તમે જ આનંદઘન છો

28 August, 2022 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ નિર્મળ સ્મિતનું કારણ પૂછતાં તેમણે કહ્યુંઃ ‘આજે તો મજા આવી ગઈ..’ એક વ્યક્તિ રામને ગાળો દેતી હતી. હું જોતો હતો.

તમે જ આનંદઘન છો

પર્યુષણા શબ્દનો એક અર્થ થાય છે સ્વમાં સંપૂર્ણતયા રહેવું. (પરિત: વસના)
સમાધિશતક ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયમહારાજ કહે છે કે આત્મદ્રષ્ટા સાધક ન તો શહેરમાં રહે છે ન જંગલમાં. એ તો રહે છે માત્ર પોતામાં. સ્વમાં. (આત્મદર્શી કું વસતિ, કેવલ આતમ શુદ્ધ.)
સ્વામી રામ પોતાના માટે (આત્મા માટે) હું શબ્દનો પ્રયોગ કરતા. શરીર માટે રામ શબ્દને તેઓ પ્રયોજતા.
એક વાર તેઓ બહારથી આશ્રમમાં આવ્યા. હસતા હતા. એ નિર્મળ સ્મિતનું કારણ પૂછતાં તેમણે કહ્યું: ‘આજે તો મજા આવી ગઈ..’ એક વ્યક્તિ રામને ગાળો દેતી હતી. હું જોતો હતો.
એક ત્રિકોણ ખડો થયો : ગાળ આપનાર, ગાળ ખાનાર અને ગાળ સાંભળનાર.
તમે દ્રષ્ટા છો, માત્ર દ્રષ્ટા.
આ રીતે ‘હું’ને જો રિપ્લેસ કરી શકાય તો કેટલી મજા આવે. ઘણી બધી ઝંઝટ દૂર. કોઈ ગાળો આપે છે, તો એ આ શરીરને આપે છે. હું ક્યાં શરીર છું? હું તો દ્રષ્ટા છું. કોઈકને ગાળો અપાઈ રહી છે. હું એ પ્રક્રિયાનો દ્રષ્ટા છું.
પ્રભુને શ્રી આચારાંગજી સૂત્રમાં પૂછવામાં આવેલું કે ‘પ્રભુ, દ્રષ્ટાને કોઈ પીડા ખરી?’ ભગવાને કહ્યું, ‘ના.’ (કિમત્થી ઉવાહી પાસગસ્સ? ણત્થિતિબેમિ:)
હા, દ્રષ્ટાની ભૂમિકા પર જે સાધક નથી આવ્યો તેને કોઈના અપશબ્દો કે અપકૃત્યો પ્રભાવિત કરી શકે અને તે એનાથી પીડિત પણ થઈ શકે.
પ્રભુએ એવા સાધકને એક મજાનું સુરક્ષાચક્ર આપ્યું ‘ક્ષમાપના.’ એવો સાધક ન કોઈ ઘટનાથી પ્રભાવિત થાય, ન કોઈને એવી ઘટના ભણી મોકલે.
એવા સાધક દ્વારા ભૂલથી કે આવેગમાં કોઈને પણ અપ્રિય શબ્દો કહેવાઈ ગયા હશે. ખ્યાલ આવતાં જ તે પેલી વ્યક્તિની ક્ષમા યાચશે. એ સમયે સાધકની આંખોમાં આંસુ હશે અને  હોઠ પર, ક્ષમા માગવા માટેના પરંપરામાં વપરાતા શબ્દો હશે, ‘મિચ્છા મિ દુક્કડમ...’ (મારા દ્વારા થયેલા અકાર્ય મિથ્યા થાઓ).
ક્ષમા માગી પણ શકે છે સાધક, આપી પણ શકે છે. તેણે પવિત્ર કલ્પસૂત્ર (બારસા સૂત્ર)ના શબ્દો સાંવત્સરિક મહાપર્વને દિવસે, ગુરુદેવોના શ્રીમુખેથી સાંભળ્યા છે : જે ક્ષમા યાચે છે ને આપે છે તે જ આરાધક છે (જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા).
ક્ષમાપના ક્રોધ, અહંકાર આદિને શિથિલ કરે અને એ વિભાવોની શિથિલતા દ્વારા સાધક સ્વની વૈભવી દુનિયામાં પ્રવેશ કરે. જ્યાં છે બીઇંગની મજા. કર્તૃત્વની પીડા થઈ છૂ.
તમે જ આનંદઘન છો. આવા મહાપુરુષોનાં વચનોને તમે અનુભૂતિના સ્તરે આત્મસાત્ કરી રહ્યા છો.
આ આનંદ માણ્યા પછી પરદોષ દર્શન બિલકુલ છૂટી જાય છે. ત્યાં તો છે માત્ર પીડા.
કોઈ વ્યક્તિમાં તમે દોષ જોયો, તમને પીડા થઈ. આ પ્રક્રિયામાં શું થયું? ગુનો બીજાએ કર્યો, સજા તમે ભોગવી.
સદ્ગુરુ કે કલ્યાણમિત્ર સિવાય બીજા કોઈ સાધકે કોઈના દોષ જોવા નથી. એ અનધિકાર ચેષ્ટા નહીં ગણાય?
