16 April, 2025 02:05 PM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદ
હું પણ આ વાતમાં આવી ગયો અને જગત આખામાં જે પણ સાધુ-સંતો-બાવાઓ-મહારાજો છે તેઓ પણ એમાં આવી ગયા. ગુરુ બનીને કંઠી બાંધનારાઓની પાછળ ભાગવા કરતાં તમારી આજુબાજુમાં રહેલાઓમાં તમારા ગુરુ શોધવાની કોશિશ કરજો અને ધારો કે એ રીતે પણ ગુરુ ન મળે તો મા-બાપને ગુરુ માનીને તેમની વંદના કરજો, પણ ધર્મકાજ ગુરુ કોઈને બનાવવાનું કાર્ય નહીં કરતા. આ આજના સમયની કડવી વાસ્તવિકતા છે. આ કડવી વાસ્તવિકતાનો અનુભવ કરવો ન પડે એ માટેનો શ્રેષ્ઠ રસ્તો કહ્યો એ જ છે. ધર્મના નામે ક્યારેય કોઈને ગુરુ બનાવવા નહીં અને બનાવવા હોય તો માત્ર વાણી કે વર્તન જોઈને આગળ વધવાને બદલે તેમનાં વ્યવહાર અને આચરણને ધ્યાનમાં રાખજો.
આજે પણ અનેક સંતો એવા છે જેમને મળીને વંદન કરવાનું મન થઈ આવે. તેમનું આચરણ એ પ્રકારનું છે, તેમની સાધના અને પ્રભાવ એ સ્તરનાં છે કે જાણે તમે સતયુગના ઋષિમુનિની સામે હો; પણ અફસોસ એવા સંતો, એવા સાધુઓનું પ્રમાણ હવે ઘણું ઓછું છે. ધર્મના નામે ગુરુ જો મળ્યા તો એ પણ એના નિવડ્યે જ વખાણ થાય અને નિવડ્યાનું ત્યારે જ કહી શકાય જ્યારે તમે અંતિમ સમય સુધી તેના સતનો અનુભવ અનુભવ્યો હોય.
ગુરુ કાર્યથી બને, વ્યાખ્યાનથી નહીં. એ દિવસો ગયા જ્યારે વ્યાખ્યાનોમાં સરસ મજાની વાતો સાંભળીને એને ગુરુવર બનાવવામાં આવતા. કાર્યશુદ્ધિ ન હોય, આચરણમાં ભારોભાર વિશુદ્ધિ ભરી હોય એવા ગુરુ કરતાં તો ક-ગુરુ રહેવું ઉચિત છે. ગુરુની એક સરળ વ્યાખ્યા છે, પ્રકાશપુંજ પાથરે તે ગુરુ. આ વ્યાખ્યામાં સૌથી પહેલાં જે આવે છે તે મા-બાપ છે, તેમના પછી જે આવે છે તે શિક્ષક છે. આજના સમયમાં તો શિક્ષકને પણ અંધ બનીને ગુરુ માનીને પૂજવાનો અર્થ રહ્યો નથી; પણ હા, માવતરની બાબતમાં હજી પણ આંખો મીંચીને આગળ વધી શકાય છે. હા, ક્યાંક છૂટાછવાયા કમાવતરના કિસ્સાઓ જોવા-સાંભળવા મળે, પણ જગત આખું શ્વેત નથી એ સનાતન સત્ય છે.
મા-બાપ અને શિક્ષક પછી જો ગુરુનું સ્થાન કોઈ પ્રાપ્ત કરી શકે તો એ તમે જેમના હાથ નીચે કામ શીખ્યા હો, આજીવિકા મેળવતા હો તે છે. ધર્મનો પાઠ આપી ધર્મના રસ્તે વાળે એવા ગુરુઓની આજના સમયમાં જરૂર નથી. આજના સમયમાં તમારા થકી, તમારા રાષ્ટ્ર, તમારા સમાજ અને તમારા પરિવારનું હિત દેખાડી શકે અને એ માર્ગ પર આગળ વધારી શકે એનાથી મોટો કોઈ ગુરુ નથી.