06 July, 2025 07:28 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું મેઇન ડોર અત્યંત મહત્ત્વનું છે. કોઈ પણ એનર્જીને ઘરમાં લાવવાનું કે પછી ઘરની બહાર રોકવાનું કામ આ મેઇન ડોર કરે છે. નકારાત્મક ઊર્જાને રોકવા માટે આ દરવાજો બહુ મહત્ત્વનો રોલ ભજવે છે અને એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે આ દરવાજા પર અમુક વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે ઘરના મેઇન ડોર પર શું હોવું જોઈએ કે પછી એ ડોર પર શું ન હોવું જોઈએ. બહુ સરળ એવા આ રસ્તાઓ વાપરવા આસાન છે.
શક્ય હોય તો અહીં આપવામાં આવેલા સૂચનનો અમલ કરવો.
દરવાજા પર શુભ ચિહ્નો...
સનાતનમાં શુભ-લાભ, ઓમકાર અને સ્વસ્તિકને શુભ ગણાવવામાં આવ્યા છે. દરવાજા પર આ ચિહન અચૂક હોવું જોઈએ. જો ત્રણેય ચિહન રાખી શકાય તો ઉત્તમ પણ ઓછામાં ઓછું એક ચિહન તો હોવું જ જોઈએ. આજના સમયમાં ઘણા લોકોને એ ખબર નથી હોતી કે શુભ-લાભ કઈ રીતે લખવા જોઈએ? શુભ-લાભ આ જ ક્રમમાં લખવા જોઈએ. આ ક્રમનો ભાવાર્થ છે કે હું સૌનું શુભ કરીશ, પરમાત્મા તમે મને લાભ કરાવતા રહેજો.
શુભ-લાભની વચ્ચે સ્વસ્તિક રાખવામાં આવે તો પણ એનું પરિણામ ખૂબ સારું મળે છે. સનાતન સિવાયની વ્યક્તિએ તેમના ધર્મમાં કહેવાયેલાં શુભ ચિહનો મેઇન ડોર પર અચૂક રાખવાં જોઈએ.
છેલ્લાં થોડાં વર્ષોથી આ ચિહનોનાં સ્ટિકરનો ઉપયોગ વધ્યો છે પણ જો શક્ય હોય તો એ રોજેરોજ કુમકુમ, ચંદન અને હળદરના મિશ્રણથી જાતે બનાવવામાં આવે તો એ અતિ ઉત્તમ છે અને ધારો કે એ શક્ય ન હોય તો ઍટ લીસ્ટ રોજેરોજ સ્વસ્તિક કે ઓમકાર તો દરવાજા પર ઘરની લક્ષ્મી દ્વારા બનાવવો જ જોઈએ.
દરવાજે બાંધો તોરણ
તોરણ બાંધવાની પ્રથા શુભ દિવસોમાં તો હોય જ છે પણ દરેક દિવસને શુભ માનીને રોજેરોજ આંગણે તોરણ બાંધવાનું સૂચન વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવે છે. સાઉથનાં અનેક ગામોમાં આજે પણ રોજ આસોપાલવના પાનનું તોરણ રોજ ઘરે લગાડવાની પ્રથા છે. એ ઘરમાં રહેતા પરિવારોનો અભ્યાસ કરો તો તમને સ્પષ્ટ દેખાય કે એ કયા સ્તર પર સુખી અને સંતોષી છે.
આસોપાલવ ઉપરાંત ફૂલનું તોરણ પણ આંગણે બાંધી શકાય. જો રોજ તોરણ ન બાંધી શકતા હો તો ઘરના મુખ્ય દરવાજા પર કાપડનું તોરણ પણ બાંધી શકાય. તોરણ ભાતીગળ હોવું જોઈએ અને એમાં શુભ ચિહનો હોય એ જરૂરી છે. આંગણે બંધાયેલું તોરણ બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં દાખલ થતાં રોકે છે. તમે કહો કે આ જે તોરણ છે એ તોરણ હવામાં બનાવવામાં આવેલી લક્ષ્મણ રેખાનું કામ કરે છે.
આગળ વધતાં પહેલાં એક ખાસ વાત કહેવાની. તોરણમાં ભગવાનની પ્રતિકૃતિ કે દરવાજા પર ભગવાનનો કે મંદિરનો ફોટો કે તેમની પ્રતિકૃતિ ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે એવું કરીને અજાણતાં જ વ્યક્તિ ભગવાન કે ભગવાનના ઘર એવા મંદિરને ઘરની બહાર મોકલીને જાકારો આપી દે છે. એટલે શક્ય હોય તો શુભ-લાભ, ઓમકાર, સ્વસ્તિક, કળશ જેવાં શુભ ચિહનોનું જ તોરણ પસંદ કરવું.
આંગણે લક્ષ્મીપાદ છે શુભ
લક્ષ્મીપાદ એટલે મા લક્ષ્મીનાં પગલાં ઘરના આંગણે અચૂક હોવાં જોઈએ. એ પગલાં ઘરમાં દાખલ થતાં હોય એ મુજબ એને રાખવાનાં હોય છે. જો શક્ય હોય તો રોજેરોજ એ પગલાંની છાપ બનાવવી જોઈએ. લગાવવામાં આવતાં સ્ટિકર કરતાં એ ખૂબ શુભ ફળ આપે છે. જો એ સંભવ ન હોય તો પેલી ગુજરાતી કહેવતનું પાલન થઈ શકે. ન મામા કરતાં કાણો મામો શું ખોટો!
પ્રયાસ કરવો કે દર શુક્રવારે આંગણે કંકુ પગલાંની છાપ પાડો. સાંજે એ કંકુ કે લાલ કલરને એકત્રિત કરી એને કૂંડામાં પધરાવી દેવો.
અચૂક રાખો નેમ-પ્લેટ
જો નામ વિનાનો માણસ ન હોય તો નેમ-પ્લેટ વિનાનું ઘર ન હોય. ઘરના મેઇન ડોરની બાજુમાં નેમ-પ્લેટ અચૂક હોવી જોઈએ. હવે તો મોટા ભાગે લોકો ફ્લૅટમાં રહેતા હોય છે એટલે ફ્લૅટને નામ આપવું સંભવ ન લાગે પણ સાઉથમાં જૂની પ્રથાને અમલમાં મૂકીને ફ્લૅટને પણ નામ આપવાનું શરૂ થયું છે. જો તમે એવું ન કરી શકો તો પણ અચૂક એટલું કરો કે તમારા ફ્લૅટની બહાર નેમ-પ્લેટ હોય. એ નેમ-પ્લેટ ફૅન્સી બનાવવાની જરૂર નથી. સાદી, સરળ અને સહેલાઈથી નામ વાંચી શકાય એ જરૂરી છે.
નેમ-પ્લેટમાં પરિવારના અર્નિંગ પર્સન અને ઘરના વડીલનું નામ અવશ્ય હોવું જોઈએ. જો તમને શરમ કે સંકોચ ન હોય તો તમે પરિવારના દરેક સભ્યનું નામ પણ લખી શકો છો.
(આવતા રવિવારે વાત કરીશું કે ઘરના મેઇન ડોર પર અને પાસે શું-શું કોઈ કાળે ન હોવું જોઈએ.)