12 April, 2025 07:19 AM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદ
આર્થિક રીતે કૌભાંડ કરનારાની માટે આપણે ત્યાં કાયદાઓ હવે કડક છે. એને જેલની સજા પણ થાય છે અને વર્ષો સુધી એ જેલમાં સડતો રહે છે. એમાં કંઈ ખોટું નથી પણ દુઃખ એ વાતનું થાય કે સમાજની માનસિક અને ધાર્મિક લાગણીઓ સાથે છેતરપિંડી કરનારા માટે આપણી સોસાયટી કે કાયદો ત્યાં કોઈ પગલાં જ્યાં સુધી જે-તે વ્યક્તિ સામે કાયદાકીય કોઈ ફરિયાદ નથી થતી. આપણે વાત કરીએ છીએ, સંસાર છોડીને સંન્યાસ લેનારા એવા વ્યક્તિઓની, જે સંસાર ત્યજી દીધા પછી સંસારની માયાથી અલિપ્ત નથી થયા. હું હંમેશાં કહું છું કે સંસાર છોડી, પરિવારને ત્યજી નીકળી જનારાએ ફરી સંસારીઓ તરફ જવું જ ન જોઈએ. એવું કરનારાઓ હકીકતમાં માયાને અકબંધ રાખતાં હોય છે. દૂર જંગલમાં સરસ મજાની જગ્યાએ રહો અને પ્રભુધ્યાન કરો. તમને કોઈએ કહ્યું નથી કે અન્યને તમે પ્રભુધ્યાન કરાવો અને એ પછી પણ મોટા ભાગના સાધુબાવાઓ સંસારી વચ્ચે જ પડ્યાપાથર્યા રહે છે.
હમણાં સુરતમાં એક જૈન સાધુને જાતીય-ઉત્પીડન માટે કોર્ટે સજા ફરમાવી. આવું જ એક બીજા સાધુ માટે પણ છેલ્લા દોઢ-બે મહિનાઓથી વાતો થઈ રહી છે. આવું જ્યારે આંખ સામે આવે ત્યારે બહુ દુઃખ થાય. આક્ષેપ, ખુલાસાઓ, ચોખવટ અને પ્રતિઆક્ષેપ સંસારના નિયમોમાં આવનારા શબ્દો છે, સંન્યાસના માર્ગ પર ચાલનારાઓને તો આ બધા શબ્દો અપશબ્દ સમાન લાગવા જોઈએ. આવું બને એ સમયે સૌથી પહેલાં તો તેમણે જ પોતાનો માર્ગ બદલીને સંસારની દુનિયામાં આવી જવું જોઈએ. સંન્યાસી પર જ્યારે પણ આક્ષેપો થયા છે ત્યારે ધર્મ શરમજનક અવસ્થામાં મુકાતો હોય છે અને સાથોસાથ તેને ગુરુ માનીને આગળ વધનારાઓને પણ એ વ્યક્તિ શરમજનક પરિસ્થિતિમાં મૂકતો હોય છે. ઓશો બહુ સરસ કહી ગયા છે. આગ અને પેટ્રોલને ક્યારેય એકસાથે રાખવા નહીં. જ્યારે પણ એવું બન્યું છે ત્યારે વિસ્ફોટ થયો છે.
સંસારી અને સંન્યાસીને એ પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય અને એટલે જ કહેતો રહ્યો છું કે સંસાર છોડીને સંસારીઓનો મેળવડો કરનારાઓથી સાવચેત રહેવું. આજનો ગુરુ ક્યારે ગુરુ ઘંટાલ બની જાય એ દિશામાં વિશ્વાસ ડગમગી જાય તો મૂંઝાવાની જરૂર નથી. જેણે ભગવાનનો માર્ગ પસંદ કર્યો, એ માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું તે જો ખોટું કરતાં ખચકાય નહીં તો વ્યક્તિગત રીતે થયેલી ખોટી પસંદગી માટે ફાટી ન પડવાનું હોય. અયોગ્ય રીતે લેવાયેલી એ ભાવનાત્મક પસંદગીને ભૂલીને આગળ વધવાનું હોય. પણ યાદ રહે, આગળ વધવાનું હોય. ફરી-ફરીને એ દિશામાં જનારાને એટલું જ કહેવાનું, અજાણતાં થાય એને જ ભૂલ કહેવાય, વારંવાર થતી ભૂલ ઇચ્છા છે.