મા-બાપથી છૂટા અને કૂતરા-બિલાડાની સાથે રહેવામાં આપણને મજા આવે છે

15 July, 2025 01:15 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

મા-બાપને વૃદ્ધાશ્રમનાં પગથિયાં ચડાવી દે એવા નીંભર અને નઠોર તો વળી કોઈક જ રહેવાના પણ મા-બાપને ઘરમાં જ વૃદ્ધાશ્રમની તમામ સવલતો મળી રહે એવા સ્થિતિસંપન્ન ઘણા આજે મળશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

પોતાની જાતને ખરાબ કહેતાં અટકીએ છીએ એટલે કહી દઈએ છીએ કે સમય બહુ ખરાબ છે. બદલાયેલા સમયની (એટલે કે માણસની) એક લાક્ષણિકતા છે. ઇન્ડિવિઝ્યુઅલિઝમ (વ્યક્તિવાદ), હક, પ્રાઇવસી, પર્સનલાઇઝડ અપ્રોચ વગેરે વધી રહ્યા છે. કુટુંબપ્રથા તૂટવાનાં કારણોમાં આ એક મહત્ત્વનું કારણ છે. પોતાની જિંદગીમાં માથું મારે તેને ઘરમાં રાખવાની તૈયારી નથી. 

નાનકડા ઘરમાં, સીમિત આવકમાં, બધી જવાબદારીઓ વચ્ચે મા-બાપ ચાર સંતાનોને મોટા કરી શકતાં હતાં (હવે જોકે ચાર સંતાનો ભાગ્યે જ હોય છે). છતાં એક વૃદ્ધ મા-બાપને સાચવવામાં સંતાનને મોઢે ફીણ આવી જાય છે. મા-બાપને વૃદ્ધાશ્રમનાં પગથિયાં ચડાવી દે એવા નીંભર અને નઠોર તો વળી કોઈક જ રહેવાના પણ મા-બાપને ઘરમાં જ વૃદ્ધાશ્રમની તમામ સવલતો મળી રહે એવા સ્થિતિસંપન્ન ઘણા આજે મળશે. કેટલાંક સંસ્થાકીય નિયંત્રણો ઘરમાંય મુકાયેલાં હોય છે. માતાએ રૂમની બહાર નહીં નીકળવાનું, ઘરના કોઈ કામમાં માથું નહીં મારવાનું, લેવાતા નિર્ણયોમાં સંમત જ થવાનું, ઘરનું ઘસાતું ક્યાંય નહીં બોલવાનું, કોઈની ભૂલો નહીં કાઢવાની, વહુએ કેટલો ખર્ચ કર્યો કે કઈ વસ્તુ કેટલી કિંમતની છે જેવી બાબતો પૂછવાની નહીં, લાઇટ, પંખા, ગૅસ બળે તો પોતાનો જીવ બાળવાની છૂટ પણ બીજાનો જીવ ખાવાનો નહીં. પપ્પાએ ધંધામાં માથું નહીં મારવાનું, નાના પૌત્રોનો ભણવાનો ટાઇમ બગાડવાનો નહીં, ઘરે બહુ મહેમાન આવે તેની ચિંતા કરવાની નહીં. પૈસા વાપરવાની છૂટ પણ કોણે ક્યાં કેટલા ખર્ચ્યા એનો હિસાબ માગવાનો નહીં. ક્યાં જાઓ છો, કેટલા વાગ્યે આવશો જેવા પ્રશ્નો તો જાણે હોય જ નહીં પણ ‘બહુ મોડું થઈ ગયું’ જેવાં કાળજી વચનો પણ ઉચ્ચારવાનાં નહીં. અલબત્ત, દીકરો સાથે રહે છે એ બડભાગ! માણસ કૂતરા-બિલાડાને પ્રેમથી પાળે, સાચવે, ખવડાવે, રમાડે, ફેરવે. આમાંનું કાંઈ ઘરના વૃદ્ધો સાથે નહીં? જિંદગીના આઠ દાયકાની ભેટ આપનારાને નિરાંતે દસ મિનિટ પણ આપી ન શકાય? 

બૌદ્ધિકતા વધે એટલે ઉપકારોને સમજી શકવાની સંવેદનશીલતાને ખતરો પહોંચે છે. કબૂલ, વૃદ્ધોની ઉંમરને આધીન કેટલીક મર્યાદા અને સ્વભાવની વિલક્ષણતાઓ પણ આમાં કારણ હોઈ શકે છે. છતાં આને એક ચૅલેન્જ માનીને સ્વીકારી ન શકાય શું? અઘરી પિચ પર રન બનાવી જાણનારા બૅટ્સમૅનની માફક કે બજારની અફડાતફડીમાં ઘણાની નુકસાની વચ્ચે આબાદ કમાઈ લેનારા ચકોર વેપારીની જેમ કે પછી અતિશય ટફ પ્રશ્નપત્રમાં પણ માતબર માર્ક સ્કોર કરી લેનારા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટની જેમ આવા અઘરા કેસ પણ પ્રેમથી જાળવી શકાય છે. મા-બાપનાં વીતેલાં વર્ષો અને પોતાનાં આગામી વર્ષો કાયમ નજરમાં રાખવા જેવાં છે. જીવનની આન-બાન-શાન જ્યારે ભુલાય છે ત્યારે ઘર-ઘરમાં બાગબાન રિલીઝ થાય છે.

culture news life and style columnists gujarati mid day mumbai relationships