ખરાબનો સંગ થઈ જાય તો જીવન ઊર્ધ્વગતિની જગ્યાએ અધોગતિ તરફ જવા માંડે

07 August, 2025 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્સંગનો અર્થ કોઈ એક વ્યક્તિ બોલે અને આપણે સાંભળીએ એટલું સીમિત ન રહે, સત્સંગનો અર્થ સારાના સંગમાં રહેવું, શાસ્ત્રના સંગમાં રહેવું, સંતના સંગમાં રહેવું, સત્યના સંગમાં રહેવું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

આપણા સંસ્કૃત વાકવૈભવ અથવા તો વિદ્વાનોના જે-જે પણ ગ્રંથો છે એમાં એક વાત બધી જ જગ્યાએ સ્પષ્ટ લખી છે કે સત્સંગ જ જીવનનો ઉદ્ધાર કરી શકે. સત્સંગનો અર્થ કોઈ એક વ્યક્તિ બોલે અને આપણે સાંભળીએ એટલું સીમિત ન રહે, સત્સંગનો અર્થ સારાના સંગમાં રહેવું, શાસ્ત્રના સંગમાં રહેવું, સંતના સંગમાં રહેવું, સત્યના સંગમાં રહેવું.

સત્સંગના ઘણાબધા અર્થો હોઈ શકે,  બે વ્યક્તિ મળે અને રામ-રામ કરે એ પણ સત્સંગ છે, કોઈની નિંદા કર્યા વગરના શબ્દો દ્વારા એકબીજાને સમજવાની અને સમજાવવાની કળા એનું નામ પણ સત્સંગ છે. સત્સંગ ભગવદ્ કૃપાથી અને પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ આજે વાત કરવી છે દુ:સંગની.

આપણે ત્યાં સૂત્રોનો બહુ મહિમા છે. એક સૂત્રાત્મક ગ્રંથ છે એનું નામ છે શાઙડીલ્ય ભક્તિસૂત્ર અને એક સૂત્રાત્મક ગ્રંથનું નામ છે નારદ. ભક્તિ સૂત્ર એ નારદભક્તિમાં એક સૂત્ર મળ્યું છે - દુઃસંગઃ સર્વથૈવ ત્યાજ્યઃ

કોઈ પણ અવસ્થામાં દુ:સંગને પોતાની સાથે રાખવો નહીં, એ દુ:સંગ વિચારોમાં પ્રવેશ કરે મનમાં પ્રવેશ કરે, બુદ્ધિમાં પ્રવેશ કરે, ચિત્તમાં પ્રવેશ કરે અને પછી એ દુ:સંગ માણસને અધોગતિ તરફ લઈ જાય. મન તો સંગમાં રહેશે જ કારણ કે મનનો સ્વભાવ સંગ કરવાનો છે પરંતુ હવે આપણે સૌએ સાથે મળીને વિચારવાનું રહ્યું કે શું સારું અને શું ખરાબ. મનને એવી ટેવ પાડીએ કે સારાના સંગમાં રહે. નારદજીએ દુ:સંગ માટે જે સૂત્ર લખ્યું છે એનો વિસ્તાર કરતાં પૂજ્યપાદ અખંડાનંદજી મહારાજ (વૃન્દાવનવાળા)એ ખૂબ સુંદર એક વાત કરી છે કે દુ:સંગ ચાર પ્રકારે થઈ શકે -

(૧) જે વસ્ત્રની આપણે પરમાત્માના શરીર પર કલ્પના નથી કરી શકતા એ વસ્ત્રને પહેરવાનો ક્યારેય પ્રયાસ ન કરવો કારણ કે વસ્ત્ર પણ આપણા માટે દુ:સંગ બની શકે છે.

(૨) જે સામગ્રી આપણે પરમાત્માને ન ધરાવી શકીએ એ સામગ્રી અને પોતે આરોગવાનો પ્રયાસ ન કરવો જોઈએ એ અન્ન પણ આપણા માટે દુ:સંગ બની શકે છે.

(૩) જે વાણી આપણે પરમાત્માની સામે નથી બોલી શકતા એને જગતમાં બોલવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એ શબ્દ પણ આપણા માટે દુ:સંગ બની શકે છે.

(૪)  કોઈ પણ મોટા વિદ્વાન હોય, સાક્ષર હોય, તજજ્ઞ હોય પણ જો એ આપણા ઈષ્ટની નિંદા કરે, તમે જે ભગવાનને માનો છો એ ભગવાન નિંદા કરે તો એ વ્યક્તિ પણ આપણા માટે દુ:સંગ બની શકે છે.

સર્વદા આ ચારેય વસ્તુને બહુ ઝીણવટભરી નજરે વિચારવી જોઈએ. આ ચારેય વિશે જે અખંડાનંદજી મહારાજે આપણને સમજાવ્યું છે, કોઈ પણ અવસ્થામાં દુ:સંગથી દૂર રહી અને સત્સંગ તરફ મન કેળવાય, બુદ્ધિ કેળવાય અને ચિત્ત કેળવાય એવા પ્રયાસો સતત થતા રહેવા જોઈએ.

-આશિષ વ્યાસ

culture news life and style mental health columnists gujarati mid day mumbai