24 July, 2026 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હવે કપડાંમાં આવ્યો વેવી કટ પૅટર્નનો ટ્રેન્ડ
એકદમ સ્ટ્રક્ચર્ડ અને સ્ટ્રેટ કટ આઉટફિટ્સથી બોર થઈને કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો વેવી કટ ટ્રેન્ડ તમારા માટે બેસ્ટ ઑપ્શન બની શકે છે. આ ટ્રેન્ડમાં કપડાંની કિનારીઓ, હેમલાઇન અને કટઆઉટ્સમાં લહેરાતા વળાંક જોવા મળે છે. આ અનોખી ડિઝાઇન તમારા લુકમાં સૉફ્ટનેસ અને ફેમિનાઇન ટચ ઉમેરે છે. વેવી નેકલાઇનવાળું ટૉપ હોય, લહેરાતી બૉર્ડરવાળું ક્યુટ સ્કર્ટ હોય કે કમરના ભાગે વેવી કટઆઉટવાળો આકર્ષક વનપીસ ડ્રેસ - આ ડિઝાઇન અત્યારે દરેક જગ્યાએ સુપરહિટ બની રહી છે.
સીધા કટવાળાં કપડાં ઘણી વાર ખૂબ ફૉર્મલ અથવા કડક લાગે છે. એની સામે વેવી કટ તમારા લુકમાં એક અલગ જ ફ્લો અને મૂવમેન્ટ ઉમેરે છે. તમે ચાલો ત્યારે કપડાંની લહેરાતી બૉર્ડર એક અલગ જ કૂલ વાઇબ્સ આપે છે. આ કટ સિમ્પલ ફૅબ્રિકને પણ સૉફ્ટ, નાજુક અને ફેમિનાઇન લુક આપી શકે છે. જો તમારે કંઈક અલગ અને મૉડર્ન દેખાવું હોય તો આ લહેરાતી અને અસિમેટ્રિક ડિઝાઇન એક બેસ્ટ ઑપ્શન છે.
જો તમે રૂટીનમાં અથવા કૉલેજ-ઑફિસ માટે કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો હેવી ડિઝાઇનવાળાં આઉટફિટ્સને બદલે વેવી કટ પૅટર્નવાળાં કપડાં પસંદ કરો.
એક એવું ક્યુટ શર્ટ અથવા શૉર્ટ ટૉપ પસંદ કરો જેની નીચેની બૉર્ડર અથવા સ્લીવ્સની કિનારીઓ વેવી એટલે કે ઝિગ-ઝૅગ પૅટર્નવાળી હોય. આ ટૉપને તમારા રેગ્યુલર હાઈ-વેસ્ટ ડેનિમ અથવા પ્લેન ઍન્કલ-લેન્ગ્થ ટ્રાઉઝર સાથે ઇન કર્યા વગર પહેરો, જેથી વેવી કટ સ્પષ્ટ રીતે હાઇલાઇટ થાય.
રોમૅન્ટિક ડેટ અથવા ગેટ-ટુગેધર માટે થોડો ફેમિનિન અને સૉફ્ટ લુક મેળવવો હોય તો વેવી કટઆઉટવાળો ડ્રેસ પસંદ કરો. આજકાલ વેસ્ટર્ન વનપીસ અને મિડી ડ્રેસમાં કમરના ભાગે અથવા બૅક પર સીધા કટને બદલે લહેરાતાં કટઆઉટ્સ ખૂબ પૉપ્યુલર છે.
આ લુક સાથે મિનિમલ મેકઅપ અને ન્યુડ હીલ્સ અથવા ફ્લૅટ્સ સરસ લાગશે. ગળામાં એકદમ પાતળી ચેઇન પહેરી શકાય, જેથી ડ્રેસની નેકલાઇન હાઇલાઇટ થાય.
ગ્લૅમરસ પાર્ટી-લુક માટે એસિમેટ્રિક વેવી કટ્સ તમારા આઉટફિટમાં વધુ ડ્રામા ઉમેરી શકે છે. તમે મૉડર્ન એસિમેટ્રિક સ્કર્ટ અથવા ડ્રેસ પસંદ કરી શકો છો, જેમાં નીચેનો ઘેરાવ એકસરખો સીધો હોવાને બદલે લહેરાતો હોય. તમે જ્યારે ચાલશો ત્યારે ફૅબ્રિકની આ મૂવમેન્ટ આકર્ષક અને ગ્રેસફુલ લાગશે.
આ લુક સાથે સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ અને હાઈ પોનીટેઇલ અથવા ખુલ્લા વેવી હેર ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે.
• વેવી કટ સૉફ્ટ અને ફ્લોઇ ફૅબ્રિક પર વધુ સુંદર લાગે છે - જેમ કે જ્યૉર્જેટ, શિફોન, સૉફ્ટ ક્રૅપ અથવા સૅટિન. ખૂબ જ કડક કૉટન અથવા સિલ્ક પર વળાંક એટલા સારી રીતે હાઇલાઇટ થતા નથી.
• જો તમે નીચે વેવી કટવાળું સ્કર્ટ પહેર્યું હોય તો ઉપરનું ટૉપ એકદમ ફિટિંગવાળું રાખો અને જો ટૉપ હેવી વેવી ડિઝાઇનવાળું હોય તો બૉટમ સિમ્પલ રાખો.
• કપડાંની બૉર્ડર પોતે જ એક સ્ટેટમેન્ટ ડિઝાઇન છે એટલે બહુ હેવી જ્વેલરી પહેરવાનું ટાળો. આમ કરવાથી લોકોનું ધ્યાન
તમારા આઉટફિટના યુનિક કટ
પર જ રહેશે.