✕

ચારિત્ર્યવાન નાગરિકો જ કોઈ પણ દેશની અસલી મૂડી છે

19 October, 2026 05:29 PM IST  |  Mumbai | Swami Satchidananda

ચરિત્ર વિનાનું જ્ઞાન અને રાષ્ટ્રભાવના વિનાની ધાર્મિકતા બન્ને નકામાં છે. એક માણસ સવારે પૂજાપાઠ કરે, ગંગાસ્નાન કરે; પણ જો તે વેપારમાં ભેળસેળ કરતો હોય, સરકારી ટૅક્સ ચોરતો હોય કે જાહેર રસ્તા પર કચરો ફેંકતો હોય તો તેના જેવો અધર્મી કોઈ નથી.

સ્વામી સચ્ચિદાનંદ

કોઈ પણ દેશ માત્ર મોટાં બિલ્ડિંગો, પહોળા રસ્તાઓ કે આધુનિક ફૅક્ટરીઓથી મહાન બનતો નથી. દેશ મહાન બને છે એના નાગરિકોના ઉચ્ચ ચરિત્ર અને દેશદાઝથી. આપણે ત્યાં ધર્મની વાતો હજારો વર્ષોથી થાય છે, મંદિરો અને તીર્થસ્થાનોની કોઈ કમી નથી છતાં એક રાષ્ટ્ર તરીકે આપણે સ્વચ્છતા, શિસ્ત અને પ્રામાણિકતામાં પાછળ કેમ રહી ગયા? 
ચરિત્ર વિનાનું જ્ઞાન અને રાષ્ટ્રભાવના વિનાની ધાર્મિકતા બન્ને નકામાં છે. એક માણસ સવારે પૂજાપાઠ કરે, ગંગાસ્નાન કરે; પણ જો તે વેપારમાં ભેળસેળ કરતો હોય, સરકારી ટૅક્સ ચોરતો હોય કે જાહેર રસ્તા પર કચરો ફેંકતો હોય તો તેના જેવો અધર્મી કોઈ નથી. સાચો ધર્મ મંદિરોની ૪ દીવાલોમાં કેદ રહેવામાં નથી, પણ સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં છે. નાગરિકનું પહેલું કર્તવ્ય પોતાના દેશની વ્યવસ્થા અને સાર્વજનિક સંપત્તિનું જતન કરવાનું છે.
આપણા દેશની સૌથી મોટી કમનસીબી એ રહી છે કે આપણે ત્યાં વ્યક્તિગત સ્વાર્થ સર્વોપરી થઈ ગયો અને રાષ્ટ્રહિત ગૌણ બની ગયું. પશ્ચિમના વિકસિત દેશો માત્ર વિજ્ઞાનના બળે આગળ નથી વધ્યા, ત્યાંના નાગરિકોની નાગરિક-ધર્મ પ્રત્યેની સભાનતાના કારણે સમૃદ્ધ બન્યા છે. ત્યાંનો સામાન્ય માણસ પણ કતારમાં ઊભા રહેવામાં અપમાન નથી માનતો, ટ્રાફિકના નિયમો તોડતો નથી અને જાહેર સ્થળોને પોતાનું ઘર સમજીને સ્વચ્છ રાખે છે. આપણે ત્યાં લોકો પોતાના ઘરનો કચરો વાળીને સીધો શેરીમાં ફેંકી દે છે. આ ગંદકી કોઈ બહારથી આવીને નથી કરી જતું, એ આપણા ચરિત્ર અને વ્યવસ્થા પ્રત્યેની બેદરકારીનું જ પરિણામ છે.
જ્યાં સુધી દેશના શિક્ષક, સરકારી કર્મચારી, વેપારી અને રાજકારણીમાં નૈતિક ચરિત્ર નહીં હોય ત્યાં સુધી કાયદાઓ કે યોજનાઓ કાગળ પર જ પડી રહેશે. ભ્રષ્ટાચાર અને કામચોરી એ દેશદ્રોહનાં જ સ્વરૂપો છે. જે વ્યક્તિ પોતાના કામમાં બેઈમાની કરે છે તે રાષ્ટ્રના પાયા ખોખલા કરે છે. દેશદાઝ એટલે માત્ર સરહદ પર જઈને બંદૂક ચલાવવી કે ૧૫ ઑગસ્ટે તિરંગો ફરકાવવો એટલું જ નથી. પોતાની ફરજ પૂરી પ્રામાણિકતાથી બજાવવી, નિયમોનું પાલન કરવું અને સમાજના હિતને પોતાના વ્યક્તિગત સ્વાર્થ કરતાં મોટું ગણવું એ જ સાચી દેશભક્તિ છે.
ચરિત્રવાન નાગરિકો જ કોઈ પણ દેશની અસલી મૂડી છે. જે દિવસે આપણા દેશનો નાગરિક સ્વચ્છતાને સંસ્કાર બનાવશે, નિયમોને જીવનનો ભાગ માનશે અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ સ્થાન આપશે એ દિવસે ભારતને જગતગુરુ કે સમૃદ્ધ બનતાં કોઈ રોકી નહીં શકે. 

astrologer astrology columnists lifestyle news life and style culture news