✕

તમારા લુકમાં ફુટવેઅરનું સ્ટાઇલિંગ પણ જરૂરી છે

16 November, 2026 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે મિનિમલિઝમનો જમાનો છે, પણ ફુટવેઅરમાં આજકાલ ફુલ-અૉન મૅક્સિમલિઝમ ચાલી રહ્યું છે ત્યારે બૅલૅન્સ્ડ લુક મેળવવા શું કરવું એ જાણી લો

મેટલિક કિટન હીલ્સ

કોઈ ખાસ સામાજિક પ્રસંગ માટે કે વેડિંગ માટે ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે મૉડર્ન ફૅશનનો ટચ આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લેહંગા, સાડી, અનારકલી કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટની પસંદગી જેટલી મહત્ત્વની છે એટલી જ મહત્ત્વની છે એની સાથે પહેરાતાં ફુટવેઅર. યોગ્ય ફુટવેઅર આખા લુકને વધુ સ્ટાઇલિશ અને એલિગન્ટ બનાવી શકે છે. આ સીઝનમાં કેવાં ફુટવેઅર ટ્રેન્ડમાં છે અને એને કેનાં આઉટફિટ્સ સાથે પેર કરવા જોઈએ એની ગાઇડ જાણી લો.

મેટલિક કિટન હીલ્સ
મેટલિક ફુટવેઅર ફેસ્ટિવ લુકમાં તરત જ શાઇન ઉમેરે છે. ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર શેડની કિટન હીલ્સ મિનિમલ અને રિચ લુક માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. કિટન હીલ્સની ઊંચાઈ સામાન્ય રીતે ઓછી હોવાથી લાંબા સમય સુધી પહેરવામાં પણ એ વધુ કમ્ફર્ટેબલ રહે છે. 
ઇન્ડો-વેસ્ટર્ન ગાઉન, પેપ્લમ કુરતી, શ્રગ સાથેનો લેહંગો કે સિમ્પલ સૅટિન-સિલ્ક આઉટફિટ સાથે મેટલિક કિટન હીલ્સ સારી રીતે મૅચ થાય છે. ખાસ કરીને મોનોક્રોમ આઉટફિટ સાથે ગોલ્ડન અથવા સિલ્વર હીલ્સ લુકમાં જરૂરી શાઇન ઉમેરે છે, પણ એને ઓવરડૂ થવા દેતી નથી.

ઝરદોઝી વર્ક પ્લૅટફૉર્મ હીલ્સ
ફેસ્ટિવ સીઝનમાં જો લુકને વધુ રૉયલ અને ગ્લૅમરસ બનાવવો હોય તો ઝરદોઝી વર્કવાળી પ્લૅટફૉર્મ હીલ્સ એક સ્ટેટમેન્ટ ફુટવેઅર બની શકે છે. ઝરદોઝી ભારતીય એમ્બ્રૉઇડરીની સમૃદ્ધ પરંપરાનો ભાગ છે અને જ્યારે એનો ઉપયોગ ફુટવેઅરમાં થાય છે ત્યારે એ સાદા આઉટફિટને પણ ફેસ્ટિવ ટચ આપી શકે છે. હેવી સિલ્ક સાડી, એમ્બ્રૉઇડર્ડ લેહંગા અથવા હેવી ફેસ્ટિવ સૂટ સાથે આવી હીલ્સ સારી રીતે જાય છે. આઉટફિટમાં ગોલ્ડન કે સિલ્વર જરીનું કામ હોય તો ફુટવેઅરની એમ્બ્રૉઇડરી પણ એ જ મેટલિક ટોન સાથે રાખવાથી આખા લુકમાં કલર કોઑર્ડિનેશન જળવાય છે. પ્લૅટફૉર્મ સોલ વધારાની ઊંચાઈ સાથે સ્ટેબિલિટી પણ આપે છે, એથી પાર્ટી કે લાંબા સમયના ફંક્શન માટે એ ઉપયોગી વિકલ્પ બની શકે છે.

બ્લૉક હીલ્સ કોલ્હાપુરી
કોલ્હાપુરી ફુટવેઅર ભારતીય ફૅશનમાં લાંબા સમયથી લોકપ્રિય છે. હવે એની ટ્રેડિશનલ ડિઝાઇનમાં બ્લૉક હીલ્સનો ઉમેરો થતાં એને વધુ મૉડર્ન ફૅશન સાથે જોડવામાં આવી રહી છે. બ્લૉક હીલ્સ ઊંચાઈ આપે છે અને એના પહોળા બેઝને કારણે સ્ટિલેટો કરતાં વધુ સ્ટેબલ વિકલ્પ બની શકે છે. હેવી કુરતી, શૉર્ટ કુરતા સાથે ધોતી-પૅન્ટ, ફ્લેર્ડ કુરતા કે કૉટન-સિલ્ક સાડી સાથે બ્લૉક હીલ્સ કોલ્હાપુરી સુંદર લાગે છે. ખાસ કરીને હૅન્ડલૂમ સાડી અને અનારકલી સૂટ જેવા એથનિક આઉટફિટ સાથે એ લુકને બોહો-ટ્રેડિશનલ ફીલ આપી શકે છે.

આટલું ધ્યાનમાં રાખો
 તહેવારોમાં લાંબા સમય સુધી ઊભા રહેવાનું કે ચાલવાનું હોય તો માત્ર લુક જોઈને હીલ્સ પસંદ ન કરો; હીલની ઊંચાઈ, ફિટિંગ અને સ્ટેબિલિટી પણ ચકાસો.
 હેવી એમ્બ્રૉઇડરીવાળા આઉટફિટ સાથે બહુ વધુ ડીટેલિંગ ધરાવતી હીલ્સ લુકને વધુ ભભકાદાર બનાવે છે. આવા સમયે સટલ અને સિમ્પલ ફુટવેઅર વધુ યોગ્ય રહે છે. જોકે આઉટફિટ સિમ્પલ હોય તો એની સાથે સ્ટેટમેન્ટ હીલ્સ તમારા લુકને હાઇલાઇટ કરી શકે છે.
 હીલ્સનો રંગ હંમેશાં આઉટફિટ સાથે મૅચ કરવો જરૂરી નથી, પણ બન્ને વચ્ચે કલર અથવા મેટલિક ટોનનું બૅલૅન્સ હોવું જોઈએ. ગોલ્ડન અને સિલ્વર મેટલિક શેડ્સ મોટા ભાગના ફેસ્ટિવ આઉટફિટ્સ સાથે સરળતાથી કામ કરે છે. યોગ્ય ડિઝાઇન, રંગ અને કમ્ફર્ટ સાથે પસંદ કરવામાં આવે તો હીલ્સ ફેસ્ટિવ લુકને વધુ પર્સનલ અને સ્ટાઇલિશ બનાવી શકે છે.

fashion news fashion life and style lifestyle news