05 May, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
એક સંસ્કૃત ઉક્તિમાં કહેવાયું છે, તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના.
અર્થાત્, દરેકના મગજમાં જુદા-જુદા વિચારો છે. એમ દરેકમાં જુદી-જુદી પ્રકૃતિઓ પડેલી છે. જેમ દરેકની ફિંગરપ્રિન્ટ જુદી હોય છે એમ જેટલા માણસો એટલા સ્વભાવો જોવા મળે છે. એટલે જ કહેવાય છે, ‘મનુષ્ય સ્વભાવશીલ પ્રાણી છે.’ જાતજાતના અને ભાતભાતના સ્વભાવોનો સમૂહ એટલે મનુષ્ય. આવા અનેક સ્વભાવો મનુષ્યોની ઓળખાણ બની જતી હોય છે. જેમ કે કોઈક ચંચળ, તો કોઈ શાંત, કોઈ ક્રોધી, તો કોઈ કપટી, કોઈ સત્યવાદી તો કોઈ જૂઠાબોલા. આવા અનેક સ્વભાવો મનુષ્યમાં રહેલા છે. આ સ્વભાવ-પ્રકૃતિ ટાળવાં ખૂબ કઠણ છે. એટલે કહેવાય છે સ્વભાવો દૂરતિ ક્રમઃ
સ્વભાવ ટાળવા અઘરા છે. સ્વભાવ-પ્રકૃતિ કોઈ સ્થૂળ વસ્તુ નથી કે જેને સરળતાથી દૂર કરી શકાય. પગમાં પહેરેલાં બૂટ કે શરીર પરનાં વસ્ત્રો કે અલંકારો સરળતાથી ઉતારી શકાય છે. એટલી જ સરળતાથી સ્વભાવ મૂકી શકાય એમ નથી. એ વાસ્તવિકતા છે. જેમ મોટો પથ્થર તોડવો સહેલો છે પરંતુ અણુ તોડવો અઘરો છે. આ સ્વભાવ તો અણુ કરતાં પણ સૂક્ષ્મ છે, જે જીવ સાથે એકરસ થઈ ગયો છે.
જેમ મૂળા ખાધા પાડી ગમેતેટલા લાડુ જમીએ પણ મૂળાનો ઓડકાર આવ્યા વિના રહે જ નહીં. જેમ કડવા લીમડાના બીજને શેરડીનું ખાતર નાખીએ તથા સાકરનું પાણી સીંચવામાં આવે તો પણ એની કડવાશ મટી જતી નથી એમ માણસ પણ પોતાના સ્વભાવને વશ થઈને જ વર્તે છે.
ઇજિપ્તના પિરામિડના ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવળેષો મળી આવ્યા જેના પર કંઈક લખેલું હતું. ઇતિહાસવિદોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને ઉકેલ્યું તો એમાં એમ લખેલું માલૂમ પડ્યું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. આજથી સો વર્ષ પહેલાં જમાનો ખૂબ સારો હતો.’
ખૂબ આશ્ચર્યની વાત તો એ છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લોકો જે બોલતા હતા એવાં જ, કહો કે એ જ વિધાનો આજે પણ લોકો બોલે છે કે આજે જમાનો બગડી ગયો છે. આજથી સો વર્ષ પહેલાં જમાનો સારો હતો. અર્થાત્ આજથી હજારો વર્ષ પહેલાં માનવીની જે વૃત્તિ હતી એવી જ વૃત્તિઓ આજે પણ છે. કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે, પણ વૃત્તિઓ બદલાઈ નથી.
ગુજરાતીમાં પ્રસિદ્ધ ઉક્તિ છે.
બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા,
બુઢાપામાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા
વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ મારવાનું ભૂલે નહીં એમ ઉંમર પછી પણ સ્વભાવ ઘટાડવો ખૂબ કઠણ છે.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા