સ્વેચ્છાએ ગરીબી સ્વીકારનારે કેટલાય લોકોનાં જીવન સમૃદ્ધ કર્યાં

09 September, 2025 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માતા કુંતાની જેમ સામેથી તકલીફ માગવી એ પણ એક પ્રકારની ભીષ્મપ્રતિજ્ઞા જ કહેવાય. આજીવન બ્રહ્મચારી રહેવાનો સંકલ્પ આની પૂર્વતૈયારીરૂપે જ હતો.

વિનાયક નરહરિ ભાવે

વિઘ્નહર્તા વિનાયકના વિસર્જન પછી બીજા એક વિનાયકને યાદ કરીએ જેમણે ભૂમિહીનોના જીવન-સર્જન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું - વિનાયક નરહરિ ભાવે, જન્મ ૧૮૯૫ની ૧૧ સપ્ટેમ્બરે.

બિલ ગેટ્સના નામે એક વાક્ય પ્રખ્યાત છે કે તમે ગરીબ જન્મ્યા એ તમારી ભૂલ નથી, પણ જો તમે ગરીબ મૃત્યુ પામો તો એ તમારી ભૂલ છે. આ એક છેડાનો અભિગમ છે તો સામે બીજા છેડાનો અભિગમ પણ છે. ‘દેહ, સંસ્થા અને પૈસાથી અલગ રહીને કામ કરવાની મારી પ્રવૃત્તિ રહી છે’ એવા વિનોબા ભાવેના ઉદ્ગારમાં જનસેવા કેન્દ્રમાં છે, જ્યારે બિલ ગેટ્સના જીવનનો ઉદ્દેશ જ પૈસો થઈ જાય છે. વિનોબા બાવેએ સ્વેચ્છાએ અકિંચનપણું, ગરીબી સ્વીકાર્યાં હતાં. માતા કુંતાની જેમ સામેથી તકલીફ માગવી એ પણ એક પ્રકારની ભીષ્મપ્રતિજ્ઞા જ કહેવાય. આજીવન બ્રહ્મચારી રહેવાનો સંકલ્પ આની પૂર્વતૈયારીરૂપે જ હતો.

મૅટ્રિકની પરીક્ષામાં ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક લાવનારની જિંદગીની ગણતરી કેટલી ટકોરાબંધ હશે કે ઇન્ટરની પરીક્ષા આપવા વડોદરાથી મુંબઈ જવા નીકળવાના આગલા દિવસે બધાં પ્રમાણપત્રો બાળી નાખ્યાં અને મુંબઈને બદલે કાશી પ્રયાણ કર્યું. ત્રણેક મહિનાના અધ્યયન પછી ગાંધીજીના નિમંત્રણથી કોચરબ આશ્રમમાં આવ્યા. આજના મહારાષ્ટ્રનાં ગામોમાં ફર્યા. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને અલગ નહીં પણ બૉમ્બે પ્રેસિડન્સીના જ ભાગ હતાં.

પિતાના અવસાન બાદ ગામની પચીસ એકર જમીનનું ભૂમિહીન ખેતમજૂરોમાં વિતરણ કર્યું. ૨૭,૦૦૦ રૂપિયાની મૂડી મળી એ પણ ગ્રામસેવા મંડળને આપીને પોતાનું અકિંચનપણું સાબિત કર્યું. કેટલીક વ્યક્તિઓની સંગત જ એવી હોય છે કે તેમની પાસે બેસવાથી હૃદયમાંથી કરુણાનું અને હાથમાંથી દાનનું ઝરણું વહેવા લાગે. વિનોબાની વાણીમાં પરમાર્થનું તેજ હતું. તેલંગણના શ્રી રામચંદ્ર રેડ્ડી દ્વારા ૧૦૦ એકર ભૂમિનું પ્રથમ દાન મળ્યું અને ભૂદાન પ્રવૃત્તિનો આરંભ થયો. આખા દેશમાં, કાશ્મીરથી કન્યાકુમારી પદયાત્રા કરીને ઘણા શ્રીમંતોનાં હૃદયપરિવર્તન કરાવ્યાં, અનેક ભૂમિહીનોને વેઠિયા મજૂરીમાંથી છોડાવ્યા. ભારત જ નહીં, બંગલાદેશના મજૂરોના જીવનમાં પણ ભૂદાન પ્રવૃત્તિથી માટીની સાચી મીઠી સુગંધ પ્રસરી.

આ વિનાયકની મનુષ્યતાને કોઈ પ્રદેશનો ગણવેશ નહોતો, ન રાગ કે દ્વેષ હતો, ન આવેશ કે આદેશ હતો. વાણીમાં સત્ હતું. ગરીબીને સામેથી સ્વીકારનારને યાદ કરીશું તો અંતરથી જરૂર સમૃદ્ધ બનીશું. બાય ધ વે, સોશ્યલ મીડિયાના પ્રભાવના જમાનામાં પદયાત્રાની અસર ઓછી નથી થઈ!

-યોગેશ શાહ

history columnists Sociology culture news independence day happy birthday mahatma gandhi gujarati mid day mumbai