આ સંદર્ભે એક ગુજરાતી કહેવત યાદ આવે : ‘ભેંસનાં શિંગડાં ભેંસને ભારે...’ ભેંસનાં શિંગડાં બહુ જ વજનદાર હોય, પણ એથી જોનારને શું? એને ક્યાં ભાર લાગવાનો છે?
હા, બીજાની દોષમુક્તિ માટે પ્રાર્થના કરી શકાય. સાધક ક્ષમાપનાની ધારામાં વહીને વિભાવોને શિથિલ કરીને સ્વાનુભૂતિના આનંદને માણશે.
યક્ષપ્રશ્ન એ અનુત્તરિત રહ્યો કે આખરે આનંદઘનતાને ખંડિત કોણ કરે છે?
સામાન્ય સમજ એવી હોય છે કે અપ્રિય ઘટના આનંદને તોડે છે. વાસ્તવમાં, ઘટના નહીં, ઘટના વિશેના વિચારો તમારી આનંદની ધારાને ક્ષત-વિક્ષત કરી નાખે છે.
અપ્રિય ઘટના ઘટી. દસ દિવસ એને વીતી ગયા. તમે એને ભૂલી પણ ગયેલા. પરિણામે, એ ઘટનાની પીડા છૂ થયેલી અને અગિયારમા દિવસે આવેલ એક વ્યક્તિએ એ ઘટનાની યાદ અપાવી. અરે, મને તો હમણાં જ ખબર પડી. તમારા જેવા સજ્જનને પેલાએ આવું કહ્યું? હવે જે પીડા થાય છે એ ઘટનાની નથી. ઘટનાના સ્મરણને કારણે મનમાં જે વિચારો ચાલ્યા એની છે.
એક ભાઈ પડી ગયેલા. પગમાં ક્રૅક આવી. ડૉક્ટરે પ્લાસ્ટર લગાવ્યું. બેડ-રેસ્ટ કરવાનું કહ્યું. દસેક દિવસ ક્રૅક થોડી સંધાણી ખરી. ત્યાં તેનો એક મિત્ર તેની ખબર કાઢવા આવ્યો. અરે તમે કેમ કરતા પડી ગયા? પેલા ભાઈ ઊભા થયા. તેમણે રિહર્સલ કરી બતાવ્યું. આ રીતે પડેલોપરિણામ? ફરી નવું પ્લાસ્ટર.
અપ્રિય ઘટનાને માણવાની - હા એન્જૉય કરવાની એક રીત આ પણ છે : સ્વીકાર.
જે અપ્રિય ઘટના આજે તમારા જીવનમાં ઘટી, તમને એનો ખ્યાલ નહોતો, પણ અનંતજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં એ ઘટનાને ઘટિત થયેલી જોઈ હતી.
અનંત કેવળજ્ઞાનીઓની દ્રષ્ટિ જે ઘટના પર પડે એ ઘટના કેવી તો મજાની બની જાય? એનો અસ્વીકાર કેમ થઈ શકે.
એક સંગોષ્ઠિમાં મને પૂછવામાં આવેલું કે પ્રભુની સાધનાને એક શબ્દમાં પ્રસ્તુત કરવી હોય તો એને માટે કયો શબ્દ વપરાય?
મેં કહેલું, ‘સર્વસ્વીકાર’ એક શબ્દ એવો છે જે પ્રભુની પૂરી સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટના આમ ઘટી કે તેમ ઘટી. ઘટી ગયેલી ઘટના પરત્વે સ્વીકાર સિવાય તમે કરી પણ શું શકો?
સ્વાતંત્રસેનાની લોકમાન્ય ટિળકના જીવનની એક ઘટના યાદ આવે છે. એ વખતે રાજકીય વિરોધીઓ લોકમાન્ય પર અસહ્ય શબ્દોનો વરસાદ વરસાવતા હતા. ત્યારનાં સમાચારપત્રોમાં એ બધું છપાતું. ક્યારેક તો છાપાની હેડલાઇન ટિળક પરના જૂઠા આક્ષેપોથી ભરાયેલી હોય.
એક સવારે એક મિત્ર લોકમાન્યને ત્યાં આવેલા. ચા પીને ટિળક છાપું વાંચી રહ્યા હતા લિજ્જતથી. મિત્રે કહ્યું, ‘તમે આવું છાપું કઈ રીતે વાંચી શકો છો? તમારા જેવા સજ્જન પર આવી ગાળોનો વરસાદ વરસાવ્યો છે.’
ટિળકે હસતાં-હસતાં કહ્યું, ‘તું નાસ્તો કરીને આવ્યો?’ મિત્રે હકારમાં માથું ધુણાવ્યું. ટિળકે બે કપ ચા મગાવી. એક કપ મિત્રને આપ્યો. પછી તેમણે કહ્યું, ‘તેં ચા સાથે ઉપમા કે પૌંઆનો નાસ્તો કર્યો હશે. હું ચા સાથે ગરમાગરમ ગાળોનો નાસ્તો કરું છું.’
મિત્ર હસી પડ્યો.
ઘટનાને એકદમ હળવાશથી જોવાની આ રીત કેવી મજાની હતી.
ઘટનાનો સ્વીકાર.
ઘટનાઓ ઘટ્યા કરે. તમારી આંનદની ધારા નિરંતર વહ્યા કરે. તમે આનંદનઘન છો.

life and style culture news astrology