ધર્મને વિશેષણ લગાવવાનું શરૂ થાય ત્યારે નિમ્નતા અને મહત્તાનો ભેદ શરૂ થાય

10 December, 2024 03:27 PM IST  |  Mumbai | Morari Bapu

બે હોય ત્યાં સંઘર્ષની સંભાવના છે. બે હોવાથી સ્વાભાવિક જ સંઘર્ષ થાય છે. તમારા ઘરમાં એક બાળક છે તો ક્યારેય સંઘર્ષ નહીં થાય પરંતુ એક બાળક બે વર્ષનું હશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ધર્મ બે છે જ નહીં. ધર્મ એક છે અને એક જ રહે.

બે હોય ત્યાં સંઘર્ષની સંભાવના છે. બે હોવાથી સ્વાભાવિક જ સંઘર્ષ થાય છે. તમારા ઘરમાં એક બાળક છે તો ક્યારેય સંઘર્ષ નહીં થાય પરંતુ એક બાળક બે વર્ષનું હશે અને બીજું બાળક ઘરમાં આવશે તો શરૂઆતમાં બે વર્ષના બાળકને માફક નહીં આવે. બહુ સૂક્ષ્મદર્શન કરજો તો ખ્યાલ આવશે.

નાના બાળકને મા વધારે ખોળામાં લેશે, વધારે સમય આપશે તો મોટાને થશે કે આ શું છે? તેને ખબર નથી કે આ મારો જ ભાઈ છે. તેને થશે કે મારામાં ભાગ પડાવનારું આ કોણ આવી પડ્યું, ક્યાંથી આવી પડ્યું?

બેમાં સંઘર્ષ થાય છે એટલે ભારતે અદ્ભુત શોધ કરી છે, જેનું નામ છે અદ્વૈત. અદ્વૈતમાં ક્યારેય કોઈનો સંઘર્ષ અસંભવ છે એટલા માટે આપણી શ્રુતિઓએ કહ્યું છે,

એકમ્ સત્. અર્થાત સત્ય એક છે.

અને સાહેબ, એક તો લગાવવું પડ્યું. સત્ય તો સત્ય છે. એક અંક લગાવવાથી પણ બીજું કોઈ છે એવી સંભાવના પ્રગટ થાય છે, એવો વિચાર પ્રગટ થાય છે તો બાપ! જ્યારે ધર્મને વિશેષણ લગાવવાનું શરૂ થાય છે ત્યારે નિમ્નતા અને મહત્તાનો ભેદ શરૂ થઈ જાય છે. હું નાનો હતો ત્યારથી મને સમજાતું નહોતું કે અને હવે હું ખુલ્લેઆમ કહું છું કે જેનો પ્રચાર કરવો પડે એ શું ધર્મ છે? ધર્મનો પ્રચાર કરવો પડે તો સમજવું કે ધર્મ કમજોર છે. તમારા પ્રચારના બળથી એ સબળ થઈ રહ્યો છે અને બધા ધર્મપ્રચારમાં લાગી પડ્યા છે, ધર્મ તો સૌની પોતપોતાની સંપદા છે. નિજ સંપદા છે.

ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે બૈર.

ધર્મ તો એક જીવનદૃષ્ટિ છે. ધર્મ તો એક જીવનમાર્ગ છે. સત્યક ધર્મ કોઈના માર્ગનો અવરોધ નથી બનતો. કોઈના સંઘર્ષનું કારણ બનતો નથી. કોઈને જખમી બનાવતો નથી. આપણા મહાપુરુષોએ કહ્યું છે કે ખૂબસૂરત ધર્મના નામે પૃથ્વી પર કેટલી લડાઈઓ થઈ છે.

ધર્મનાં ચાર સ્વરૂપ છે.

સત્ય, અહિંસા, પરહિત અને પવિત્રતા. જો આ ચાર સ્વરૂપને પામી લો તો જીવન ધન્ય થઈ જાય પણ એને પામવા માટે ઘણું છોડવું પડે, ત્યજવું પડે, મૂકવું પડે અને એ છોડવા-મૂકવા કે ત્યજવામાં કોઈ પીડા નથી કારણ કે ધર્મ ક્યારેય પીડા આપતો જ નથી. જૈનોમાં અન્ન-જળ વિનાના ઉપવાસ થાય છે, એ કરનારાને જુઓ તો તેના ચહેરાનું તેજ જ કહી દે કે ધર્મ સમૃદ્ધિ આપે છે ને એ સમૃદ્ધિ તેના ચહેરા પર નિખાર બની છે.

culture news religion hinduism columnists life and style Morari Bapu mumbai gujarati mid-day