ગરમીમાં સ્કિનને કૂલ-કૂલ રાખશે પાંચ દેશી જુગાડ

25 March, 2026 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનાળો શરૂ થાય એટલે સ્કિન-કૅર રૂટીનમાં પણ ફેરફાર જરૂરી બની જાય છે. તીવ્ર ગરમી અને પરસેવાને કારણે ત્વચા ડલ થઈ જાય છે અને એને ખાસ કાળજીની જરૂર પડે છે. આવા સમયે આપણા ઘરમાં જ મળતી કેટલીક નૅચરલ ચીજો સ્કિન માટે બેસ્ટ કૂલિંગ સોલ્યુશન બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

ઉનાળાની ઋતુમાં ત્વચા પર ગરમીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે. વધારે તાપમાન, પ્રદૂષણ અને ધૂળને કારણે સ્કિન ડલ, ડીહાઇડ્રેટ અને ઇરિટેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં ભારે કેમિકલવાળી પ્રોડક્ટ્સ કરતાં આપણા પરંપરાગત અને કુદરતી ઉપાયો વધુ લાભદાયક સાબિત થાય છે. ભારતીય ઘરોમાં સદીઓથી ઉપયોગમાં લેવાતાં કેટલાંક નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ ત્વચાને ઠંડક આપવાની સાથે એને સ્વસ્થ અને તાજગીભરી રાખવામાં મદદ કરે છે.

૧. ચંદન

ચંદનની પ્રકૃતિ એકદમ ઠંડી હોય છે. ઉનાળામાં જ્યારે તડકાને લીધે ચહેરો તપતો હોય કે લાલ થઈ ગયો હોય ત્યારે ચંદનનો લેપ લગાવવાથી ત્વચાને તરત જ શાંતિ મળે છે. એ એક નૅચરલ ઍર-કન્ડિશનર (AC) જેવું કામ કરે છે. જો તમે તડકામાં ફરીને આવ્યા હો અને સ્કિન બળી ગઈ હોય તો ચંદન બેસ્ટ ઇલાજ છે. એ ત્વચાના સોજા ઘટાડે છે અને સૂર્યનાં કિરણોથી થયેલું નુકસાન મટાડવામાં મદદ કરે છે. ગરમીમાં પરસેવાને લીધે સ્કિન પર બૅક્ટેરિયા જમા થાય છે, જેનાથી ખીલ થાય છે. ચંદનમાં ઍન્ટિસેપ્ટિક ગુણો હોય છે જે ખીલ પેદા કરતા બૅક્ટેરિયાને ખતમ કરે છે અને સ્કિનને ચોખ્ખી રાખે છે. ઉનાળામાં આપણી સ્કિન બહુ ઑઇલી થઈ જતી હોય છે. ચંદન પાઉડર સ્કિન પરનું વધારાનું તેલ શોષી લે છે જેનાથી ચહેરો ચીકણો નથી લાગતો અને લાંબા સમય સુધી ફ્રેશ દેખાય છે. ચંદન ત્વચાનો રંગ નિખારવાનું કામ કરે છે. જો નિયમિત રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો આંખ નીચેનાં કૂંડાળાં અને ચહેરા પરના કાળા ડાઘ ધીમે-ધીમે ઓછા થઈ જાય છે.

૨. ગુલાબજળ

ઉનાળામાં ગુલાબજળ માત્ર સુગંધ માટે નથી, પણ સ્કિન માટે એક બેસ્ટ રેડી-ટુ-યુઝ કૂલિંગ એજન્ટ છે. જ્યારે તડકામાંથી આવીએ ત્યારે ચહેરો એકદમ કરમાઈ ગયેલો લાગે. એવામાં ઠંડા ગુલાબજળનો એક સ્પ્રે કરો એટલે સ્કિન તરત જ ખીલી ઊઠે છે. એ સ્કિનનાં છિદ્રોને ટાઇટ કરે છે અને પરસેવાને લીધે જમા થયેલી ગંદકી સાફ કરે છે. વધુપડતી ગરમીને લીધે સ્કિનનું pH લેવલ બગડે છે, ગુલાબજળ એને નૉર્મલ રાખવામાં મદદ કરે છે. જો ગરમીને લીધે આંખો બળતી હોય તો ગુલાબજળમાં બોળેલાં કૉટન પૅડ્સ આંખો પર મૂકવાથી ગજબની શાંતિ મળે છે.

