17 July, 2026 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણને પ્રાપ્ત થયેલા પ્રસાદમાંથી આપણે વહેંચીએ અને ધનને દાન દ્વારા શુદ્ધ કરીએ, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. ઈશ્વર દ્વારા આપણને જે પણ પ્રાપ્ત થયું છે એને પ્રસાદરૂપ માનીને એનો ઉપયોગ કરો, વહેંચીને ખાઓ. આપણને જે પ્રાપ્ત થયું છે એમાં પ્રસાદ બુદ્ધિ હોય છે. બે વાત નિશ્ચિતરૂપે એમાં થાય છે.
એક તો પ્રસાદ છે એટલે આપણે એનો આદર કરીએ છીએ. એનો દુરુપયોગ નથી કરતા, પ્રસાદને આપણે નીચે જમીન પર પણ પડવા નથી દેતા, પ્રસાદ પગ નીચે આવવા નથી દેતા અને જો એ જમીન પર પડ્યો હોય તો આપણે તરત એને માથા પર લગાડીને આદરપૂર્વક ગ્રહણ કરીએ છીએ. આદર-બુદ્ધિને કારણે એનો દુરુપયોગ નથી થતો. તમારું શરીર તમારું ધન છે, તમારો પૈસો તમારું ધન છે, ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલો પ્રસાદ છે તેથી ન તો શરીરનો દુરુપયોગ કરો, ન તો સંપત્તિનો. એ પ્રસાદનો અનાદર છે.
જે બીજાનું છે એને છીનવી લેવાની મનસા ન રાખીએ. આ ધન કોનું છે? કોઈનું નહીં. આપણું શરીર પણ અહીં જ પડ્યું રહી જાય છે અને શરીરથી પુરુષાર્થ કરીને જે કમાયું છે એ પણ અહીં જ પડ્યું રહી જાય છે. બધું અહીં જ પડ્યું રહે છે, કંઈ પણ સાથે નથી આવતું. ફક્ત તમે કરેલાં કર્મ જ તમારી સાથે ચાલે છે એટલે કર્મ કરવામાં સાવધાન રહેજો. કર્મ કરવામાં જો ક્યાંય ગફલતમાં રહ્યા તો તરત જાતને કહેજો કે એ તમારી સાથે ચાલવાનાં છે, તમારી સાથે આવવાનાં છે.
ભારતીય પરંપરામાં ઉત્સવ કે પર્વ સાથે દાનને પણ જોડી દેવામાં આવ્યું છે. ત્યાગની વૃત્તિ જો મનમાં જન્મે તો દાનની વૃત્તિ પણ વધે. બીજી રીતે કહીએ તો આપણા જે પરંપરાયુક્ત ઉત્સવ છે એ જરૂરી છે. સમયાંતરે મનુષ્યના પરસ્પરના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય, મતભેદ થયો હોય તો ઉત્સવો અવસર આપે છે કે આપણા મતભેદને ભૂલીને, બીજાની ભૂલોને માફ કરીને જિંદગીને નવી રીતથી જીવવાનો પ્રારંભ કરીએ.
જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ, ઉત્સાહ અને ઉમંગની રંગોળી પૂરીએ અને પ્રેમના દીપક પ્રજ્વલિત કરીએ, એકબીજાને મીઠાઈ ખવડાવીએ અને આપસી મતભેદને ખતમ કરીએ.