ્રહ્માંડનો ભંગ થઈ જશે.

રસ આવિર્ભાવ સમયે કશુંય અનુસંધાન ન રહે એ સ્વાભાવિક છે. એટલે જ ધરાને ધારણ કરનારા શેષજીને અનંતમુખ હોવા છતાં કાન નથી.

એટલે જ ભગવદ્દ્ કથાનું શ્રવણ ભક્તિની પ્રાપ્તિ અર્થે છે, બીજાં કોઈ સુખ-સાધનો માટે નહીં.

માયા ઘણા અનર્થો કરે છે. આ અનર્થોને શાંત કરવા ભક્તિ જ ઉત્તમ ઉપાય છે. શ્રી વ્યાસજી આ સિદ્ધાંત જાણતા હતા. એટલે તેમણે ભગવાનની લીલાઓનું વર્ણન કરતી ભાગવત સંહિતાની રચના કરી. આનું શ્રવણ કરતાં જ મનુષ્યના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ પ્રગટ થઈ જાય છે. આ ભક્તિ એ મનુષ્યના શોક, મોહ અને ભયને ભગાડી દે છે.

યજ્ઞ, દાન, વ્રત, તપ જેવાં સાધન કરવાથી પુષ ઉત્પન્ન થાય છે અને કોઈક અન્ય કાળે એનું ફળ સાંપડે છે. પરંતુ ભગવદ્દ્કથામાં અલૌકિક શક્તિ રહેલી છે. શ્રવણ કરતાંની સાથે જ એ ભક્તિ ઉત્પન્ન કરી દે છે. 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

culture news religion religious places life and style columnists gujarati mid-day mumbai