૩. સુગંધી વાળો

વાળો એક પ્રકારના સુગંધિત ઘાસનાં મૂળ છે. ઉનાળામાં જ્યારે ગરમી અસહ્ય હોય ત્યારે આ વાળો ત્વચા અને શરીર માટે કુદરતી વરદાન જેવું કામ કરે છે. વાળો તાસીરમાં એકદમ ઠંડો હોય છે. એ માત્ર ત્વચાને જ નહીં પણ શરીરની અંદરની ગરમીને પણ શાંત કરે છે. ગરમીમાં પરસેવાને લીધે થતી અળાઈઓ અને ખંજવાળમાં વાળાનું પાણી લગાવવાથી તરત જ આરામ મળે છે. વાળાના મૂળને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે એ પાણી નહાવામાં વાપરો. આખા શરીરને AC જેવી ઠંડક અનુભવાશે. વાળાના પાણીને સ્પ્રે-બૉટલમાં ભરીને ફ્રિજમાં રાખો. જ્યારે પણ બહારથી આવો ત્યારે ચહેરા પર સ્પ્રે કરો. એ મોંઘા ટોનર કરતાં પણ સારું રિઝલ્ટ આપશે. ઉનાળામાં પરસેવાની દુર્ગંધ મોટી સમસ્યા હોય છે. વાળો એક કુદરતી ડીઓડરન્ટ છે જે શરીરને લાંબા સમય સુધી સુગંધિત અને ફ્રેશ રાખે છે.

૪. દહીં

ઉનાળામાં ત્વચા માટે દહીં માત્ર ખોરાક નથી પણ એક શક્તિશાળી બ્યુટી-પ્રોડક્ટ છે. દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ અને ગુડ બૅક્ટેરિયા ત્વચા માટે વરદાન સમાન છે. ઉનાળામાં તડકાને લીધે ત્વચા સુકાઈ જાય ત્યારે દહીં એને અંદરથી હાઇડ્રેટ કરે છે અને એકદમ સૉફ્ટ બનાવે છે. જો તડકામાં ફરવાને લીધે કાળાશ આવી ગઈ હોય તો દહીં લગાવવાથી એ ધીમે-ધીમે દૂર થાય છે અને ત્વચાનો અસલી રંગ પાછો આવે છે. દહીંમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોય છે જે ઉનાળામાં થતા ખીલ અને ફોડલીઓને રોકવામાં મદદ કરે છે. દહીંની તાસીર ઠંડી હોવાથી એ ચહેરા પરની બળતરા શાંત કરે છે અને કૂલિંગ ઇફેક્ટ આપે છે.

૫. કાકડી

ઉનાળામાં જ્યારે ઠંડકની વાત આવે ત્યારે કાકડી સૌથી વધુ વપરાતું અને અસરકારક કૂલિંગ એજન્ટ છે. એમાં ૯૫ ટકાથી વધુ પાણી હોય છે જે ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખે છે. કાકડી લગાવતાંની સાથે જ ત્વચાનું તાપમાન ઓછું થઈ જાય છે. તડકાને લીધે જો ચહેરો લાલ થઈ ગયો હોય તો કાકડીનો રસ એને તરત શાંત કરે છે. આંખો પર કાકડીની સ્લાઇસ મૂકવાથી આંખોનો થાક ઊતરી જાય છે અને કાળાં કૂંડાળાં ધીમે-ધીમે ઓછાં થાય છે. કાકડી એક કુદરતી ઍસ્ટ્રિન્જન્ટ છે. એ ત્વચાનાં ખુલ્લાં છિદ્રોને બંધ કરે છે જેનાથી સ્કિન એકદમ ટાઇટ અને જવાન દેખાય છે. જો તડકામાં સ્કિન બહુ વધારે બળી ગઈ હોય તો કાકડીનો રસ અને દહીં મિક્સ કરીને લગાવવાથી જબરદસ્ત આરામ મળે છે.

fashion fashion news skin care life and style lifestyle news columnists